સાવિત્રી

Sri Aurobindo symbol
Sri Aurobindo

Sri Aurobindo's major poetic work, an epic in blank verse. In Savitri, a legend from the Mahabharata becomes the symbol of the human soul's spiritual destiny. In poetic language, Sri Aurobindo describes his vision of existence and explores the reason for ignorance, darkness, suffering and pain, the purpose of life on earth and the prospect of a glorious future for humanity. The writing of the epic extended over much of the later part of his life.

Sri Aurobindo Birth Centenary Library (SABCL) Savitri Vols. 28,29 816 pages 1970 Edition
English
 PDF     Poems
Sri Aurobindo symbol
Sri Aurobindo

Sri Aurobindo's major poetic work, an epic in blank verse. In Savitri, a legend from the Mahabharata becomes the symbol of the human soul's spiritual destiny. In poetic language, Sri Aurobindo describes his vision of existence and explores the reason for ignorance, darkness, suffering and pain, the purpose of life on earth and the prospect of a glorious future for humanity. The writing of the epic extended over much of the later part of his life.

Gujarati Translations of books by Sri Aurobindo સાવિત્રી 1973 Edition
Gujarati Translation
Translator:   Pujalal

પ્રથમ  સર્ગ

કાળા શૂન્ય પ્રત્યે

વસ્તુનિર્દેશ

 

           સાવિત્રી હવે ઘોર વનમાં એકલી પડી ગઈ. પતિનું શબ એની છાતી સરસું હતું. નિરાધાર વિચારોથી એ પોતાની મહાહાનિનું માપ કાઢતી ન 'તી, આંસુથી દુઃખની શૈલમુદ્રાને તોડતી ન 'તી. હજુય એ ભયંકર દેવનો સામનો કરવા ઊભી થઈ ન 'તી. એનું મન સત્યવાનની સાથે મરી ગયું હતું. નિષ્પ્રાણ પતિદેહ એણે ગાઢ આશ્લેષમાં રાખ્યો હતો, જાણે કે એના આત્માને એ હજીય ખોળિયામાં રાખવા માગતી ન હોય.

           પછી જીવનની અદભુત ક્ષણોએ થાય છે એવો એક અસાધારણ ફેરફાર એનામાં થયો. એ પળ આવી જયારે આત્મા પોતાના મહસના મૂળ પ્રતિ ઊર્ધ્વ ઊંચકાય છે, પડદો ચિરાઈ જાય છે, વિચારનો કરનારો રહેતો નથી, એક આત્મા જ જયારે જોતો હોય છે અને એને બધું જ્ઞાન થઈ જાય છે. તેવે વખતે આપણાં ભવાં ઉપર રાજમાન એક પ્રશાંત શકિતનાં દર્શન  થાય છે;  એ શકિત પ્રકૃતિનું સંચાલન કરે છે, જીવન ઉપર નજર નાખે છે ને વસ્તુઓના વમળને કાબૂમાં લઈ લે છે. દૈવી વિચારો આવવા માંડે છે ને એ પાર્થિવ મનને અચંબામાં નાખી દે છે. માનવી માટી એક અદૃષ્ટ એવા સુમેળ સાધનારાને હાથે ઘડાય છે, એક નવી દૃષ્ટિ ઊઘડે છે, નવા સ્વરો દેવોના સંગીતને આપણામાં દેહધારી બનાવે છે.

           માનવી નયનો જેને જોઈ શકતાં નથી એવો પ્રકૃતિમાં છુપાઈ રહેલો આત્મા રાત્રિનાં આકાશોમાં ભુવનોમાંના પોતાના માળામાંથી ઊંચે ઊડયો,  આત્મ-વિસ્મૃતિના દોર કપાઈ ગયા. સાવિત્રીને વિશ્વાવકાશમાં પ્રક્ષિપ્ત શકિતનાં દર્શન થયાં. પોતાના સ્વરૂપસર્વસ્વનું મૂળ, કલ્પ-કાળમાં ધીરે ક્રમે સંમૂર્ત્ત થતો સંકલ્પ, સનાતન સત્યનો એક ખંડ, અવિચલિત શકિતનું અનુરાગી ઓજાર એણે જોયું. ભુવનને ભરી દેતા એક સાન્નિધ્યે, એક સર્વાંતરવર્તી સર્વમયે એનું જીવન ધારણ કર્યું. એક પ્રભુતા, એક નીરવતા, એક ક્ષિપ્રતા સાવિત્રીના અટલ-

૧૫૬


ગર્તો ઉપર છવાઈ ગઈ. પ્રકાશને પાછળ ખેંચી લાવતી એક શકિત ઊતરી; કાળની પળોને એણે અનંતતા સાથે સાંકળી લીધી. સાવિત્રીના આત્મામાં આ ઘેરી શકિત ઊંડે ઊતરી ગઈ ને સાવિત્રી પલટાઈ ગઈ. સાવિત્રીના સહસ્રદલ કમલમાં એ પ્રવેશી. એની મર્ત્યતાને એ માર્ગદર્શન આપતી હતી, એનાં કાર્યોને કરતી હતી, એના શબ્દોનું ઉદભવસ્થાન બની ગઈ. આ શકિતને કાળ કશું કરી શકતો ન 'તો; એ સર્વસમર્થ હતી; શાંત, નિશ્ચલ ને નીરવ એ સાવિત્રીની ઉપર વિરાજી  રહી હતી.

           સાવિત્રીનું સત્ત્વસમસ્ત એ શકિતની સાથે સંલગ્ન બની ગયું. એ યુવા દિવ્યતાએ એનાં પાર્થિવ અંગોને દૈવી બળથી તરબર કરી દીધા. દુઃખ, શોક ને ભય રહ્યા ન 'તા. હવે એની સઘળી ક્રિયાઓ એ દેવતાની શાંતિમાંથી જ સંભવતી હતી. સાવિત્રી હવે દીનહીન માનવ પ્રથાને પાર કરી ગઈ હતી; એનામાં એક સર્વોપરી શકિત અને દૈવી સંકલ્પ પ્રવર્તવા લાગ્યાં હતાં.

            અવ એણે મૃત સત્યવાન ઉપર ક્ષણેક દૃષ્ટિપાત કર્યો ને પછી પોતાનું ઉદાત્ત મસ્તક ઊંચક્યું , ને યમરાજના ઘોર સ્વરૂપ ઉપર મીટ માંડી. એ અંધકારમય દેહસ્વરૂપની ભયપ્રેરક આંખોમાં સંહાર કરતા દેવોની દયા હતી. નિત્યની રાત્રિ આ ઘોર સ્વરૂપ લઈ દુઃખિત જગતના જીવોને પોતાના અગાધ ઊંડા હૃદયમાં આશરો આપતી હતી.

            સાવિત્રીની ને યમદેવની આંખો મળી. આખાયે વિરોધી જગતના અવાજ જેવો યમનો ભીષણ અવાજ આવ્યો : "આશ્લેષ છોડી દે, તારો ભાવાનુરાગનો આશ્લેષ છોડી દે. તું માત્ર પ્રકૃતિની દાસી છે, અવિકારી નિયમનું વિકારી ઓજાર છે. તારો બળવો નકામો છે. તારો આશ્લેષ છોડી દે. રડીને ભૂલી જા. તારા ઉત્કટ અનુરાગને જીવતી કબરમાં દફનાવ. એકલી પાછી ફર, તારા પૃથ્વી-લોકના નિષફળ જીવન પ્રત્યે પાછી ફર."

