સાવિત્રી

Sri Aurobindo symbol
Sri Aurobindo

Sri Aurobindo's major poetic work, an epic in blank verse. In Savitri, a legend from the Mahabharata becomes the symbol of the human soul's spiritual destiny. In poetic language, Sri Aurobindo describes his vision of existence and explores the reason for ignorance, darkness, suffering and pain, the purpose of life on earth and the prospect of a glorious future for humanity. The writing of the epic extended over much of the later part of his life.

Sri Aurobindo Birth Centenary Library (SABCL) Savitri Vols. 28,29 816 pages 1970 Edition
English
 PDF     Poems
Sri Aurobindo symbol
Sri Aurobindo

Sri Aurobindo's major poetic work, an epic in blank verse. In Savitri, a legend from the Mahabharata becomes the symbol of the human soul's spiritual destiny. In poetic language, Sri Aurobindo describes his vision of existence and explores the reason for ignorance, darkness, suffering and pain, the purpose of life on earth and the prospect of a glorious future for humanity. The writing of the epic extended over much of the later part of his life.

Gujarati Translations of books by Sri Aurobindo સાવિત્રી 1973 Edition
Gujarati Translation
Translator:   Pujalal

પૃથ્વીલોકમાં  પુનરાગમન

 

વસ્તુનિર્દેશ

 

       વનમાં સત્યવાનનું મૃત્યુ થયું. સાવિત્રીના ખોળામાં એનું ખોળિયું હતું. પણ સાવિત્રી યોગના પ્રભાવથી એના પ્રાણનાથનો પ્રાણ લેવાને આવેલા યમરાજને જોઈ શકતી હતી. એનો સમાધિસ્થ આત્મા સૂક્ષ્મ ભૂમિકાઓમાં ગતિ કરતો બની ગયો હતો. એણે તો યમનો પીછો લીધો અને અનેક સૂક્ષ્મ અનુભવોમાંથી પસાર થઇ, યમે બતાવેલાં ભય ને પ્રલોભનો વચ્ચે પોતાની દિવ્યતામાં દૃઢ ને એકસંકલ્પ રહી આખરે યમને માત કર્યો, એની પાસેથી અનેક ઈચ્છિત વસ્તુઓ મેળવી અને પૃથ્વીલોક માટે સત્યવાનના આત્માને પાછો આણ્યો.

         હવે એ ગહન સમાધિમાંથી આ લોકની અવસ્થામાં આવી. દૈવીભાવમાંથી માનવભાવને પામી, છતાંય પોતે આમૂલ બદલાઈ ગઈ હતી. એના માનવ આધારમાં એક અલૌકિકતા આવી ગઈ હતી. પૃથ્વી ઉપર સંભવતી નથી એવી એક મોટી શકિત એનામાં જાગી હતી, સ્વર્ગમાંય સમાઈ ન શકે એવું એક મહાસુખ એનામાં નિવાસ કરતું બની ગયું હતું.માનવ વિચારથી જેરવી ન શકાય એવી એક મહાજ્યોતિ એનામાં પ્રકાશિત થઇ હતી, મનુષ્યની લાગણીઓ જેને ધારવા અસમર્થ છે એવો એક નિઃસીમ મહાપ્રેમ એનામાં પ્રકટ્યો હતો. વિશ્વોની મંગલમયતા એનામાં મલપતી હતી, સ્થળ-કાળમાં આવેલું ચરાચર સર્વ એણે આત્મસાત્ કર્યું હતું. અખિલ બ્રહ્યાંડ હવે એના આત્મામાં ગતિમાન બન્યું હતું, એને આધારે જ અસ્તિત્વમાં હતું, એના પ્રેમના પ્રહર્ષણપૂર્ણ આશ્લેષને માટે જ સરજાયું હતું. ભૂત-ભવિષ્ય-વર્તમાન એની સનાતનતામાં રહેલા હતા, એ પોતે હવે અનંતતાનું એક સ્વરૂપમાત્ર બની ગઈ હતી.

