સાવિત્રી

Sri Aurobindo symbol
Sri Aurobindo

Sri Aurobindo's major poetic work, an epic in blank verse. In Savitri, a legend from the Mahabharata becomes the symbol of the human soul's spiritual destiny. In poetic language, Sri Aurobindo describes his vision of existence and explores the reason for ignorance, darkness, suffering and pain, the purpose of life on earth and the prospect of a glorious future for humanity. The writing of the epic extended over much of the later part of his life.

Sri Aurobindo Birth Centenary Library (SABCL) Savitri Vols. 28,29 816 pages 1970 Edition
English
 PDF     Poems
Sri Aurobindo symbol
Sri Aurobindo

Sri Aurobindo's major poetic work, an epic in blank verse. In Savitri, a legend from the Mahabharata becomes the symbol of the human soul's spiritual destiny. In poetic language, Sri Aurobindo describes his vision of existence and explores the reason for ignorance, darkness, suffering and pain, the purpose of life on earth and the prospect of a glorious future for humanity. The writing of the epic extended over much of the later part of his life.

Gujarati Translations of books by Sri Aurobindo સાવિત્રી 1973 Edition
Gujarati Translation
Translator:   Pujalal

સર્ગ  ચોથો

ખોજ

 

વસ્તુનિર્દેશ

 

               જગતના માર્ગો સાવિત્રીની સમક્ષ ખલ્લા થયા. આરંભમાં તો નવાં નવાં દૃશ્યોએ એની આંખને રોકી રાખી, પરંતુ જેમ જેમ એ આગળ જતી ગઈ તેમ તેમ એક  ઊંડી ચેતના એનામાં ઊભરી આવવા લાગી. પછી તો એને આવતા પ્રદેશો પોતાના જ હોય એવું લાગવા માંડયું. પોતે આ પહેલાં અનેક લોકોમાં જન્મી હતી, અનેક નગરો, નદીઓ અને મેદાનો પર એની આંખોનો દાવો હતો. માર્ગમાં અનેક અનામી સાથીઓ એને મળતા અને વાટની વાયુલહરી એના કાનમાં અનેક પુરાણીકથાઓ કહી તી. એના અંતરમાં પુરાણી સ્મૃતિઓ સ્ફુરવા માંડી ને પોતે જાણે કોઈ પૂર્વનિશ્ચિત લક્ષ્ય પ્રતિ જઈ રહી હોય એવું એને લાગવા માંડયું. એને માટે નિર્માયેલા દેતાઓ એનાં રથચક્રોને ચલાવી રહ્યા હતા. બધું જ એક પુરાણી યોજનાને અનુસરતું હોય એવું લાગતું હતું. એક અચૂક ભોમિયો અદૃશ્ય રહીને માર્ગ બતાવી રહ્યો હતો. અનેક જન્મોએ ગૂંથેલું સૂત્ર એના હાથમાં ઝલાયેલું હતું. માણસે પોતે જ રળેલા હર્ષોની ને આમંત્રેલાં દુઃખોની પ્રતિ એ ભોમિયો એને દોરી જાય છે. આપણે જે વિચારો સેવીએ છીએ ને જે કંઈ કર્મ કરીએ છીએ તેમાંનું કશું જ નિરર્થક હોતું નથી. આપણા અમર્ત્ય ભૂતકાળના એ સંરક્ષકોએ આપણા ભાગ્યને આપણાં પોતાનાં જ કર્મનું બાળક બનાવ્યું છે. અજ્ઞાત અતીતમાંથી ઉદભવેલા વર્તમાનમાં આપણે રહીએ છીએ. આપણાં ભુલાયેલાં કર્મોનું ફળ આપણે ભોગવીએ છીએ.

               આમ હોવા છતાં આપણા ભાગ્યના એ દેવતાઓ એક પરમ સંકલ્પનાં માત્ર સાધનો છે ને તેમનાં કાર્યનું નિરીક્ષણ કરતી એક સર્વને જોતી આંખ ઉપર આવેલી છે. સાવિત્રી પોતના સતત્વનાં શિખરો પર એક શાન્ત સાન્નિધ્યનાં  દર્શન કરતી હતી. એ સર્વજ્ઞ સાન્નિધ્ય એને માટે એના માર્ગના એકેએક વળાંકને  પસંદ કરતું હતું.

               આ સર્વોચ્ચ સાન્નિધ્યથી દોરવાયેલો સાવિત્રીનો રમણીય રથ હંકારાતો હતો. નગરો,નગરોનાં બજારો, દુર્ગો, બગો, મંદિરો અને રાજમહેલો આગળ થઈને રથ એને આગળ ને આગળ લઇ જતો હતો, ત્યાર પછી આવ્યાં ગામડાંઓ અને નેસડાઓ, ઘાસનાં બીડ ને ઝાડીઓ, નદીનાળાંઓ ને નિર્જન અરણ્યો. પૃથ્વીમાતા અહીં

૪૫


સાચી માતા રૂપે પ્રકટ થયેલી દૃષ્ટિગોચર થતી હતી. દુનિયાનો દુઃખી જીવ ત્યાં એના હૃદયનો આશ્રય લઈ દુઃખદાહમાંથી છૂટી શકતો હતો, કુદરતનો કનૈયો બની શકતો હતો.

                  વળી ત્યાં વિસ્તર્યાં હતાં તપસ્વીઓનાં તપોમગ્ન તપોવનો, ચિંતનમાં લીન કુંજો અને કાનનો, સ્વભાવિક હર્ષોલ્લાસનાં ધામો, ગહનો ને ગુહાઓ, ગુહ્યોને સરસ્વતીના હોઠ આપતી કંદરાઓ, વ્યોમે વાધતી વેદિઓનું રૂપ લેતા ગિરિવરો, પ્રફુલ્લ પ્રભાતો, ને સુરખીભરી સંધ્યાઓ, વનચરોના વિરાવો ને વિહંગમોના વિલોલ કલરવો, ફૂલોના ફોરતા રંગો અને તમરાંના તીણા સ્વરે તમતમતી એની રાત્રિઓ અને રાત્રિના અંધકારમાં ચાલી રહેલા સંચારો હૈયાંને હરતા હતા. સર્જનહારનું સુખદ સાન્નિધ્ય ત્યાં અનુભવાતું, જ્યોતિ સાથે ગૂઢ ગોઠડીઓ મંડાતી, અને સનાતનની સાથે આત્માનુસંધાન સહજ ભાવે સધાતું.