             અવાજ અટકયો. સાવિત્રી ન હાલી કે ન ચાલી. માનવગમ્ય બની અવાજ પાછો આવ્યો :

             " રે ! તુંય એની માફક જવાની છે. શું તું તારી ભાવાવેશભરી પકડને હર-હંમેશ રાખવાની છે ?  એના જીવને મૃત્યુની શાંતિ ને નીરવ આરામ નહિ લેવા દે ? પકડ છોડી દે. આ એનું શરીર પૃથ્વીનું તેમ જ તારું છે. એના આત્મા ઉપર હવે એક મહત્તર શકિતનો અધિકાર છે. સ્ત્રી ! તારો પતિ દુઃખિત થાય છે."

               સાવિત્રીએ સત્યવાનના શરીરને આશ્લેષમાં રાખતું પોતાનું હૃદયબળ સંહારી લીધું. ને પછી શરતમાં ઊતરેલો કોઈ પોતાનો ડગલો અળગો કરી સંકેતની રાહ જુએ તેમ તે સ્થિરીભૂત ત્વરાની પ્રતિમા સમી ઊભી ને સનાતન ગહવરમાંથી આવનારા આવેગની રાહ જોવા લાગી. હવે યમરાજ રાત્રિ જેમ શ્રાંત ભૂમિઓ ઉપર ઝૂકે છે તેમ ઝૂક્યો ને ક્ષણ વારમાં પાછો ભયંકર સ્વરૂપે ટટાર થઈ ગયો, એટલે

૧૫૭


 મૃત માટીના માળખામાંથી એક બીજો દેદીપ્યમાન સત્યવાન પ્રકટયો ને પાર્થિવ દિવસે મર્ત્ય નારી ને દેવની વચ્ચે મૂર્ત્તિમંત મૌન આશ્ચર્ય ઊભો.

             મર્ત્યલોકની હવાને અપરિચિત ભવ્યતાભર્યું સત્યવાનનું એ નવું સ્વરૂપ મનોવાંછિત માનવ સ્વરૂપ નહોતું તેથી સાવિત્રીના મનને એનાથી સંતોષ થતો ન'તો. આત્મા આત્માને ઓળખતો હતો, હૃદય પ્રિય હૃદયનું અનુમાન કરતું'તું, પણ સાવિત્રીને માટે એ ગોચરગમ્ય બની શકતો ન 'તો.

              આ નવો સત્યવાન બે પ્રદેશો વચ્ચે સ્થિર ઊભો રહ્યો ને કોઈ અંધ આજ્ઞાની રાહ જોતો હોય તેમ રાહ જોવા લાગ્યો. પૃથ્વીના ક્ષેત્ર ઉપર પૃથ્વીની નહિ એવી બે શકિતઓ, એક અપાર્થિવ ને બીજી પાર્થિવ પિંડમાં એકની બન્ને બાજુએથી પ્રયાસમાં પડી હતી. મૌન સામે મૌનનું ને બૃહત્તા સામે બૃહત્તાનું યુદ્ધ ચાલતું હતું. પણ હવે ગમનમાર્ગનો આવેગ આવ્યો ને સત્યવાન ચાલવા માંડયો, ને એની પાછળ યમ. સાવિત્રી પણ યમની પાછળ ચાલી. એની માનવી ગતિ દેવની ગતિ બરોબર બની હતી. પોતાના પ્રેમીનાં પગલાંમાં પોતાનાં પગલાં માંડતી સાવિત્રી પારનાં ભયાનક મૌનોમાં ચૂપચાપ ચાલતી હતી.

                આરંભમાં એક અંધ દબાણ કરતી ઝાડીમાં થઈ એ ચાલી. આસપાસ જમીન ઉપર અજાણ્યાં અમાનુષી પગલાં પડેલાં હતા. રસ્તોય જાણે દીઠો ના હોય એવો હતો. વનનો લીલમ પડદો ચોગરદમ ઝબૂકતો હતો. ડાળાં અંતરાઈ કરતાં 'તાં. આસપાસ પદડાંનું મર્મરધ્વનિએ ભર્યું સૌન્દર્ય લીલા ઝભ્ભા જેવું જણાતું હતું. પણ ધીરે ધીરે આ મર્મરાટ વિદેશીય જેવો બનતો ગયો. પોતાનું શરીરેય એને ભાર રૂપ લાગવા માંડયું. પોતે એક દૂરના દૃશ્યમાં આવી ગઈ હતી. સત્યવાનનો દેદીપ્યમાન આત્મા ચૂપચાપ આગળ સરતો હતો ને એની પાછળ અસ્પષ્ટ લાગતી મહાન છાયા ચાલતી હતી.

                 સાવિત્રીની ઇન્દ્રિયો હજીય પૃથ્વીની મૃદુ હવા નિકટતાથી અનુભવતી હતી. આછી આછી સુવાસો ને દૂરના સાદ સ્પર્શતા 'તા. પૃથ્વી અળગી બની ગયા છતાંય હજુ અંતિકે હતી. સાવિત્રીની આસપાસ એ માધુર્ય, લીલાશ, પ્રમોદ ને સૌમ્ય સ્નિગ્ધ રંગોની ચમક ગૂંથતી હતી. એ પુરાણી માતા પોતાના બાળકને પોતાનું સાદું, સુંદર ને સુપરિચિત જગત સમર્પતી' તી. પણ હવે એનાં અંગોનો ઐન્દ્રિય કાબુ એના અનંતયાત્રાના દેવ ઉપર રહ્યો નહિ. એ બે એમાંથી મુક્ત થઈ ગયા. એમના મહાન માર્ગે આવતી એક અતિસૂક્ષ્મ સરહદ પાર કરતાં વાર ને નીરવ દેવ દૂરનો ને મહાબલિષ્ટ બની ગયો. પોતે જે આત્માની ઉપર પ્રેમ રાખતી 'તી તે અન્ય અવકાશોમાં પ્રવેશ્યો એટલે નિકટતા રાખતો બંધ પડયો.

                  આની સાથે જ સાવિત્રીનો આત્મા ઉગ્ર ને જ્વાલા જ્વાલા બનીને સત્યવાન પ્રત્યેક ઊડયો , ને એનો આ આવેગ સાવિત્રીને  ઇન્દ્રિયોની સીમાઓ પાર લઈ ગયો. સાવિત્રીના ચૈત્યાત્મા ઉપરથી મર્ત્ય અંગોનાં આવરણ સરકી ગયા.

૧૫૮


સાવિત્રીની સમાધિમાં હવે ન રહ્યો સૂર્ય, ન રહી પૃથ્વી, ન રહ્યું  જગત. વિચાર, કાળ અને મૃત્યુ, એના અવબોધમાં અસ્તિ વિનાનાં બની ગયાં. સાવિત્રી સાવિત્રીનેય વીસરી ગઈ. એનો ઉગ્ર સાગર-સંકલ્પ સત્યવાનમય બની ગયો ને અનામી અને અનંત એવી સાવિત્રી એની આસપાસ ભરતીએ ભરાઈ, એનો આત્મા સત્યવાનના આત્મામાં સુકતાર્થ બની ગયો. પ્રેમની અમર ક્ષણ પ્રાપ્ત થઈ હતી. શાશ્વતીની સશુભ્ર શકિતમાંનું મહામોતી મળી ગયું હતું.