         નિદ્રાસમાધિમાંથી જાગ્રત સમાધિમાં આવીને એણે સત્યવાનને પ્રબુદ્ધ કરવાનું કાર્ય આરંભ્યું. સત્યવાન ઉપર એ પ્રેમથી લળી ને પ્રથમ એનાં પોપચાં ઉપર ને પછી એના આખા શરીર ઉપર કોમળ ભાવે એણે પોતાના પ્રેમલ હસ્ત કોમલતાથી ફેરવવા માંડ્યો. સાવિત્રીના સ્પર્શે સત્યવાન ઉપર ચમત્કારી કામ કર્યું. સત્યવાને આંખો ઉઘાડી અને એમની વાટ જોઈ રહેલી સાવિત્રીની આંખોમાં દૃષ્ટિ દ્વારા પ્રવેશ

૧૭૬


કર્યો એણે જોયું કે હવે પોતે પૃથ્વીલોકમાં હતો અને એનું આત્મસર્વસ્વ સાવિત્રી પાછી એની બની ગઈ હતી. આ ચમત્કાર અસ્પષ્ટ સ્મરણ સાથે સત્યવાન બોલ્યો : " ઓ હે સુવર્ણમયીદીપ્તિ ! ઓ દેવી !  ઓ સ્વર્ગીય  સ્ત્રી !  ઓ મારા આત્માની કૌમુદી !  મને, તારા પ્રેમના બંદીને તું ક્યાંથી પાછો લાવી છે ? તારા સાથમાં હું અજાણ્યાં જગતોમાં જતો હતો, આપણે રાત્રિનાં દ્વારોને ઉવેખ્યાં હતાં; તારા વિનાનાં સ્વર્ગીય સુખો મારે જોઈતાં ન 'તાં, આનંદધામો પ્રતિ મેં પીઠ ફેરવી હતી; પણ ક્યાં છે પેલું ભયંકર સ્વરૂપ ?  ક્યાં છે એ શૂન્યાકારનું કાળું ભૂત ? પ્રભુનો ને આત્માનો ઇનકાર કરનારી, મૃત્યુને માટે, શૂન્યને માટે જગત ઉપર દાવો કરનારી એ અઘોર સત્તા ક્યાં છે હવે ?

         પણ સાવિત્રીએ ઉત્તર આપ્યો : " આપણે અળગાં થયાં એ જ એક સ્વપ્ન છે. આ રહ્યાં આપણે સાથમાં ને બાથમાં, જીવતાં ને જાગતાં. આ રહ્યું આપણં વનનું ઘર, આ રહ્યાં લીલાં  મર્મરતાં પાંદડા, આ સંભળાય પંખીઓનો કલરવ; એ આપણાં સ્તુતિગાન કરી રહ્યાં છે, એ આપણા મધુર મિત્રો છે. મૃત્યુની કાળી રાત્રિને આપણે ક્યાંય પાછળ મૂકી છે, એક મહાસમર્થ સત્યતાથી, પ્રતીકાત્મક જગતોની જ્યોતિથી આપણે પલટાઈ ગયાં છીએ. પ્રભુને બારણે આપણે ઉભાં હતાં, મુક્ત અને નિર્મુમુક્ત, આત્માની અસીમતા સાથે એકાકાર બની ગયેલાં."

          પછી બન્ને ઊઠયાં. પણ સત્યવાનની આંખમાં એક નવી ચમક આવી ને ભક્તને હૃદયે એ બોલ્યો : " સાવિત્રી ! તારામાં કેવો અદભુત ફેરફાર થઇ ગયો છે ! મારે મન તું દેવી તો હમેશાંની હતી જ, પરંતુ તારી માનવતા તને વધારે  દૈવી બનાવી રહી છે. તું એવી તો  ઉદાત્ત અને દિવ્ય દેખાઈ છે કે માટી આરાધના તારી આગળ અધૂરપ અનુભવે છે. કાળ તારે ચરણે ઢળેલો છે, ને આખું બ્રહ્યાંડ તારો જ એક અંશ હોય એવું મને પ્રતીત થાય છે. તારાઓ તારી દૃષ્ટિથી જ મને જોઈ રહેલા છે. મારા પાર્થિવ જીવની રક્ષિકા તું જ છે. મારું જીવન તારા સ્વપ્નસેવી વિચારોનો મર્મરધ્વનિ છે. મારાં દિવસ અને રાત તારા સૌન્દર્યના અંશમાત્ર છે. તારે લીધે જ મારું મર્ત્ય જીવન લંબાયું છે. તારા દ્વારા એને આનંદમય બનાવી દે."