                     ત્યાં પૃથ્વીમાતા થોડાક અધિકારી આત્માઓને પોતાની સુખશાંતિમાં ભાગ પડાવવા માટે પ્રેમથી બોલાવતી. એવા ભાગ્યશાળીઓને માટે વિશાળતા સ્વભાવિક બની જતી, ઉત્તુંગતાએ આરોહી તેઓ રહેતા. વીર્યવાન રાજર્ષિઓ પોતાનું રાજકાર્ય સમાપ્ત કરી એમણે ખેલેલાં યુદ્ધોનો થાક ઉતારવા અહીં આવતા અને પશુપક્ષીઓના સ્નેહલ સહવાસમાં ને પ્રસન્ન કરતાં પુષ્પોની પડોશમાં રહેતા. ત્યાં તેઓ પ્રકૃતિનાં સતત્વો ને તત્વો સાથે એકતા સાધી આનંદમાં રહેતા, ધ્યાનમગ્ન બની જતા, આત્માનાં  ઉજ્જવલ એકાંતોમાં પ્રવેશતા અને સર્વનો આવિષ્કાર કરનારા પ્રકાશનાં દિવ્ય દર્શન કરતા.

                      ઋષિમુનીઓ ત્યાં અનંતના અંતરમાં ઊતરતા, તપસ્વીઓ ત્યાં તપની વિભૂતિઓ વિકસાવતા, ત્યાગીઓ ત્યાં અનિકેત નિવાસનો આશ્રય લઈ વિશ્વાત્માના મહા-સંકલ્પ સાથે એકતાર બની જતા અને પરાત્પરના આદેશની વાટ જોતા વિરાટમાં વિચરી રહ્યા હતા.           

                       આ મહાત્માઓની આસપાસ એક સુભગ શિષ્યમંડળ ઊભું થતું, સજ્જીવનના સાધકો એમનું સેવન કરવા આવતા, સાચા જિજ્ઞાસુઓ જ્ઞાનામૃતનું પાન કરવા ને આત્માની તૃષા છિપાવવા એ આત્મજ્ઞાનના ઉત્સોએ આવતા ને અર્ચનીય ચરણોએ બેસતા. રાજપુત્રો યે રાજત્વની મહાશિક્ષા મેળવવા માટે  ત્યાં દીક્ષાધારી બનીને રહેતા અને સિંહશિશુઓ સમાન એ સૌ ત્યાંની વ્યોમવિશાળતાઓમાં વિહાર કરતા.

                        ઋષિવરો ત્યાં સમભાવ સેવી વસ્તુમાત્રના ગહનાત્મામાં વિરાજમાન પરમાત્મ-દેવના પરમાનંદના શ્વાસોચ્છવાસથી વાતાવરણને પ્રભુમય બનાવી દેતા. એમની આસપાસનાં ઊછરતાં માનસોમાં એ અમર વિચારોનું વાવેતર કરતા, પારનાં સત્યો પ્રતિ માનવજાતને આરોહણ કરવાનું શિખવાડતા ને થોડાક અભીપ્સુ આત્માઓને માટે મોક્ષનાં દ્વાર ઉધાડી આપતા. એમનો સ્વાભાવિક પ્રભાવ, બ્રહ્યહૃદયમાંથી પ્રકટ થતી એમની વાણી તેમ જ એમનું પરમતત્ત્વથી ભરપૂર મૌન પૃથ્વીલોકની સહાયમાં સૂર્યના પ્રકાશનું સેવાકાર્ય કરતાં.

૪૬


એકાત્મ એ સ્થાનની વિશિષ્ટાતા  હતી.  હિંસક પ્રાણીઓ પણ પોતાના શિકારની સાથે ત્યાં મીઠી મૈત્રી રાખીને રહેતાં.  પૃથ્વીમાતાનો  પ્રસરેલો પ્રેમ ક્ષેરવેરને સમાવી દેતો અને જગતનાં ઘવાયેલાં હૃદયોને સાજાંસમ હૃદયો બનાવી દેતો. 

                        બીજા કેટલાક આરણ્યકો વિચારનાં વર્તુલોની રેખા તોડીને પારના પ્રકાશની પ્રતીક્ષા કરતા નિ:સ્પંદ મનમાં પહોંચી જતા અને એક અનામી શક્તિ અને પરમાત્મ-પ્રભાની વિદ્યુતોનો આનંદ અણુએ અણુમાં લઈને પાછા ફરતા. એમનું અંત:સ્ફુરિત જ્ઞાન છંદોમયી વેદવાણીમાં પ્રગટ થતું, તેઓ સ્વર્ગોને સર્જતા સૂક્ષ્મ સ્વરોને શ્રુતિગોચર બનાવતા, અને સૂર્યોને પ્રકટાવનારી મહાપ્રભાનું આવાહન કરતા, ત્રિકાળ-દર્શી અને ત્રિકાળજ્ઞાની કેટલાક વિહંગમો જેમ ઊડતા ઉડાતા વિશ્વસાગરની પાર વિરાટમાં વિલીન થઇ જતા. કેટલાક વિશ્વલીલાનું નિરીક્ષણ કરતા અને આત્માની ઉદાસીનતા દ્વારા સંસારને સહાય કરતા, તો કેટલાક જ્યાંથી કોઈ પાછું ફર્યું નથી ત્યાં જન્મમરણની શૃંખલાને તોડી નાખી જતા રહેતા.