           હવે પાછી એકવાર એ કાળ પ્રતિ પ્રબોધતા પામી, વસ્તુઓની રૂપરેખા રચવા દૃષ્ટ અને જ્ઞાતની સીમાઓમાં પાછી ફરી. આત્માના દૃશ્ય ક્ષેત્રમાં ત્રણે આગળ ચાલ્યાં. સાવિત્રી સ્વપ્નના ખંડોમાં જાણે સરતી ન હોય તેમ સરતી લાગવા માંડી. વારંવાર વટાવેલાં ક્ષેત્રો ભુલાયેલા લક્ષ્યો પ્રતિ ભાગી જતાં હતાં.

            આમ નીરવ પ્રદેશમાં ને નવી જ દુનિયામાં એ ત્રણે એકલાં જ મુસાફરી કરી રહ્યાં હતાં. ત્યાં કોઈ જીવ ન 'તો, માત્ર જીવંત ભાવો જ હતા. એમની આસપાસનો પ્રદેશ વિચિત્ર, રવરહિત ને જાદૂઈ જેવો હતો. માથા ઉપર એવાં જ વિચિત્ર દૂરનાં આકાશો હતાં. અચિત્ ની નિદ્રાની રહસ્યમયી સમસ્યા જેવા અંધકારનાં પ્રતીકો,, ભૂતાવળની છાયાઓ, ઊઘડતાં ભયંકર જડબાં, મારી નાખનારી નિગૂઢતા યાત્રીને આકર્ષતાં હતાં. બધું જ કાળી રાત્રિનું કાળું શિલ્પ હતું.

            પછી અંધકારમાં થતી યાત્રાની સીમા આવી. ત્યાં જ્યોતિર્મય બનેલો સત્યવાન ઊભો રહ્યો અને ફરીને એણે પોતાની અદભુત આંખો સાવિત્રી પ્રત્યે વાળી. પણ ત્યાં યમરાજ પાતાળોના પોકારે ગાજી ઊઠયો : " ઓ હે મર્ત્યા ! તારી ક્ષણજીવી જાતિની પાસે પાછી ચાલી જા. મૃત્યુ સાથે એના ઘર સુધી જવાની આકાંક્ષા છોડી દે. જ્યાં કાળનું પણ મરણ થાય છે ત્યાં તારો શ્વાસ  જીવવાનો નથી. તારા મનોજભાવમાં સ્વર્ગીય સામર્થ્થ છે એવું માની લેતી નહિ. તારા ધરાના આધાર પરથી એ તારા આત્માને ઊંચે નહિ લઈ જાય. ભૂમિ વગરના શૂન્યમાં તારા પાયાને નહિ ઊંચકી રાખે, માર્ગ વગરના અનંતમાં તને આધાર નહિ આપી શકે. માનુષી મર્યાદાઓમાં જ મનુષ્ય સલામત છે. ભયંકર દેવીને તારા આત્માનું સંચાલન સોંપે નહિ, નિરાધાર વિચારો શો તારો જીવ નાશ પામશે. માણસ મનનાં કાર્યોથી પ્રકૃતિને ત્રાસ આપે છે અને પોતે મોટો રાજવી બની ગયો છે એવો ખોટો ખ્યાલ રાખે છે. દિવ્યતાનાં સ્વપ્ન સેવતા ઓ નિદ્રાધીન જીવ ! કાળનું તું શોક-સભર ફીણમાત્ર છે. તારા ક્ષણભંગુર પ્રેમો સનાતન દેવતાઓને બાધક બનતા નથી."

              આ ભયંકર અવાજ અરવતામાં ઓસરી ગયો. રાત્રિની દારુણ દંષ્ટ્રાઓએ એને નિઃશબ્દ સંમતિ આપી. પરંતુ સાવિત્રીએ ઉત્તર ન આપ્યો. એનો ઉત્તુંગ અનાવૃત આત્મા મર્ત્યતાની મેખલામાંથી મુક્ત થયો હતો. એક આદિ ઓજથી ભર્યા સંકલ્પ સાથે એ ઊભો. એક શિલ્પિત મૂર્તિની માફક મધરાતની જામેલી ઘોર નીરવ ગર્તાઓ સામે સાવિત્રી અગ્નિના એ ઓજસના એક સ્તંભની માફક ઊભી.  

૧૬૦


 

જંગી જંગલમાં આમ એ એકાકી રહી ગઈ,

આસપાસ હતું એક જગ ઝાંખું જ્યાં વિચાર હતો નહીં,

તજાયેલા ઉરે એના હતું પતિતણું શવ

અસહાય વિચારોએ કાઢતી એ ન 'તી માપ સ્વ-હાનિનું,

વ્યથાની શૈલ સીલો ના અશ્રુઓથી ઉખેડતી:

દારુણ દેવનો ભેટો કરવા એ હજુ ઊભી થઈ ન 'તી .

પ્યારો જે દેહ પોતાનો હતો તે દેહની પરે

આત્મા એનો લળ્યો હતો,

મહાનિઃસ્પદતા સાથે હાલ્યા ચાલ્યા વિના નિઃશબ્દતા ધરી,

જાણે કે મૃત્યુ પામ્યું 'તું મન એનું સાથમાં સત્યવાનની.

પરંતુ માનવી હૈયું ધબકારા એનામાં મારતું હજુ.

એનો આત્મા નિજાત્માની હજી પાસે હતો એ ભાન સાથે એ

રાખી રહી હતી ગાઢ દાબી એના મૂક નિર્જિવ દેહને,

જાણે કે જે હતું ઐક્ય એમનું તે એને સાચવવું હતું

ને આત્માને ખોળિયામાં હજીયે રાખવો હતો.

ઓચિંતાનો પછી આવ્યો પલટો એહની મહીં

આવે આશ્ચર્યકારી જે ક્ષણો વેળા આપણી જિંદગીતણી

અને માનવ આત્માને પકડી જેહ પાડતો

ને એના જ્યોતિના મૂળ પ્રત્યે એને ધરતો ઊર્ધ્વ ઊંચકી.

ચિરાઈ પડદો જાતો અને નામે રહેતો નહિ ચિંતક :

જોતો કેવળ આત્મા ને જ્ઞાત સર્વ થઈ જતું.

ત્યારે દેખાય છે એક શાન્ત શકિત વિરાજતી

આપણાં મસ્તકો પરે

એ આપણા વિચારો ને કૃત્યોથી ડગતી નથી,

એની નિઃસ્પદતા ધારે નિનાદો જગતીતણા :

નિશ્ચલા એ ચલાવે છે સૃષ્ટિને ને જિંદગી અવલોકતી..

એ દૂર-દૃષ્ટ પોતાના ઉદ્દેશોને આકાર અવિકાર્ય દે;

કશું ન અડતું એને

તૃટિ ને અશ્રુઓ વચ્ચે એ શાંતિ નિજ સાચવે,

આપણી મથતી ઈચ્છાશક્તિઓની પાર રાજે અમેય એ,

દૃષ્ટિ એની વશે રાખે વસ્તુઓની વિક્ષુબ્ધ વમળાવળી.