          સત્યવાનના ચરણમાં સાવિત્રીએ મસ્તક મૂક્યું અને મૃદુ રણકતી વીણાને સ્વરે એ બોલી : " હવે તો સર્વ કંઈ બદલાઈ ગયું છે, ને બદલાઈ ગયેલું હોવા છતાંય એનું એ જ છે. આપણે પ્રભુના મુખના મંગલ દર્શન કર્યાં છે, પરમાત્મા સાથે એકસ્વરૂપતા અનુભવી છે. એના સ્પર્શથી આપણો પ્રેમ બૃહત્તર બની ગયો છે, ને તેમ છતાંય આપણાં માનવી પ્રેમને ઊની આંચ આવી નથી. પ્રભુ સર્વને પૂર્ણતાએ પહોંચાડે છે, આપણી પૃથ્વીને રદ કરતો નથી. હું એની એ જ છું, એની એ જ મદ્રની રાજકુમારી. બધા જ મધુર સંબંધો આપણાં જીવનોમાં સાર્થકતા પામશે. હું તારું ને મારું રાજ્ય છે. હું તારી કામનાની રાણી છું ને દાસી પણ છું. હું છું તારા આત્માની બહેન ને તારી આવશ્યકતાઓ પૂરી પાડનારી માતા. તું મારું જગત

૧૭૭


છે, તું મારો આરાધ્ય દેવ છે. આપણાં અંગો અન્યોયનાં પૂરક છે. આપણું પરિણીત જીવન નવેસર આરંભાય છે. પ્રભુની લીલાભૂમિ પૃથ્વી આપણને પાછી અપાઈ છે. ભૂતમાત્રમાં રહેલા ભગવાન સાથે આપણે પ્રેમથી એકાકાર બનીને રહીશું, પૃથ્વી ઉપરનો પ્રભુનો ઉદ્દેશ પાર પાડીશું. આપણે સર્વને આનંદ આપીશું. માનવને પરમ સત્યની ને પરમાત્માની પાસે દોરીને લઇ જઈશું." 

           સાવિત્રી અને સત્યવાન દેહે અને દેહીએ દ્વૈતમાંથી અદ્વેતમાં એકાકાર બની ગયા. રાત્રિ  અને દિવસ પણ અન્યોન્યમાં અંતર્લીન થઇ જવા માટે લળ્યાં.

            પછી એ જ્યાં આશ્રમ તરફ વળ્યાં ત્યાં તો માનવીઓને મહાકોલાહલ સંભળાયો ને એ નજીક આવતો જ ગયો. રાજા ધુમત્સેન દેખતો થઇ ગયો હતો ને એનું ગુમાવાયેલું રાજ્ય સ્વમેવ એની સેવામાં આવીને હાજર થઇ ગયું હતું, રાજ-વૈભવ ભર્યો રસાલો લઈને ઋષિમુનિઓના સાથમાં એ સત્યવાન  ને સાવિત્રીની શોધમાં નીકળી પડયો હતો. રાણી પણ એની સાથે ચાલતી હતી. સૌથી પ્રથમ એ મમતાળુ માએ પોતાનાં બાળકોને દૂરથી જોયાં. પછી તો હજારો મશાલોના અજવાળામાં બધાં એ તરફ આગળ વધ્યાં.