                છાયામાં થઇ જેમ કોઈ સૂર્યબિંબ તરતું તરતું આવે તેમ કાંચનવર્ણી કાંતિમતી ક્ન્યકાનો રથ પણ એ ધ્યાનધરણાનાં ધામોમાં થઇ આગળ વધ્યો. ત્યાં કોઈ કોઈ વાર તે ગોરજ સમયે આવતી ને કોઈ પર્ણકુટીમાં રાતવાસો કરતી અને સંધ્યાકાળના હોમહવનના મંત્રોચ્ચારો આત્મામાં ધ્વનતા બનાવતી. કોઈ કોઈ વાર તે એકાદ સરિતાને કાંઠે ઊભેલાં વૃક્ષોની નીચે રાત્રિ પસાર કરતી અને શાખાઓની સમર્પાતી  ઉપાસનામાં સામેલ થઇ જતી. ત્યાં પુરાણાં મૌનોની સ્મૃતિ એના અંતરમાં જાગતી ને સનાતની શાંતિ સાથેની એની સગાઇ તાજી થતી, પરંતુ પ્રભાત પોતાની ઘાસ પાંદડાંની પથારી છોડી એ ઊભી થઇ જતી ને પોતાની ખોજમાં પાછી નીકળી પડતી.

                આમ એ પહાડીઓમાં ને જંગલઝાડીઓમાં થઇ પ્રયાણને માર્ગે આગળ વધતી, વચ્ચે આવતાં ઉજ્જડ મેદાનોનાં માપ લેતી,  આવતા રણવિસ્તારો વટાવતી ખોજ આગળ ચલાવતી, પણ માણસોમાં એ જેની શોધ કરી રહી હતી તે માનવપુત્ર એને ન મળ્યો. વસંતે વિદાઈ લીધી ને ગ્રીષ્મને માટે જગા કરી આપી. જ્વાળાની લપકતી જીભે બધું ચાટી લીધું ને આકાશે કાંસાના ઢાળાનું  રૂપ ધારણ કર્યું.

 

માર્ગો જગતના ખુલ્લા સાવિત્રી સંમુખે થયા.

આરંભે નવ દૃશ્યોની શોભા કેરી અપૂર્વતા

વસી એને મને રોકો દેહની દૃષ્ટિ રાખતી.

પરંતુ જેમ જેમ એ 

બદલાતી જગાઓને કરીને પાર સંચરી

ફૂટી ઊઠી તેમ તેમ તેનમાં કો નિગૂઢતર ચેતના :

ઘણાં સ્થાનો અને દેશો કેરી એ વાસિની હતી,

૪૭


પ્રત્યેક ધરતી ખંડે ઘર એણે કર્યું હતું;

બધાં ગોત્રો અને રાષ્ટ્રો એણે નિજ કર્યાં હતાં,

ને એમ કરતાં ભાવિ આખી માનવ જાતનું

બની એનું ગયું હતું.

એને માર્ગે આવનારી જગાઓ અણજાણ આ

જ્ઞાત એને હતી પાડાપાડોશી શી ઊંડા આંતર બોધને;

લુપ્ત વિસ્મૃત ક્ષેત્રો શાં આવતાં 'તાં દૃશ્ય સ્થાનો ફરી ફરી,,

ધીરે ધીરે થતી તાજી ફરીવાર સ્મૃતિઓ શાં સમક્ષમાં

નદી-નગરો-મેદાનો

એની દૃષ્ટિ પરે દાવો પોતાનો કરતાં હતાં,

તારા આકાશના રાત્રે

પ્રસ્ફુરંતા હતા એના સખાઓ ભૂતકાળના,

પુરાણ વસ્તુઓ કેરી વાતો વાતો કાને મર્મરતા હતા,

અને પોતે એકવાર જેમને ચાહતી હતી

તેવા અનામ સાથીઓ માર્ગમાં મળતા હતા.

ભુલાયેલાં સ્વરૂપોના ભાગરૂપ બધું હતું.

અસ્પષ્ટ અથવા એક ચમકારે ઓચિંતાં સૂચનોતણા

અતીત શક્તિની રેખા યાદ એનાં કર્મોને આવતી હતી,

એના ગમનનો હેતુ સુદ્ધાં યે ન હતો નવો :

કો પૂર્વજ્ઞાત ને ઉચ્ચ ઘટનાની દિશા પ્રતિ

ઘણી વાર કરી હોય પોતે યાત્રા

ને પોતે એ કરતી હોય ના ફરી

એવું એના યાદવાળા ચૈત્યને લાગતું હતું.

હતી દોરવણી એક મૂક એનાં રથચક્રો ચલાવતી,

ને તેમની ત્વરા કેરા ઉત્કંઠિત કલેવરે

પ્રેરનારા દેવતાઓ છાયાળા છદ્મવેશમાં

અવગુંઠિત રૂપે ત્યાં સવારી કરતા હતા,

મનુષ્ય કાજ જેઓની જન્મથી જ નિમણુક થઇ હતી

અને જેમાં ફેરફાર થતો નહીં.

એનો આંતર ને બાહ્ય જિંદગીનો ધારો એ ધારતા હતા,

હતા આડતિયા તેઓ એના આત્માતણા સંકલ્પના, હતા

સાક્ષી ને અમલી કાર્ય કરનારા એહના ભાગધેયનું.

હતા નિશ્ચલ નિષ્ઠાના રાખનારા પોતાના કાર્યની પ્રતિ,

પોતાની પકડે તેઓ સાચવી રાખતા હતા

૪૮


એના સ્વભાવની ચાલી આવનારી પરંપરા,

ને જૂનાં જીવનોએ જે તંતુ કાંતેલ તેહને

તે અતૂટ રાખી આગે વહી જતા.

એના નિર્માણની માપબદ્ધ ચાલે રહેતા એ હજૂરમાં,

એણે હાંસલ કીધેલા હર્ષોની ને આમંત્ર્યાં દુઃખની પ્રતિ

દોરી એને લઈ જતા,

અકસ્માત ભરાયેલાં પગલાંમાં વચ્ચે એ પડતા હતા.

આપણે જે વિચારીએ અથવા કહીએ છીએ

એમાંનું વ્યર્થ કે નિ:સાર ના કશું;

છૂટું મુકાયલું એક ઓજ પ્રત્યેક છે અને

એનો લીધો માર્ગ એ છોડતું નથી.

અમર્ત્ય આપણા ભૂતકાળ કેરા છાયાનિલીન રક્ષકો

આપણા ભાગ્યને બચ્ચું આપણા જ કર્મનું એ બનાવતા,

ને સંકલ્પે આપણા જે ચાસ પાડેલ છે શ્રમે

તેમાંથી વિસરાયેલાં આપણા કૃત કર્મનું

લણતા ફળ આપણે.