પોતે જે મહિમા જોતો એની સાથે પોતાનો યોગ સાધવા

૧૬૦


 

આત્માની વૃદ્ધિ થાય છે :

અવાજ જિંદગી કેરો અંતહીન સ્વરો શું મેળ મેળવે,

મહતી વૈદ્યુતી પાંખો ઉપરે પળો  

અને દિવ્ય વિચારોથી અચંબામાં મન પૃથ્વીતણું પડે.

ચૈત્યાત્માની દીપ્તિ ને સાન્દ્રતામહીં

ઉછાળાતો બીજ-ચંદ્ર એક અદભુત જન્મનો,

રહસ્યમયતા કેરું શૃંગ જેનું પ્લવતું શૂન્યમાં

જાણે કો બળવંતા ને મૌન સભર વ્યોમમાં,

મુદામુગ્ધ વિચાર જાય છે બની;

જીવતી મર્ત્ય માટી આ સઘળી પકડાય છે

અને સ્પર્શોતણા એક વેગીલા વહનિ-વ્હેણમાં

અદીઠ એક સંવાદો સાધનારાતણે હાથે ઘડાય છે.

નવીન દૃષ્ટિ આવે છે, અને સૂરો નવીન આપણીમહીં

મૂર્તિમંત બનાવે છે સંગીત દેવલોકનું.

આવે નીચે ઝંપલાવી ઝંખનાઓ અનામી મુક્ત મૃત્યુથી,

દેવસ્વરૂપ ખોજ કેરાં દોડી આવે વ્યાપક કંપનો,

ને વણે એ શાંતિ કેરા સમર્થ ક્ષેત્રની પરે

ઉચ્ચ એકાંત આનંદોન્મત્તતા અભિલાષની.

એક ક્ષણતણાં ઊંડાણોમહીં આ સાવિત્રીમાં સમુદ્ ભવ્યું.

ભુવનો મધ્યે આવેલા લસંતા નિજ નીડથી

નિસર્ગમાં છુપાયેલો

આત્મા ઉડયો હવે આવિર્ભૂતા અસીમ દૃષ્ટિએ,

જે દૃષ્ટિ વસ્તુઓ જોતી, માનવીના વિચારનાં

પૃથ્વીનાં પોપચાં માટે હતી અર્ગલબદ્ધ જે.

અપાર અગ્નિની જેમ આરોહ્યો એ આકાશો શર્વરીતણાં.

આત્મવિસ્મૃતિના દોર આમ દીર્ણ થઈ ગયા.

દૂરનાં શિખરો પ્રત્યે હોય જેમ ઊર્ધ્વે કો અવલોકતું,

પોતે અલાયદું કાર્ય કર્યું 'તું જ્યાં એકાકી મનમાં રહી

એકમાત્ર મિનારામાં શ્રમ સેવંત સ્વત્વના,

પુરાણું ને પ્રબલિષ્ઠ જેમ કોઈ નિર્વાત શૃંગની પરે,

તેમ પોતા થકી તેણે ઊર્ધ્વમાં અવલોકતાં

પોતે ભાસી હતી જે ને પોતે જે કૈં કર્યું હતું

તે સમસ્તતણું મૂળ જોયું, જોઈ

શકિત એક પ્રવિક્ષિપ્તા વિશ્વના અવકાશમાં,

૧૬૧


 

કલ્પે સેવેલ સંકલ્પ જોયો ધીરે દેહધારી બનેલ તે,

ટુકડો તારકોયુક્ત જોયો શાશ્વત સત્યનો,

એક અચલ શકિતનું જોયું શસ્ત્ર ભાવોદ્રેક વડે ભર્યું.

ધ્યાનથી સુણતું વિશ્વ ભરી દેતું હતું સાન્નિધ્ય એક ત્યાં,

કેદ્રસ્થ सर्व ધાર્યું તું સાવિત્રીનું જેણે અસીમ જીવન.

પ્રભુત્વ, મૌન ને વેગ-એવું કો એક જે હતું

તે ચિંતનસ્થ વ્યાપ્યું 'તું ઊંડાં અગાધની પરે,

સાવિત્રી આપ જે  હતી.

જાણે અશ્રુત સૂરોના સંઘગીતરૂપ વસનની મહીં

એક અવતરી શકિત

અંતહીન જ્યોતિઓને ખેંચી પાછળ લાવતી;

અનંતતાતણી સાથે સાંકળી કાળની પળો

ધરીને આવરી એણે, સાવિત્રીનેય આવરી

સીમાતીત પ્રકારથી :

ગઈ એ ઊતરી એના આત્મામાં ને એ રૂપાંતરિતા થઈ.

પછી મહાન કો શબ્દે પૂર્ત્તિ પામ્યા વિચાર શી

એ ઓજ:શકિતએ રૂપ ધર્યું એક પ્રતિકનું;

આત્માવકાશ સાવિત્રી કેરો એને સ્પર્શે લાગ્યો પ્રકંપવા,

જાણે અમર પાંખોથી એમ એણે એને આવારિતા કરી;

અધરોષ્ઠે હતી એના વૃત્તરેખા અનુચ્ચારિત સત્યની,

વિજ્ઞાન-વિધુતો કેરું પ્રભાચક્ર કિરીટસ્થાનમાં હતું,

ગૂઢ પદ્મે પ્રવેશી એ શિરે એને વિરાજતા

હજાર પાંખડીવાળું ધામ છે જે શકિતનું ને પ્રકાશનું.

અમર્ત્ય દોરનારી એ એહની મર્ત્યતાતણી,

એનાં કર્મોતણી કર્ત્રી, અને એના શબ્દોનો ઉત્સ એ હતી,

કાળ ભેદાય ના એવી, હતી સર્વશકિતમાન સ્વરૂપ એ,

શાન્ત, નિશ્ચલ ને મૂગી ઊભી 'તી એ સાવિત્રી પર ઊર્ધ્વમાં.

 

એ ઓજસ્વી ઘડી સાથે બધું એની મહીંનું યોગ પામિયું,

જાણે માનવતા એકવાર જે એહની હતી

તેનો શેષભાગ છેલ્લો હણાયો મૃત્યુએ હતો.

હસ્તે લઈ લઈ કાબૂ આધ્યાત્મિક વિશાળવો,

અરીસો સ્વર્ગના વ્યોમ કેરો દેતી બનાવી જીવનાબ્ધિને,

એનાં પાર્થિવ અંગોમાં આવેલી યુવ-દિવ્યતા

૧૬૨


 

દેવતાઈ બળે એના ભરતી મર્ત્ય ભાગને.

પૂરું થઈ ગયું એનું વળગેલું દુઃખ ને ભય દારતો :

સરી શોક ગયો 'તો ને મન એનું બની સ્થિર ગયું હતું,

સર્વસત્તાક સામર્થ્થ સાથે એનું નિરાંતે ઉર સ્પંદતું.

હૈયાના દોરના ગ્રાહમાંથી  મુક્તિ મળી હતી,

સર્વ કર્મ હવે એનાં સ્ફુરતાં 'તાં દૈવી કો શાંતિમાંહ્યથી.

અત્યાર લગ પોતાને વક્ષે જેહ મૃતદેહ રહ્યો હતો

તેને એણે શાંત ભાવે વન કેરી માટી ઉપર મૂકિયો

બરદાસ્ત કર્યું દૂર વળવાનું મૃત્યુ પામેલ પિંડથી:

એકલી એ થઈ ઊભી ભેટવાને ભયપ્રેરક દેવને.