              પોતાના પ્રાણપ્રિય પુત્રની પાસે પહોંચતાં જ રાજરાણીનું હૃદય  પ્રેમથી વિહવળ બની ગયું. રાજાએ મધુર વચનોએ સત્યવાનને ઠપકો આપતાં કહ્યું : " દેવો આપણી પર ત્રૂઠયા છે, મારી આંખોને પ્રકાશ પુનઃપ્રાપ્ત થયો છે, રાજલક્ષ્મી આપણને શોધતી આંગણે આવી ઉપસ્થિત થઇ ગઈ છે. વત્સ ! તારા વિલંબે અમને દુ:ખી બનાવી દીધાં છે વત્સ ! તારા વિલંબે અમને દુ:ખી દુ:ખી બનાવી દીધાં છે. ને સાવિત્રી ! તેં પણ સત્યવાનને વહેલો વહેલો ઘેર કેમ ન આણ્યો ? શું કોઈ જોખમે તો તમને રોકી રાખ્યાં ન 'તા ?  તમારા વગર ખાવાપીવાનું અમારે માટે આકરું બની જાય છે, તે શું તમે નથી જાણતાં ?

               સત્યવાન મોં મલકાવી બોલ્યો: " વાંક બધો આ સાવિત્રીનો છે. હું તો દૂર સુદૂરની અનંતતાઓમાં અટવા નીકળી પડયો હતો, ત્યાંથી આણે મને એની જાદૂઈ જાળમાં પકડીને અહીં પાછો આણ્યો છે. ચમત્કારો બધા એના જ છે. એના જ પ્રભાવથી હું આ લીલી પૃથ્વી પર તમારી આગળ ઊભો છે."

                પછી તો સૌની દૃષ્ટિ સાવિત્રી તરફ વળી. જોયું જણાયું કે સાવિત્રી સામાન્ય સાવિત્રી નહોતી. પૃથ્વીલોકનું તેમ જ સ્વર્ગલોકનું મહાશ્ચર્ય એનામાં સંમૂર્ત્ત થયું હતું. એને જોઈ એક મુનિવર બોલ્યા, " ઓ અદભુતસ્વરૂપા સ્ત્રી !  તું અમારે માટે કયો અલૌકિક  પ્રકાશ ને કઈ મહાશકિત લઈને આવી છે ? તેં અમારે માટે એક નવા  યુગનો સમારંભ શરૂ કરીદીધો છે." જગતના જીવોને હૃદયમાં લઈને પ્રકટ થયેલી દેવીનું દર્શન સાવિત્રીનાં પડતાં પોપચાં સાથે પડદા પાછળ જતું રહ્યું, ને સાવિત્રી ધીરેથી બોલી : "હું મારા હૃદયના હાર્દ પ્રતિ જાગી ને મને જણાયું કે પ્રેમ અને એકાત્મભાવ જ સાચું જીવન છે. સર્વ કંઈ એ પ્રેમનો જ ચમત્કાર છે, એકાત્મતા અદભુતોની માતા છે. માત્ર આટલું હું જાણું છું  ને જીવવા માગું છે."

૧૭૮


પરમ જ્ઞાનના પ્રકાશથી ભર્યા આ ઉત્તરથી સર્વે ચકિત થઇ ગયા, અને પશ્ચિમ તરફ વળ્યા. શ્વેત અશ્વોથી જોતરાયેલા એક મહાસાગરમાં સત્યવાન અને સાવિત્રી વિરાજમાન થયાં. મહોત્સવ માણતા સર્વે આગળ ચાલ્યા, ને દક્ષિણ દિશાએ વનની ધારે ધારે ગાતા બજાવતા સર્વે સસૈન્ય પાટનગરને માર્ગે પ્રયાણ કરવા લાગ્યા.

 

         રાત્રિના આકાશમાં તારાઓ તરતા હતા ને અંધકારમાં પ્રકાશની માર્ગ રેખાઓ રચતા હતા. ચંદ્રમાં વ્યોમમાં સ્વપ્ન સેવતો સરતો હતો. રૂપેરી શાંતિ સર્વત્ર પથારાઈ ગઈ હતી. રાત્રિ પોતાના નિગૂઢ હૃદયની રહસ્યમયતામાં મહત્તર પ્રભાતને પોષી રહી હતી.