કિંતુ આ ફળ દેનારું વૃક્ષ અદૃશ્ય હોય છે,

ને અજ્ઞાત અતીતેથી જન્મેલા વર્તમાનમાં

આપણે જીવીએ છીએ,

તેથી તેઓ જણાયે છે ભાગો માત્ર એક યાંત્રિક શક્તિના,

યાંત્રિક મનની સાથે બંધાયેલા પૃથ્વીના નિયમો વડે;

છતાં પરમ સંકલ્પ એક કેરાં તેઓ સૌ હથિયાર છે,

નિરીક્ષાતા ઊર્ધ્વ કેરા સ્થિર એક સર્વાલોચક લોચને.

ભાગ્યનો ને યદૃચ્છાનો શિલ્પી એક પુર્વજ્ઞાન ધરાવતો

આપણી જિંદગીઓને ઘડે છે કો

પૂર્વદૃષ્ટ યોજના-અનુસારમાં,

પ્રત્યેક પગલાનું છે જ્ઞાન એને ને એના પરિણામનું,

ચોકી એ રાખતો નિમ્ન ઠોકરાતાં બલો પરે.

સાવિત્રીને હતું ભાન સ્વાત્મા કેરાં નીરવ શિખરો પરે,

કે શાંત એક સાન્નિધ્ય રાજતું 'તું એના મસ્તકની પરે,

ને એ જોતું હતું લક્ષ્ય અને પોતે પસંદ કરતું હતું

ભાગ્યનિર્માણ માટેના એકેએક વળાંકને,

પાયાની બેસણી રૂપે કરતું એ ઉપયોગ શરીરનો,

હતી પર્યટતી આંખો એની શોધક જ્યોતિઓ,

૪૯


ને લગામો ઝાલનારા હસ્ત એનાં ઓજારો જીવતાં હતા.

બધું કાર્ય હતું એક પુરાણી યોજનાતણું,

માર્ગ તૈયાર કીધેલો એક અચૂક ભોમિયે.

મોટાં મધ્યાહન ને દીપ્ત અપરાહણોમહીં થઈ

જતાં પ્રકૃતિનો ભેટો સાવિત્રી કરતી હતી,

જોતી મનુષ્ય રૂપોને ને અવાજો જગના સુણતી હતી;

એ અંત:પ્રેરિતા લાંબા માર્ગને કાપતી હતી,

મૂગી સ્વહૃદયે જ્યોતિર્મય કંદરની મહીં,

ઊજળી વાદળી જેવી દિવસે દીપ્તિએ ભર્યા.

આરંભે વસતીવાળા પ્રદેશોની મહીં થઈ

એનો માર્ગ જતો હતો :

સિંહદ્વારોમહીં રાજ્યો કેરાં પ્રવેશ પામતો,

ક્ષેત્રોમાં માનવી કેરાં મહામુખર કર્મનાં

કળાકોતરણીવાળો રથ એનો નકશીદાર ચક્રની

પર માર્ગ રેખાએ ચાલતો હતો,

કોલાહલભર્યાં હાટો વટાવતો,

ચોકિયાત બુર્જોની બાજુએ થઈ,

મૂર્ત્તિઓએ શોભમાન દરવાજા

ને સ્વપ્નશિલ્પની ઉચ્ચ શોભાવાળા મુખભાગો કને થઈ,

નભના નીલમી નીલે ઝૂલનારા બાગોની બાજુએ થઈ,

કવચે સજ્જ રક્ષીઓવાળાં ઉચ્ચ સ્તંભશોભી

સભાગૃહ કને થઈ,

પ્રશાંત પ્રતિમા એક માનવી જિંદગી પરે

નિરિક્ષંતાં નેન જ્યાં રાખતી એવાં દેવસ્થાનો કને થઈ,

ને નિર્વાસિત દેવોએ ગુમાવેલી

નિજ શાશ્વતતાના અનુકારમાં

કોતરી હોય કાઢેલાં એવાં માર્ગે મંદિરોને વટાવતો

સાવિત્રીનો રથ આગે જતો હતો.

ઘણી યે વાર સોનેરી ઓપે શોભંત સાંજથી

તે રૂપેરી રમ્ય પ્રાત:સમા સુધી

નૃપોના સુપ્ત મ્હેલોમાં લેતી વિશ્રામ એ હતી,

રત્નદીપો જહીં ભિત્તિ-ચિત્રો પર ઝબૂકતા

જ્યોત્સ્નાએ ઊજળી ડાળો પર તાકી

રહેતી જ્યાં હતી જાળી શિલામયી,

૫૦


સુણતી દઈને કાન ધીરી ધીરી સર્પતી શર્વરીતણા

અર્ધભાનમહીં સૂતી,

ને નિદ્રાના કિનારાઓ વચ્ચે પોતે સરતી અંધકારમાં.

પલ્લી ને ગામડે જોયો રથ એનો વહી પ્રારબ્ધને જતો;

હતાં જીવનધામો એ

નિજ ટૂંકી વહી જાતી જિંદગીમાં

પોતાના પેટને માટે ખેડતાં જે જમીનને

તેની પ્રત્યે હમેશાં ઝૂકતાં રહી

ચલાવ્યે રાખતાં જૂની ઘરેડોની પરંપરા,

બદલાય નહીં એવા આકાશી ગોળની તળે

એના એ જ કર્યે જાતાં મર્ત્ય કેરા મહાશ્રમો.

વિચારવંત પ્રાણીની બોજે લાદી જિંદગીમાંહ્યથી હવે

વળી એ મુક્ત ને શોક વિનાના વિસ્તરો પ્રતિ

હજી જે નવા ડોળાયા હતા હર્ષે ને ભયોએ મનુષ્યના.