એ મહત્તર આત્માએ વશીભૂત કરતી દૃષ્ટિ ફેરવી

જિંદગી ને વસ્તુજાતતણી પરે,

અટકો વેઠતા એના ભૂતકાળ દરમ્યાન રહેલ જે

અધૂરું એહને માટે તે કાર્ય વારસે એને મળ્યું હતું,

જે સમે મન ઉત્સાહે શીખતું 'તું, કરતું 'તું પરિશ્રમો,

ને ઓજારો હતાં રૂડા આકાર વણનાં અને

ચલાવતાં હતાં રાભી જ રીતથી.

ઉલ્લંઘાઈ હતી હાવે કંગાલ માનવી પ્રથા;

શકિત પ્રભુત્વવંતી ત્યાં હતી દિવ્ય હતો સંકલ્પ એક ત્યાં.

છતાં ક્ષણેક એ થંભી હાલ્યાચાલ્યા વિના રહી,

દૃષ્ટિ નીચી કરી જોયો મૃત જેહ એના પાય કને હતો;

પછી ઝંઝા થકી પાછું થાય વૃક્ષ ટટાર કો   

તેમ તેણે કર્યું ઊંચું ઉદાત્ત નિજ મસ્તક;

એની મીટતણી સામે ઊભું 'તું કૈં અપાર્થિવ,

અઘોર, ભવ્ય, નિઃસીમ ઇનકારરૂપ અસ્તિત્વમાત્રનો,

જેણે ધર્યું હતું રૂપ ઘોરતાનું અને અદભુતતાતણું.

એની ડરામણી આંખોમહીં કાળું સ્વરૂપ એ

સંહાર કરતા દેવો કેરી ઊંડી કરુણા ધારતું હતું.

દારુણ અધરોષ્ઠોએ શોક્પૂર્ણ વ્યંગ્યતા વંકતી હતી,

બોલતા  એ હતા શબ્દ વિનાશનો.

રાત્રી સનાતની ઊઠી દયાભાવી, એક અમર વકત્રના

ઘોર સૌન્દર્યની મહીં,

અગાધ નિજ હૈયામાં સૌ જીવોનો સત્કાર કરતી સદા,

તેમની યાતનાથી ને જગતજનિત દુઃખથી

૧૬૩


 

પ્રાણીઓને આશ્રયસ્થાન આપતી.

એનો આકાર સત્યત્વ પામેલી શૂન્યતા હતી,

ક્ષણભંગુરતા કેરા કીર્તિસ્તંભો જેવા અવયવો હતા,

અશ્રાંત શાંતિનાં મોટાં પોપચાંઓ ભવાં તળે

મૌનપૂર્વક જોતાં 'તાં અમળાતી સર્પિણી સમ જિંદગી.

અક્ષુબ્ધ એમની કાલરહિતા, બૃહતી અને

વિકાર વણની દૃષ્ટે

પસાર વ્યર્થ થાનારાં જોયાં 'તાં ચક્ર કાળનાં,

અસંખ્ય તારકો કેરા અવસાન પૂઠે એ જીવતી હતી,

અને આશ્રય આપ્યો 'તો હજી એણે

એના એ જ ગોલકોને પરિવર્તન ન પામતા.

બન્નેએ એકબીજાનો આંખોથી સામનો કર્યો,

એક બાજુ હતી નારી, બીજી બાજુ હો વૈશ્વિક દેવતા :

સાવિત્રીના

સુબલિષ્ઠ અને સાથી વિનાના ચૈત્યની પરે

અસહ્ય નિજ નૈર્જન્યો સૂનાં ખડકતાં જતાં

અમેકાનેક એકાંતો આવ્યાં પાસે અમાનુષી.

આશાને કરતી મના

રિક્ત શાશ્વતતાઓએ નિજ જંગી અને નિર્જીવ દૃષ્ટિને

સાવિત્રી પર ઠેરવી,

ને એના કાનને માટે

પૃથ્વી કેરા અવાજોને ચુપચાપ બનાવતો

શોકઘેર્યો અને ઘોર સ્વર સમુદ્ ભવ્યો,

લાગતો એ હતો સારા વિરોધી વિશ્વનો સ્વર.

ગાજયો એ, " અળગો તારો કર ગ્રાહ ભાવપ્રભાવથી ભર્યો,

દાસી પ્રકૃતિ કેરી ઓ, પરિવર્તન પામતા

ઓજાર પરિવર્તે ના એવા નિયમના, વૃથા 

ઘૂંસરી હેઠ મારી, ઓ બળવાખોર, બાથડી,

કરી શિથિલ દે તારો ગ્રાહ મૂળનિસર્ગનો;

ભૂલી જ આંસુ ખેરવી.

ભાવાનુરાગને તારા દાટ એની જીવતી ઘોરની મહીં.

એકવારતણા વ્હાલા, આત્મા કેરા તજાયલા

દેહને દે તજી હવે :

પૃથ્વી ઉપરની તારી નિઃસાર જિંદગી પ્રતિ

૧૬૪


 

પાછી જા એકલી વળી."

અટકયો એ, ન હાલી એ, અને એ ઊચર્યો ફરી

માનુષી તારને માપે નીચે લાવી સ્વરચાવી મહાબલી,

છતાંયે ઘોર પોકાર બોલાયેલા શબ્દો પાછળ જે હતો

તે બધા ખેદ કેરા ને હમેશાંની ઘૃણાતણા

પડઘા પાડતો હતો,

દૂર આથડતાં મોજાં કેરી ભૂખ પેઠે વિલપતો હતો.

" શું તું હંમેશને માટે તારા ભાવાવેશનો ગ્રાહ રાખશે,

જ્યાં તું પોતે જ છે એના જેવો જીવ, અંત જેનો અવશ્ય છે,

શું એના જીવને લેવા નહીં દે તું

મૃત્યુની શાંતિ ને આરામ મૌનનો ?

તારી પકડને ઢીલી બનાવી દે;

છે ધરાનું અને તારું શરીર આ,

એનો જીવ હવે એક છે મહત્તર શકિતનો.

નારી ! તારો પતિ દુઃખિત થાય છે."

સાવિત્રીએ હર્યું પાછું હજીએ જે દેહને સત્યવાનના

આશ્લેષીને રહ્યું 'તું તે નિજી  હૃદયનું બળ,

દેહ એનો હતો નીચે એના ખોળાથકી તહીં

મૃદુતાથી મુકાયેલો સુંવાળા ઘાસની પરે,

જે પ્રમાણે ઘણીવાર પહેલાં એ નિત્યકર્મ નિષેવવા

ઊઠી ધોળે પરોઢિયે

મૂકી એને પથારીમાં નિદ્રાધીન જતી હતી :

એ અત્યારેય જાણે કે બોલાવાઈ હોય તેમ ખડી થઈ

કરી એકત્ર પોતાનું બળ કેવળ એકલું,

દોડ-શરતમાં જેમ નિજ પ્રાવાર સેરવી

રાહ સંકેતની કોઈ જુએ નિશ્ચલ વેગથી.

કયે માર્ગે જવું તે એ જાણતી ના :  ઊર્ધ્વનો આત્મ એહનો

હતો નિગૂઢ શિખરે એના ગુપ્ત સ્વરૂપના

ગિરિશૃંગે જેમ કોઈ ચોકિયાત રખાયલો.