 

   

દેહાતીત અવસ્થાનાં અગાધ અતલોકથી

સાવિત્રીનો સચેતાત્મા પામી ઉઠયો પ્રબુદ્ધતા.

પૃથ્વીમાતાતણું હૈયું સ્થિર ચેતનહીન જે

તે પરે એ ઢાળી હતી,

અને ત્યાંથી હતી જોતી શાખાઓ લીલમે  સજી

હતી ઉપરથી નીચે ઝૂકતી ને મંત્રમુગ્ધ સ્વજીવને

સૂતેલી નીંદ કેરી રક્ષા જે કરતી હતી;

હતી ઉપર ત્યાં એક નીલપાંખાળ સંમુદા

પાંખોને ફફડાવતી,

ડાળથી ડાળ ઊડીને તાર સૂરે સાદ જે કરતી હતી.

જાદૂભરી અરણ્યોની એકાંત ગૂઢતામહીં,

પર્ણલીલમની  જાળીમહીંથી ડોકિયાં કરી,

તંદ્રાએ વ્યાપ્ત વ્યોમોમાં ઢળી આરામ સેવતો

દિન ઓછો થતો થતો

સંધ્યાની શાંતિમાં ધીરે પોઢવા વળતો હતો.

સત્યવાનતણો દેહ પ્રાણવાન બન્યો હતો

તેને આશ્લેષમાં ધારી સાવિત્રી દાબતી હતી:

હયાતીના અને શ્વસોચ્છવાસના મૌન હર્ષને

લહેતા નિજ દેહ પે

વક્ષ વચ્ચે, નિષેવાતા ઉષ્માપૂર્ણ મહાસુખે

સત્યવાનતણો શીર્ષભાર આનંદ આપતો

સાવિત્રીએ ધર્યો હતો;

એનાં અંગોમહીં ભાર ભર્યો 'તો સ્વર્ગધામનો,

૧૭૯


   

એના સ્પર્શમહીં શ્રેયપ્રેય સૌ વસ્તુઓતણું

રહ્યું 'તું એકઠું થઇ,

અને સાવિત્રીનું સકલ જીવન

સત્યવાનતણાં  જીવનના ભાને ભર્યું હતું;

સાવિત્રી સર્વે આત્માથી આલિંગને આત્માને સત્યવાનના

સંમુદા માણતી હતી.

દૂર-સુદૂરતા એની પારવાર સમાધિની

થઇ દૂર ગઈ હતી;

બની ગઈ હતી પાછી માનુષી એ, સાવિત્રી પૃથિવીતણી,

 છતાંય એ લહેતી 'તી પોતાનામાં પલટો હદપારનો.

ધરાર્થે અતિશે મોટી શકિત એક એને ચૈત્યે વસી હતી,

સ્વર્ગાર્થે અતિશે ભવ્ય મહામોદ એને હૈયે રહ્યો હતો.

વિચાર-અર્થ અત્યંત તીવ્ર એવી મહાધુતિ,

પૃથ્વીની લાગણીઓ જે ધારવાને સમર્થ ના

એવો પ્રેમ અસીમ, તે

સાવિત્રીનાં મનોવ્યોમો અજવાળી રહ્યાં હતાં,

ને આત્માને સુખે પૂર્ણ અગાધ સાગરોમહીં

પરિવ્યાપ્ત થયાં હતાં.

એનાં દિવ્ય મનોભાવ કેરી નિષ્ક્રિયતા કને

આવ્યું ઉપસરી સર્વ જે લોકે છે પવિત્ર તે.

કરતો સ્વ વિચારોને વ્યક્ત એક અદભુત સ્વર મૌનનો.