આદિકાળતણી પૃથ્વી કેરું બાલ્ય હતું અહીં,

કાળબાધાથકી મુક્ત

વિશાળા હર્ષથી પૂર્ણ ને નિ:સ્પંદ અહીંયાં ચિંતનો હતાં,

મનુષ્યો હજી ના જે ચિંતાભારે ભર્યાં હતાં,

નિત્યના વાવવાવાળા કેરા રાજાશાહી એકર ત્યાં હતા,

તે હતાં ઘાસનાં બીડ લ્હેરી વાએ

તડકે જે મટકાં મારતાં હતાં :

યા લીલાં ધ્યાનમાં મગ્ન જંગલોની મહીં થઈ

અથવા રૂખડાં માથાંવાળી ડુંગરમાળના

મધ્યભાગમહીં થઈ,

અથવા મધમાખીના ઉદ્દામ ગુંજને ભર્યા

વનકુંજોમહીં થઈ,

કે રૂપેરી પ્રવાહોના લંબાઈને શમતા સ્વરમાં થઈ,

આશા કો ક્ષિપ્ર જાણે ના સ્વ-સ્વપ્નાંમાં સફરે હોય નીકળી

તેમ ઉતાવળે ચાલ્યો રથ જાતો કાંચની કન્યકાતણો.

જગ કેરા મહામોટા અમાનુષ અતીતથી

પ્રદેશ-સ્મૃતિઓ આવી, અવશેષો ચિરકાલીન આવિયાં,

જાગીરમાં અપાયેલી પુરાણી એક શાંતિને 

આવી રશ્મિ-રિયાસતો,

ઘોડાઓની ખરીઓના અનભ્યસ્ત અવાજને

 ૫૧


તેમણે ધ્યાનથી સુણ્યો,

ને નિરાપદ ને જંગી મૌનોએ ગૂંચવાયલાં

સાવિત્રીને કરી લીન લીલમી ગુપ્તામહીં,

ને મંદ ચૂપકીદીથી

ભરી અજબ જાળો જે પરીનાં પુષ્પની હતી

તેમણે રંગને ફંદે કન્યકાનાં ફસાવ્યાં રથચક્રને.

બલિષ્ટ આગ્રહી પાય કાળના કોમળા બની

આ એકાંત માર્ગોએ પડતા હતા,

રાક્ષસી પગલાં એનાં ભુલાયાં  'તાં

ને ભુલાયાં હતાં એનાં ઘોર ધ્વંસક ચક્કરો.

શ્રુતિ અંતરની જેહ દઈ કાન સુણે નિર્જન મૌનને

તે અસીમપણે ઝૂકી આત્મમગ્ન બની જઈ

સાન્દ્રતર અને શબ્દ ન કરંત વિચારનો

લયમેળ સાંભળી શકતી હતી,

જમા જે થાય છે શબ્દહીનતામાં જીવન પછવાડની,

ને મંદ મીઠડો સૂર પૃથ્વી કેરો ઉચ્ચાર નવ પામતો

મહાન ભાવથી પૂર્ણ એના સૂર્યચુંબિત ધ્યાનને લયે,

નિજ ઝંખનના નિમ્ન સ્વર સાથે ઉપરે ચઢતો હતો.

કોલાહલે મચેલી ને જડભાવી જરૂરોથી સુદૂરમાં

નિજ ઈચ્છાતણી અંધ બાહ્યતાથી મુક્ત એ શમતું તદા

શાંત ભાવે સર્વ કેરી ખોજે લાગેલ ચિત્તને

લાગ્યું કે ધરિત્રીના મૂક ને ધીર પ્રેમનો

આશ્લેષ થાકતો ન 'તો,

ને એ આપણને દેહ દેનારી મા

છે ચૈત્યાત્માતણી સત્તા એવું ભાન થતું હતું.

આ જીવ ઠોકરો ખાતો ક્ષેત્રોમાં ઇન્દ્રિયોતણાં,

આ પ્રાણી દિવસો કેરે ખલે કૂટો બની જતો,

પૃથ્વીમાતામહીં એહ

છુટકારાતણા મોટા વિસ્તારો મેળવી શકે.

હજુ ના દુનિયા આખી ચિંતા કેરો વસવાટ બની હતી.

પ્રદેશો રૂક્ષ એના ને ઊંડાણો લીન ચિંતને,

અવૈયકિતક  વિસ્તારો અટૂલા પ્રેરણાભર્યા,

ને પ્રહર્ષણના અડ્ડા એના કૈં પ્રૌઢતા ભર્યા

હજી યે આપણે માટે આપણી મા હ્રદયે નિજ રાખતી.

૫૨


પ્રતીકાત્મક ગુહ્યોને પોષ્યાં એણે ઓઠે ધારી સરસ્વતી,

વિશુદ્ધ દૃષ્ટિના એના સંસ્કાર્થે એ રક્ષી રાખતી હતી

સંમુદાના સ્તનો વચ્ચે કંદરાળી ઉપત્યકા,

ઉષાના અગ્નિઓ માટે વેદિઓ ગિરિઓતણી,

સમુદ્ર પોઢતો 'તો જ્યાં પુલિનો તે વિવાહોચિત વાલુના,

ને સમાગાન કૈં પ્રૌઢ એના ઈશશબ્દવાહી  વનોતણું.

એની પાસે હતાં ક્ષેત્રો ઐકાંતિક વિનોદનાં,

આશ્લેષે જ્યોતિના મોદ માણનારાં મેદાનો ચૂપકી ભર્યાં,

પક્ષીઓના પુકારો ને પુષ્પોના રંગ સાથમાં,

વિસ્મયે વ્યાપ્ત વેરાનો ચંદ્રોની ચંદ્રિકાભર્યાં,

સંધ્યાકળો દૃષ્ટિવંતા ભૂખરા ને તારાઓ પ્રકટાવતા,

આનંત્યમાંહ્ય રાત્રીના હિલચાલ અંધકારમહીં થતી.

સુભવ્યા નિજ કર્તાની આંખે ઉલ્લાસ પામતી,

એનું સામીપ્ય સાવિત્રી લહેતી'તી ધરા-ઉરે,

પડદા પૂઠની જ્યોતિ સાથે સંલપતી હજી,

પારની શાશ્વતી સાથે હજી એનું અનુસંધાન ચાલતું.

થોડાક અધિકારી જે નિવાસીઓ તેમને તે નિમંત્રતી

નિજ શાંતિતણા સૌખ્યપૂર્ણ સંપર્કની મહીં

ભાગીદાર બની જવા;

બૃહત્તા ને તુંગતામાં વસતા 'તા તેઓ સહજ ભાવથી.