નિર્વાત સિન્ધુ પરના નિઃસ્પંદ સઢના સમા

એના નીરવ ચૈત્યાત્મા સાથે એક પવાકીય-પદી અને

બળવંતી પાંખવાળી દીપ્તિ મૌન-ભભૂકતી

સાવધાન નિરીક્ષતી.

સફેદ ને નિરાવેગ સામર્થ્ય લંગરાયલું

૧૬૫


 

એવી અરૂઢ એ હતી,

ને સનાતન ઊંડાણોમાંહ્યથી દૂર-ધારના

ક્યા ઉલ્લોલ આવેગે ઊઠવું જોઈએ અને

નાખવો જોઈએ ઊર્મિ-ઉછાળને,

તેને માટે પ્રતીક્ષા કરતી હતી.

યમરાજ પછી ઝૂક્યો નીચે નિઃસીમ, ઝૂકતી

જેમ રાત્રિ પરિશ્રાંત પ્રદેશોએ સંધ્યા આછી બની જતાં,

વિલાતાં રશ્મિઓ જયારે તોડી પાડે દીવાલ દિક-ચક્રની,

ને હજી ચંદ્રથી હોય પ્રદોષે ના રહસ્યમયતા ધરી.

પૃથ્વીને સ્પર્શતા એના અલ્પકાલી ઝુકાવથી

ઘોર અદભુત છાયાવી દેવ સીધો ખડો થયો,

ને જેમ સ્વપ્નમાંથી કો સ્વપ્ન અવર જાગતું

તેમ મરેલ માટીનું તજીને તુચ્છ માળખું

બીજો પ્રકાશથી પૂર્ણ સત્યવાન

શયાન ધરતીમાંથી સાવ સીધો થયો ઊભો અચિંતવ્યો,

અદૃષ્ટ ભુવનો  કેરી કિનારી પર ઉદભવી

જાણે કો પગલાં માંડી આવ્યું હોય અદૃશ્ય હદ પારથી.

પૃથ્વીને દિવસે ઊભો એ ચમત્કાર નીરવ

મર્ત્ય નારી અને દેવ-ઉભેના અંતરાલમાં.

જાણે કો મૃત્યુ પામેલો દીપ્તિ ધારી દેવતાઈ સ્વરૂપની

આવ્યો હોય એવો એ લાગતો હતો,

મર્ત્યો કેરી હવા માટે વિદેશીય હતો ભવ્ય સુભવ્ય એ.

લાંબા સમયથી ચાહી વસ્તુઓને મન ઢૂંઢી રહ્યું હતું,

અજાણ્યા રંગ જોઈ એ નાસીપાસ પડી પાછું જતું હતું,

જોતું એને હતું ને ઝંખતું હતું,

અસંતુષ્ટ રહેતું 'તું મધુરા  ને મહોજજવલ સ્વરૂપથી,

અત્યંત શુભ્ર સંકેતો સ્વર્ગ કેરા માની એ શકતું ન 'તું;

વિભાસમાન આભાસ

આશ્લેષાર્થે જિંદગીના અજાણ્યો અતિશે હતો,

સ્થૂલ સૂર્યોતણી ઉષ્મામહીં જેનો ઉછેર છે

તેવાં હૂંફ આપનારાં સર્જનોને હતું જીવન વાંછતું,

ઇન્દ્રિયો વ્યર્થ સંવેદો પામવાને મથતી દીપ્ત છાયનો:

માત્ર હજીય આત્માને આત્મા ઓળખતો હતો,

પુરાણા પ્રિય હૈયાનું અનુમાન હૈયું લેતું હતું કરી

૧૬૬


 

બદલાઈ ગયેલું એ હતું છતાં.

બે પ્રદેશોતણી વચ્ચે સત્યવાન ઊભો 'તો, ડગતો ન 'તો,

કિંતુ સ્થિર અને શાંત અપેક્ષામાં બળે ભરી,

જેમ દૃષ્ટિ વિનાનો કો આજ્ઞા માટે હોય શ્રવણ માંડતો.

એમ એ સ્થિર ઊભાં 'તાં પૃથ્વીના ક્ષેત્રની પરે,

શકિતઓ પૃથવીની ના, જોકે એક માનવી મૃત્તિકામહીં.

એકની બેઉ બાજુએ બે આત્માઓ કરતા 'તા મુકાબલો;

મૌન સાથે મૌનનો ને બૃહત્ સાથે બૃહત્ તણો

સંગ્રામ ચાલતો હતો.

પરંતુ પ્રેરણાવેગ લહેવાયો હવે ગમનમાર્ગનો,

તારાઓને ટકાવી જે રાખે છે તે મૌનમાંથી પ્રવર્તતો,

દૃશ્ય જગતના સીમાપ્રાન્તને સ્પર્શવાતણો.

દેદીપ્યમાન એ આઘે જવા ચાલ્યો; અને પૂઠળ એહની

યમ ધીરે રહી ચાલ્યો નિજ નીરવ પાયથી,

જેમ સ્વપ્ને રચ્ચાં ક્ષેત્રે છાયામૂર્ત્તિ સરી ગોવાળ કો જતો

નિજ નીરવ વૃંદોથી છૂટા એક પડેલા જીવ પૂઠેળે,

ને સાવિત્રીય ચાલી ત્યાં મૃત્યુ પૂઠે સનાતન

દેવની ગતિની મર્ત્ય ગતિ એની કરતી 'તી બરાબરી.

ચુપચાપ સ્વપ્રેમીનાં પગલાંએ મુસાફરી

કરતી, માનુષી પાય નિજ માંડી એના ચરણ-ચિહનમાં,

ચાલી એ પારનાં મૌનોમહીં જોખમથી ભર્યાં.

 

આરંભે એ ચલી અંધ આપદામાં અરણ્યની

અમાનુષી અજાણ્યાં જ્યાં જમીને પગલાં હતાં,

અણદીઠ પથે જાણે કરતી એ મુસાફરી.

લીલી ને પ્રતિબિંબાતી પૃથિવી ને એહની આસપાસમાં

ઘેરતો 'તો પદો એના વનો કેરો પડદો ઝબકયે જતો :

ગાઢું વિલસતું વિધ્ન તેની ડાળોતણું એના શરીરને

છાયામધ્ય થઈ આવે વધવામાં અવરોધી રહ્યું હતું

સ્પર્શગમ્ય મર્મરોની સમૃદ્ધ સૃષ્ટિની મહીં,

અને લીલમના જામા જેમ એની ફરતે લ્હેરતું હતું

સઘળું મર્મરાટોએ ભર્યું સૌન્દર્ય પર્ણનું.

પરંતુ પરદેશી આ બન્યો શબ્દ ક્રમશઃ વધુ ને વધુ,

અને નિકટનું એને સ્વ-શરીરેય લાગતું

૧૬૭


 

હતું બોજારૂપ જેને આત્મા એનો ધારતો દૂરભાવથી.

પોતે રે'તી હતી દૂર ઊર્ધ્વના એક ક્ષેત્રમાં

જ્યાં એકાગ્રલયે બદ્ધ અનુધાવંત દૃષ્ટિને

જણાતાં 'તાં સાન્નિધાનો નિરાકાશ એક ઉન્નત સ્વપ્નમાં,

પ્રકાશમાન જ્યાં જીવ ચુપચાપ આગે સરકતો હતો,

ને અસ્પષ્ટ હતી પૂઠે મહાછાયાય ચાલતી.

હજીએ શોધતો હસ્તો કેરા એક પ્રણયી વૃન્દ સાથમાં

જે જૂની તેમની ઈચ્છાઓના દ્વારા વીનવાતા સમાર્દવ,

સાવિત્રીની ઈન્દ્રિયોએ લહી પૃથ્વીતણી હવા 

સૌમ્ય સમીપતાવાળી વળગેલી એમને આસપાસથી,

અને વિક્ષુબ્ધ ડાળોમાં અવબોધ્યાં સમીરનાં

અસ્પષ્ટ પડવાવાળાં પગલાં મંદતા ભર્યાં :

એણે અનુભવી આછી સૌરભો ને

સ્પર્શ્યાં એને અહવાનો દૂરદૂરનાં;

જાણે કે હોય નિ:શ્વાસ કો ભુલાયેલ લોકનો

તેમ સ્વર અને પાંખોતણો ફફડતો ધ્વનિ

આવ્યો વન-વિહંગનો.

ઊભી 'તી અળગી પૃથ્વી, છતાં નિકટ એ હતી :

સાવિત્રી ફરતું એણે નિજ માધુર્યને વણ્યું,

નિજ લીલાશ, આમોદ અને વ્હાલી અને વિલસતી પ્રભા

વણી જીવંત રંગોની દીધી રુચિરતા ભરી,

સૂર્યપ્રકાશ સોનેરી મધ્યાહ્નને જે એના આવી પહોંચતો.

આસમાની આસમાનો અને મોટી ચૂમી વ્હાલ બતાવતી.

પુરાણ કાળની માએ સમર્પ્યું નિજ બાળને

સાદું જગત પોતાનું માયાળુ ને જાણીતી વસ્તુઓતણું .

પરંતુ અવ જાણે કે એના અનંત માર્ગના

દેવતાને નિગ્રહંતા ગ્રાહે દેહેન્દ્રિયોતણા

એ આત્માઓને વિમુક્ત કર્યા ન હો

કો સીમાના અસંવેધ આગળાઓ વટાવવા

ને લેવાને નિજ માર્ગ મહત્તર,

તેમ નીરવ એ દેવ બઢયો બલિષ્ઠતામહીં

ને બીજા અવકાશોમાં બની દૂરતણો ગયો,

ને જેને ચાહતી 'તી એ તે આત્માએ એના જીવન સાથની

પોતે કબૂલ રાખી 'તી ગુમાવી સમીપતા.

૧૬૮


 

બહુ મોટા, હવાહીન, ને ના સળવળાટ કે

રવ, એવો એક ઊંડા અજાણ્યા અવકાશમાં

દેખાયા તે બૃહત્તાને પામીને દૂરમાં જતા

કો આયત અને ઝાંખી દૂરતાથી

આકર્ષાઈ થયા દૂર ઉષ્માપૂર્ણ પૃથવીના પ્રભાવથી,

અને દૂર સાવિત્રીથીય એ થયા.

હવણાં હવણાં લાગ્યું કે તેઓ છટકી જશે.

પછી એના દેહ કેરા માળખામાંથી ભડકેલો ભભૂકતો

આત્મા એનો ઉગ્ર ઊડયો સત્યવાનતણી પ્રતિ.

આ પ્રકારે વ્યોમ-ઘેર્યા નિમજજંતા ખડકો પરના નિજ

માળામાંથી, ચડી ઊંચે આવતું મૃત્યુ જોઈને

અત્યંત ત્રસ્ત ને પુણ્યપ્રકોપે પૂર્ણ વેગથી

બચ્ચાંને ભયમાં જોઈ ચિલ્લાતી તીવ્ર વેગથી

ઊતરી આવતી ઉગ્ર ગરુડી કો સોનેરી અગ્નિપુંજ શી,

વિરામ કરતી લોહ સમ ચંચૂ પર ગુસ્સે થઈ જઈ.

આમ જવલંત ઉદ્દામ ધસારા સાથે આત્મના

વિભક્ત કરતી એણે કરી પાર સીમાઓ ઇન્દ્રિયે રચી;

નિસ્તેજ ત્યકત કોષો શાં મંદ નીચે નખાયલાં,

એના આત્માથકી પાછાં પડયાં એનાં અંગો મરણને વશ.

ગૂઢ એક દેહનિદ્રાતણી ક્ષણે

એની સમાધિને જ્ઞાન સૂર્ય કેરું રહ્યું નહીં,

રહ્યું ના જ્ઞાન પૃથ્વીનું, રહ્યું ના જ્ઞાન વિશ્વનું;

વિચાર, કાળ ને મૃત્યુતણો ભાવ રહ્યો ના અવબોધમાં :

જાણતી એ ન 'તી જાત, સાવિત્રી વીસરાઈ 'તી.

બધુંય એક સંકલ્પ કેરો ઉગ્ર મહાસિન્ધુ બન્યુ હતું

જેમાં અપાર આશ્લેષ મધ્યે બંદી બન્યો હતો,

એક સર્વોચ્ચ તાદાત્મ્યે એના સ્વામિત્વમાં હતો,

હતો એનું લક્ષ્ય, હર્ષ હતો એનો, હતો પ્રભવ એહનો,

સત્યવાન જ એકલો.

હાર્દમાં નિજ આત્માના બંદી આત્માધિરાજ એ

હતો ધડકતો તાલમેળયુક્ત એજ હૃદયના સમો

સ્વ-સ્વરૂપ છતાં ભિન્ન અને ભાજન પ્રેમનું,

ઘેરી લેવાયલો , બાથે રાખેલો ને અવકાશ ધબી જતાં

બચાવીને રખાયેલો મહાનિધિ.

૧૬૯


 

એની અનામની આસાપ પોતે

અંતહીન અને ઉલ્લોલ ઊછળી,

એના આત્મામહીં પામ્યો સાવિત્રીનો આત્મા નિજ પ્રપૂર્ણતા,

સર્વકાળતણી સંપત્તિએ ભર્યો,

જાણે કે થઈ 'તી પ્રાપ્ત પ્રેમની અમર ક્ષણ,

મોતી એક શુભ્ર શુકિતમહીં શાશ્વતતાતણી.

પછી ગળી જતા સિંધુ-ગર્ભમાંથી સમાધિનાં

તરબોળ બની એનું મન ઊંચે આરોહ્યું જ્યોતિની પ્રતિ

દર્શનાના રંગો કેરા પ્રવાહમાં,

અને કાળ પ્રતિ એકવાર પાછું પ્રબુદ્ધ એ

ફર્યું પાછું વસ્તુઓની રૂપરેખા બનાવવા,

દૃષ્ટ ને જ્ઞાતની સીમાઓમહીં વાસ રાખવા.

એના ચૈત્યાત્મને ક્ષેત્રે હજી આગે ચાલતાં એ ત્રણે હતાં.

સ્વપ્નના ખંડકો મધ્ય થઈ જાણે પોતે હોય ન ચાલતી

તેમ દર્શનની મૂર્ત્તિ, લાગતી એ હતી આગળ ચાલતી,

બીજા વિચિંતકોને એ પોતા જેવા પ્રકલ્પતી

ને તેઓથી પ્રક્લ્પાતી પોતે તેઓતણી એકાંત નીંદરે.