કર્તવ્ય-કર્મ પોતાનાં કરી પૂર્ણ

અને મુક્ત થઈ યુદ્ધ-પ્રયાસથી

આ વનોમાં થતા એના ગભીર અધિવેશને

વીર્યવંતા રાજર્ષિ આવતા હતા;

થતો સમાપ્ત સંઘર્ષ, સામે આરામ ત્યાં હતો.

સુખી તે ત્યાં રહેતા 'તા પશુ-પક્ષી-પુષ્પના સહવાસમાં,

સૂર્યપ્રકાશની સાથે, પર્ણો કેરા મર્મરાટતણી મહીં,

રાતે રઝળતા વન્ય વાયુઓના સુણતા સુસવાટ એ,

ને તારાઓતણાં મૂક અને અટલ મંડલો

સાથે ધ્યાનભાવમાં ઊતરી જતા,

નીલ તંબૂમહીં તેમ પ્રભાતોમાં નિવાસ કરતા હતા,

મહિમા સાથ મધ્યાહનોતણા એક બની જતા.

વધુ ઊંડે કેટલાક ડૂબકી મારતા હતા,

આત્મા કેરી અનાક્રાન્ત તારા જેવી શુભ્ર એકાંતતાતણી

૫૩


પાવકીય ગુહામહીં

બાહ્ય જીવનની બાથમાંથી બોલાવતા સંકેતથી હતા,

ને રહેતા હતા તેઓ ડેરા નાખી

નિત્યજીવી પરમાનંદ સાથમાં;

મહામુદા અને મૌન કેરી નીરવતામહીં

સુણતા એ હતા ગહન શબ્દને,

અને જોતા હતા જ્યોતિ, આવિષ્કાર કરતી જે સમસ્તનો.

જીતી લીધા હતા ભેદ એમણે કાળના રચ્યા;

હતું જગ ગ્રથાયેલું એમના ઉર-તંતુથી;

મારે છે ધબકારા જે પ્રત્યેક હૃદયે રહી

તેની સાથે ગાઢ ગાઢ સજાયલા,

તેઓ સર્વમહીં છે જે એક આત્મા

તેને નિઃસીમ છે એવા પ્રેમ દ્વારા પહોંચતા.

એકતાર બની મૌન સાથે ને વિશ્વ-છંદ શું

બંદી બનાવતા ચિત્તતણી ગાંઠ કરી શિથિલ એમણે;

વિશાળી ને અવિક્ષુબ્ધ સાક્ષિદૃષ્ટિ થઈ 'તી સિદ્ધ એમને,

સીલમાંથી હતી છૂટી આત્મા કેરી મોટી આંખ નિસર્ગની;

આરોહ એમનો હાવે નિત્ય કેરો

તુંગોની તુંગતા પ્રત્યે ઊંચે આરોહતો હતો :

ઝૂકીને આવતું સત્ય તેઓ પાસે નિજ ઊધ્વેર્ધ્વિ ધામથી;  

શાશ્વતીના ગૂઢ સૂર્યો તપતા'તા તેમનાં મસ્તકો પરે.

અનામી એ તપસ્વીઓ માટે નિકેતનો ન 'તાં,

વાણી, ગતિ અને ઈચ્છા દીધી 'તી એમણે તજી,

એકાકી એ હતા બેઠા અંતર્લીન બની જઈ,

પ્રકાશપૂર્ણ નિઃશબ્દ ધ્યાનનાં શિખરો પરે

આત્માનાં શાંતિએ પૂર્ણ સાનુઓએ નિષ્કલંક વિરાજતા,

કરી જગતનો ત્યાગ જટાધારી મુનિઓ આસપાસમાં

વૈરાગ્યવાન ને મોટા પહાડો શા વૃન્દ વૃન્દ વસ્યા હતા,

કો વિરાટ મનોભાવથકી જન્મ પામેલાં ચિંતનો સમા

અંત પામી જવા માટે વાટ જોતા આજ્ઞા કેરી અનંતની.

વૈશ્વ સંકલ્પની સાથે તાલમેળે દ્રષ્ટાઓ વસનાર એ

પૃથ્વીનાં રૂપકો પૂઠે રહી જે સ્મિત સારતો

તેમાં સંતોષ માનતા,

આગ્રહી દિવસો દુઃખ એમને આપતા નહીં.

૫૪


ગિરિને ફરતાં લીલાં વૃક્ષો જેમ એમની ફરતે હતા

શિષ્યો તરુણ ગંભીર ગુરુ-સ્પર્શે ઘડાયલા,

રહેણીકરણી સાદી ને સભાન

વાણીનું તે હતા પામ્યા સુશિક્ષણ,

પોતાની ઉચ્ચતાઓને ભેટવા એ વૃદ્ધિમંત થતા હતા.

પથે શાશ્વતના દૂર દૂર ભ્રમંત સાધકો

નિજાત્માની તૃષા લઈ

આ પ્રશાંત સ્રોતોની પાસ આવતા,

ને કરી સ્નાન પાવિત્ર્યે મૃદુ દૃષ્ટિતણા તહીં

એક મૌન ઘડી કેરો ખજાનો ખર્ચતા હતા,

ને નિરાગ્રહ એ દૃષ્ટિ નિજ શાંતિ દ્વારા શાસ્તિ ચલાવતી

મેળવી આપતી માર્ગ શાંતિ કેરો પોતાના સત્પ્રભાવથી.

ભુવનોનાં રાજ્યતંત્રો કેરાં બાળ,

ભવિષ્યત્કાળના વીર નેતાઓ રાજપુત્રો, તે

એ વિશાળા વાતાવરણની મહીં

વ્યોમ ને સૂર્યમાં ક્રીડા કરતા સિંહના સમા

પામતા 'તા અર્ધભાન સાથે મુદ્રા પોતાની દેવના સમી :

જે ઉચ્ચ ચિંતનો કેરાં ગાન તે કરતા હતા

એ આદર્શ-અનુસાર ઘડાયલા,

સંગી આપણને જેહ બનાવે છે વિશ્વની પ્રેરણાતણા

તે મનોભાવની વ્યાપ્ત ભવ્યતાનું તેઓ શિક્ષણ પામતા,

ક્ષુદ્ર નિજ સ્વરૂપોમાં એ જરાયે શૃંખલાબદ્ધ ના થતા,

શાશ્વત હસ્તે હેઠે મૃદુ ને દૃઢતાભર્યા,

સાહસી ને સ્નિગ્ધ બાથે ભેટતા એ નિસર્ગને,

ને એનાં કાર્યને ઘાટ આપનારી

એના અંતરમાં છે તે શક્તિની સેવ સાધતા.