અગૃહીત, અસત્ , તોયે જાણીતાં દૃશ્ય પૂર્વનાં,

અવાસ્તવિકતાયુક્ત સ્મૃતિ કેરી દરાર શાં

અનેક વાર ચાલી 'તી પોતે જેમાં, કદી કિંતુ રહી ન 'તી,

તે વિના પરવા ભાગી જતાં એની કને થઈ

લક્ષ્યો પ્રત્યે ભુલાયલાં.

અવાજ વણના દેશોમહીં તેઓ કરતાં 'તાં મુસાફરી

નવા જગતમાં એક એકલાં જ્યાં જીવો જેવું હતું ન કૈં,

હતા માત્ર મનોભાવ જ જીવતા.

વિચિત્ર, ચૂપ જાદૂઈ દેશ એક એમની ફરતે હતો,

અને ઊર્ધ્વે હતાં વ્યોમ વિચિત્ર દૂરદૂરનાં,

શંકાશીલ હતું સ્થાન વસ્તુઓ સ્વપ્ન સેવતી

જ્યાં પોતામાં જ રે'તી અવિકારી પોતાનો ભાવ જીવતી.

જાદૂઈ ઘાસ, જાદૂઈ મેદાનો વૃજવર્જિત,

જાદૂઈ ત્યાં જતો રસ્તો, ભય જેમ ઉતાવળો

પોતે સૌથી ત્રસ્ત જેથી એની પ્રત્યે જ દોડતો,

ચેતનાયુક્ત શૈલોના સ્તંભોની મધ્યમાં થઈ

માયાભાસક ભૂત શો;

૧૭૦


 

શૈલ-ખડકો એ ઘોર હતા ઊંચા, હતાં દ્વારો વિચિંતતા,

વિચારો પ્રસ્તરો જેવા જેઓ પાર આવેલી ઘોર રાત્રીમાં

ભીમકાય સ્વતાત્પર્ય ગુમાવતા.

અચિત્ ની શિલ્પ શી નિદ્રા કેરો ગહન કોયડો,

પ્રાચીન અંધકારે છે જે પ્રવેશમાર્ગ તેનાં પ્રતીક, ને

એના ઘોર મહાકાય રાજ્ય કેરી સમાધિઓ,

આકર્ષાઈ મારનારી રહસ્યમયતા પ્રતિ

ભૂતિયા મારગે યાત્રિક જે જતો

તેની જોતી વાટ દાઢો મૂક ભીષણ હોય ના

એવાં ઊંડાણોતણું મુખ-બારણું,

ક્રૂર નિશ્ચલ એવાં એ માર્ગ મધ્યે એને નીરખતાં હતાં;

ઉભાં 'તાં એ સંતરી  શાં મૂકભાવી અવશ્યંભાવિતાતણા,

મૂંગા માથાં સાવધાન અમંગલ તમિસ્રનાં,

બૃહત્પ્રમાણ અંધારી દુનિયાના

કંડારેલા નાકના અગ્રભાગ શાં.

પછી તો શીત ને શુષ્ક ભારે રેખે પહોંચતાં

છાયલીન પ્રયાણોની કિનારીએ સ્પર્શ્યા ચરણ એહના,

અવરુદ્ધ વળ્યો સત્યવાન શુભ્ર પ્રકાશતો,

નિજ અદભુત આંખોથી

સાવિત્રીની ભણી એણે જોયું નજર ફેરવી,

પણ ત્યાં ઘોર ગર્તોના ઘોષથી યમ ગાજતો :

" મર્ત્યો ઓ ! જા વળી પાછી નાશવંતી તારી જાતિતણી કને;

મૃત્યુ સાથે એને જવાની રાખ ના સ્પૃહા,

જાણે કે કાળનેયે જ્યાં પડે મરવું, તહીં

જીવવાને શ્વાસ તારો સમર્થ હો.

માનતી ના કે મનોજ ભાવાવેશ છે તારું બળ સ્વર્ગનું

જે તારા જીવને ઊંચે લઈ જાશે પૃથ્વીના નિજ મૂળથી,

ને તોડીને પાંજરું જડ પિંડનું

તારા સ્વપ્નતણા પાય નિરાધાર શૂન્યમાં એ ટકાવશે,

ને વહી તુજને જાશે માર્ગહીન અનંત મધ્યમાં થઈ.

માત્ર માનવ સીમામાં રહે રક્ષિત માનવી.

વિશ્વાસ મૂકતી ના તું અસત્ એવા પ્રભુઓમાંહ્ય કાળના,

સ્વપ્નની પ્લવતી ભોમે એમણે જે રચેલ છે

તે ના અમર માની આ લેતી તારા સ્વરૂપને.

૧૭૧


 

દેવી દારુણ મા પ્રેરો તારા ચૈત્યસ્વરૂપને.

જહીં એ પામશે નાશ નિઃસહાય વિચાર શું

તે લોકોમાં બઢાવાને ઉગ્રભાવી અતિક્રમણ તાહરું.

જીવને તુજ આશાઓ કેરા શીત સીમાસ્તંભ પિછાન તું.

વ્યર્થ સજજ ઉછીના તું ભાવસંકલ્પના બળે

માનવી મરજાદાની ને એની મિત શકિતની

બ્હારનું ભરવાને તું પગલું ઘૃષ્ટ થા નહીં.

અજ્ઞાની, ઠોકરો ખાતો, પુરાયેલો અલ્પ સરહદોમહીં,

જગના નકલી રાજા કેરો પોતે પ્હેરે  મુગટ માનવી,

મનનાં કરતૂકોથી સૃષ્ટિને ત્રાસ આપતો.

નિદ્રાધીન સેવનારી સપનાં દિવ્યતાતણાં,

કંપમાન જાગ મૌનો  મધ્યે વૈરાગ્ય રાખતાં,

જે મહીં સત્ત્વના તારા તાર થોડાક દૂબળા

મૃત્યુને શરણે જશે.

જીવો અનિત્ય, છો શોકે ભરેલું ફીણ કાળનું,

શાશ્વત દેવતાઓને ક્ષણજીવી પ્રેમો ના તમ બાંધતા."

સ્વીકાર કરતા મૌને સ્વર એ ઘોર ઓસર્યો,

વિશાળું સાન્દ્ર જે એને ઘેરતું લાગતું હતું,

રાત્રિના દાઢમાંહેથી આવતી 'તી શબ્દરહિત સંમતિ.

સ્ત્રીએ ઉત્તર ના આપ્યો. આત્મા ઉચ્ચ ને અનાવૃત એહનો

મર્ત્યતાની મેખલાથી થઈ મુક્ત ગયો હતો,

નિશ્ચિત ભાગ્યની સામે, પ્રણાલીઓ સામે નિયતિ-ધર્મની

ઊભો ટટાર એ આધ ઓજ કેરો શુદ્ધ સંકલ્પ ધારતો.

નિશ્ચલા પ્રતિમા જેમ પાયાના નિજ મંચ પે,

મૌનમાં એકલી, ખુલ્લી બૃહત્ પ્રત્યે બની જઈ,

મોં સામે ખડકાયેલાં

મધ્યરાત્રીતણાં મૂક ગહનોની વિરુદ્ધમાં

અગ્નિ ને ઓજનો એક સ્તંભ એવી સાવિત્રી ઊર્ધ્વ ઊઠતી.

૧૭૨


 

પ્રથમ  સર્ગ  સમાપ્ત









Let us co-create the website.

Share your feedback. Help us improve. Or ask a question.

Image Description
Connect for updates