એકાત્મ સર્વની સાથે અને મુક્ત સંકોચનાર બંધથી,

સૂર્ય-ઉષ્મા ભર્યા એક મહાખંડ સમા બૃહત્ ,

વિશાળી સમતા કેરા પક્ષપાત વિનાના હર્ષની મહીં,

પ્રભુનો વસ્તુઓમાં છે જે આનંદ

તે માટે આ મુનિઓ જીવતા હતા.

સહાય કરતા ધીરા દેવો કેરા પ્રવેશને,

પોતાના જીવને જીવંત જે હતા

તે અમર્ત્ય વિચારોનાં બીજ બોતા કુમારાં માનસોમહીં, 

૫૫


જે મહાસત્યની પ્રત્યે માનવોની જાતે આરોહાવું રહ્યું

તેનું શિક્ષણ આપતા,

કે થોડાક જનો માટે મોક્ષનાં દ્વારો ખોલતાં,

મથતા આપણા વિશ્વલોકને જ્યોતિ આપતા,

આત્માઓ શ્વસતા 'તા એ

કાળની જડતાપૂર્ણ ધુરાથી મુક્તિ મેળવી.

વિશ્વ-શક્તિતણા સાથી ને સત્પાત્ર બનેલ એ

સૂર્ય માફક લેતા 'તા વપરાશે સ્વાભાવિક પ્રભુત્વને :

એમનાં વાક્ય ને મૌન હતાં સાહ્ય સમસ્તની.

એમના સ્પર્શથી એક ચમત્કારી સુખનો સ્રોત્ર ફૂટતો;

એ વન્ય શાંતિમાં રાજ્ય ઐક્યનું ચાલતું હતું,

શિકાર સાથ મૈત્રી ત્યાં શિકારી પશુ રાખતાં,

દ્વેષ-સંઘર્ષને બંધ પડવા સમજાવતો

પ્રેમ પ્રવાહતો 'તો ત્યાં ઉરથી એક માતના,

તેમનાં હૃદયો દ્વારા હતો ઘાવ રુઝાવતો

ઘવાયેલી કઠોર જગતીતણો.

બીજાઓ છટકી જાતા હદોમાંથી વિચારની,

જ્યોતિના જન્મની વાટ જોતું પોઢે મન જ્યાં ચેષ્ટાનો તજી,

ને અનામી કોક એક શક્તિએ એ પ્રકંપતા

પાછા ત્યાંથી ફરીને આવતા હતા

વિધુ ત્ ની વારુણી પીને મદમસ્ત અણુએ અણુએ બની;

વાણીના રૂપમાં કૂદી આવતું 'તું

અંતર્જ્ઞાન સહજ-સ્ફુરણાતણું,

સ્વર્ગોનાં વસનોરૂપ સ્વર સૂક્ષ્મ તેઓ સાંભળતા હતા,

સૂર્યોને સળગાવ્યા છે જેણે તેહ દીપ્તિને લાવતા વહી,

અનંતતાતણાં નામો અને અમર શક્તિઓ

કેરાં તેઓ ઋગ્-ગાન કરતા હતા,

છંદોમાં જે ગતિમંતાં જગતોનું પ્રતિબિંબન પાડતા,

દૃષ્ટિના જે હતા શબ્દતરંગો પ્રસ્ફુટી ઉપર આવતા

આત્માકેરાં મહાન ગહનોથકી.

અવ્યક્ત શક્તિનો એક ગતિહીન મહાસાગર સેવતા

કેટલાક રહ્યાં ન 'તા

વ્યક્તિ માટે અને પટ્ટી માટે એના વિચારની,

બેઠા 'તા એ મહોજસ્વી દૃષ્ટિ મધ્યે ભરી જ્યોતિ અનંતની,

૫૬


કે સનાતન સંકલ્પ કેરા સહચરો બની

યોજના અવલોકંતા ભૂત-ભવિષ્ય કાળની.

વિહંગ સમ ઊડીને કેટલાક સંસાર સિન્ધુમાંહ્યથી

જ્યોતિર્મય નિરાકાર બ્રહ્ય રૂપ વિરાટમાં

વિલોપિત થઇ જતા :

કેટલાક નિરીક્ષંતા ચૂપચાપ સચરાચર-નૃત્યને,

કે ઉદાસીનતા ધારી વિશ્વ પ્રત્યે

તેના દ્વારા વિશ્વને સાહ્ય આપતા.

જ્યાંથી ના જીવ કો પાછો ફરતો તે સમાધિમાં

કેટલાકો લયલીન બની જઈ,

એકાંત આત્મની સાથે એકાકાર ન કશું અવલોકતા,

બંધ હંમેશને માટે રાખી ગૂઢ માર્ગ સૌ જગતે જતા,

જન્મ ને વ્યક્તિતતા કેરી ફગાવી દઈ શૃંખલા

એ વિમુક્ત બની જતા :

કેટલાક અનિર્વાચ્યે પ્હોંચતા 'તા સાથી વગર એકલા.

 

રવિનું રશ્મિ જે રીતે છાયાવાળા સ્થાનમાં સરતું જતું

તેમ કોતરણીવાળા રથે બેસી કાંત કાંચન  કન્યકા

ધામોમાં ધ્યાનનાં આવી પહોંચી ત્યાં પ્રસર્પતી.

ઘણી યે વાર એ સાંજે પાછાં આવી રહેલાં ધણમાં થઇ,

એમની ઊડતી ધૂળે જયારે થાય છાયાઓ સાન્દ્રતા ભરી

અને કોલાહલે પૂર્ણ દિન ડૂબે નીચે ક્ષિતિજ ધારની

ત્યારે શાંત તપસ્વીના કોઈ એક કુંજે આવી પહોંચતી

વિશ્રામ આશ્રમે લેતી સાવિત્રી, ને એના ધીર

ધ્યાને સભર ભાવને

ને પ્રભાવી પ્રાર્થનાની ભાવનાને ઓછાડ સમ ઓઢતી.

યા તો કો કેસરી પેઠે નિજ યાળ ઉછાળતી

સરિતાની સમીપમાં

ને પૂજા કરતાં વૃક્ષો પાસે એના પ્રાર્થના કરતા તટે

ગુંબજાળી અને દેવસ્થાન જેવી હવાનો શાંત વિશ્રમ

આમંત્રતો હતો એનાં ત્વરતાં રથચક્રને

સ્વવેગ અટકાવવા.

મૌન સ્મરંત પ્રાચીન

મન જાણે હોય એવા પવિત્ર અવકાશમાં

૫૭


સ્વરો અતીતના મોટા કરી સાદ રહ્યા 'તા ઉરને જહીં,

અને ચિંતન સેવંતા દ્રષ્ટાઓની મુક્તિ કેરી વિશાળતા

ઋજુ પ્રભાત કે ચંદ્રે ચકાસંતા અંધારે જાગતી રહી

સંસ્કાર એમના આત્મચરિતોનો મૂકી દીર્ધ ગઈ હતી,

ત્યાં શાંતિ-સ્પર્શની પ્રત્યે વળી વૃત્તિ જવાલાની દુહિતાતણી,

પ્રશાંત પોપચાં વચ્ચે થઇ એણે

કર્યું પાન ચૂપકીથી ભરેલી ભવ્યતાતણું

અને શાશ્વતકાલીના શાંતિ સાથે લહી એણે સગોત્રતા.

પરંતુ ફાટતો પો ને એને એની ખોજની યાદ આપતો,

ગામઠી ભોંયની શય્યા કે ચટાઈ છોડી એ ઊઠતી હતી

ને અધૂરો લઇ માર્ગ પ્રેરિતા એ પાછી આગળ ચાલતી,

ને મૌન દેવતાઓને પૂછીને પ્રશ્ન તે પછી

જવલંત પારપારે કો તારા જેમ થતી પસાર કામના

સમી અનુસરી જાતિ ભાગ્યકક્ષા પોતાની જિંદગીતણી.

ત્યાંથી આવી એ વિશાળા એકાન્ત વિસ્તરોમહીં

જ્યાં થઇને જનો જાતા જનતાની વસતીઓતણી પ્રતિ,

યા રહેવા કરતા 'તા પ્રયાસો ત્યાં

એકલા જ વિરાટે પ્રકૃતિતણા,

અને સહાયને માટે ન દેખાતી

જીવમાન શક્તિઓને પુકારતા.

હતું ના એમને ભાન નિજ નિઃસીમતાતણું,

પરાભૂત થતા 'તા એ નિજ વિશ્વતણી નિઃસીમતાથકી.

ગુણાકારે રહી પૃથ્વી બદલી સ્વમુખચ્છબી,

દૂરનો ને નનામો કો સ્વર એને આપતો 'તો નિમંત્રણો.

પર્વતો તાપસો જેમ વિજને વાસ સેવતા,

વનો સહસ્રશ: ગાતાં સ્તવનો મર્મરસ્વરે

હતાં બનાવતાં એને દ્વારો છદ્મવેશિની દિવ્યતાતણાં.

પડેલા સુસ્ત વિસ્તારો, મેદાનો સ્વપ્ન સેવતાં,

ડૂબી જાતા વ્યોમની મોહની તળે

મૃત્યુશય્યા પ્રભાહીન અને મંત્રમુગ્ધ સંધ્યાસમાતણી,

તેની પર યુગાંતે ના હોય તેમ સૂતી એ શાંત ભાવથી,

યા અડોઅડ ઊભેલું દલ ઉત્સુક પ્હાડનું,

ઢૂંઢ ઊંચકી માથું બખોલ સમ વ્યોમને,

એ વટાવી જતી હતી,

૫૮


યા વિચિત્ર અને રિક્ ત પ્રદેશે એ કરતી 'તી મુસાફરી

જ્યાં નિરાલે નભે સૂનાં શૃંગોની શિબિરો હતી,

ચંદ્રમા પ્લવતો તેની નીચે મૂંગા ઊભાં 'તાં ચોકિયાત જે,

યા અડાબીડ એકાકી અરણ્યે અટતી હતી

ધ્વનતું 'તું હેમેશાં જે તમરાંના અવાજથી,

યા લાંબા ચમકીલા કો માર્ગે સાપોલિયા સમા

નિશ્ચલ જ્યોતિની ગોદે ભરાયલાં

ખેતરો ને ગોચારોને પસાર કરતી જતી,

યા હળે નવ ખેડાઈ યા તો ટોળે ચરાઈ ના

એવી કોક મરુસ્થલી

કરતી પ્રાપ્ત સાવિત્રી, જ્યાં સૌન્દર્ય હતું સાવ જ જંગલી,

ને તૃષાતુર ને નંગી રેતી ઉપર તે સ્થલે

પોઢતી નીંદરે હતી,

હિંસ્ર કો પશુના જેવી રાત્રિ કેરી

આસપાસ હતી આવેદના જ જ્યાં.

હજી યે સિદ્ધિએ પ્હોંચી ન 'તી શોધ ભાગ્યનિર્ણય આપતી;

જેને માટે મનુષ્યોની  સંતતિમાં શોધ એ કરતી હતી

તે પ્હેલેથી જ નિર્માયું મુખ એને હજી યે ન મળ્યું હતું.

ભવ્ય નીરવતા એક  હતી છાઈ રાજા શા દિનની પરે.

માસોએ સૂર્યનો પોષ્યો હતો આવેશ ભાવનો,

ને એના જળતા શ્વાસે ધરાને અવ આક્રમી.

શાર્દૂલો તાપના લાગ્યા મૂર્છા ખાતી ધરતી પર ઘૂમવા;

લોલાતી જીભનો સર્વ અવલેહ બની ગયું.

વસંતવાયુઓ લુપ્ત થયા; વ્યોમ ઢળાયું કાંસ્યના સમું.

૫૯


ચોથો  સર્ગ   સમાપ્ત 

ચોથું   પર્વ  સમાપ્ત









Let us co-create the website.

Share your feedback. Help us improve. Or ask a question.

Image Description
Connect for updates