સ્થળ ને કાળમાં જે જે હતું તે સૌ સાવિત્રી નિજ માનતી;

એનામાં સઘળાંયે એ ગતિમાન થતાં હતાં,

એનાથી જીવતાં 'તાં ને હતાં અસ્તિત્વ ધારતાં,

બૃહદ્ બ્રહ્યાંડ આખુંયે  આનંદાર્થે એને વળગતું હતું,

સર્જાયું એ હતું લીન થવા એના પ્રેમાલિંગનની મહીં.

સ્થલાતીત હવે એના મર્યાદામુક્ત આત્મમાં

અસંખ્યા વરસો દીર્ધ લંબાયેલી ક્ષણો શાં લાગતાં હતાં,

દિપ્ત કાળ-કણો ઝીણા સનાતન સમાતણા. 

ઊડી આગળ આવેલા કોઈ એક વિહંગ શાં

સાવિત્રીના પ્રભાતો પૃથ્વીતણાં

કો જ્યોતિર્મય આનંદ કેરાં ઉડ્ડયનો હતાં.

અનંતાતણું એક રૂપ નિઃસીમ એ હતી.

ક્ષણો ધબકારામાં લવે લીન થયા વિના

૧૮૦


   

આત્મા એનો લહેતો 'તો ભાવી અંત ન પામતું

ને આરંભ  પામતા

સમસ્ત ભૂતની સાથે નિવાસ કરતો હતો.

ઉઘાડ વિજયી એક ઉષા કેરો હતું જીવન એહનું,

વીતી ગયેલ ને જન્મ ના પામેલા

દિનો સંયુક્ત પોતાનાં સ્વપ્નાં સાથે થયા હતા,

પુરાણી લોપ પામેલી સંધ્યાઓ ને સુદૂરથી

આવી રહેલ મધ્યાહનો, પૂર્વજ્ઞાન ધરાવતી

ઘટિકાઓતણું દૃશ્ય એને સૂચવતાં હતાં.

ધ્યાયંત સંમુદામાં એ ચતાપાટ ક્ષણ એક ઢળી રહી,

જાગ્રત્ સમાધિનો ભાવ સહાશ્ચર્ય નિષેવતી;

પછીથી અડધી ઊઠી આસપાસ એણે નજર ફેરવી

જાણે મેળવવા પાછાં સૂત્ર જૂાનાં નજીવાં તોય મીઠડાં,

વિચારો સુખિયા જૂાના સંઘરેલાં સ્મરણો લઘુ કીમતી,

ને ગૂંથી તે બધાં એક અમરાહ બનાવવા.

રહી સતત એ ધારી સ્વ હૈયાનું હતું જે સ્વર્ગ તેહને

--પોતાના પ્રિયને મંત્રમુગ્ધ જે ઊતર્યો હતો

કો અગાધ સુષુપ્તીમાં,

સંમતિ આપનારા બે લોક કેરી કિનાર પે

અભાન એક બાલાત્મા સમો શાંત ઢળેલો સુખ- નીંદરે.

સ્વ પ્રેમી પર સાવિત્રી કિન્તુ અચિર ઝૂકતી

ને એનું મન બોલાવી પોતાની પ્રતિ લાવવા

ફરતો સ્પર્શ પોતાનો સમર્પંતી એને બીડેલ પોપચે;

પ્રબલામોદની એની દૃષ્ટિ સ્થિર ઠરી હતી,

ન હવે ઝંખને ભરી,

કિન્તુ નિઃસીમ આનંદે યા સર્વોચ્ચ પરાકોટિ પહોંચતા

સંતોષે બૃહતી બની;

હતી વિશુદ્ધિ એનામાં દેવોના ગાઢ ભાવની.

કામના પાંખ પોતાની હતી ના ફફડાવતી;

કેમ કે વ્યોમનો લીન કાબુ જેમ વશ વિસ્તારને કરે

ને લેવા ભૂમિને ભેટે સૌ દિશાથી આવે આકાશ ઊતરી,

તેમ ગુંબજ-આકારે કિરણો સ્વર્ગલોકનાં

ઊતર્યે જે બને તેવું બન્યું હતું,

શાન્ત પ્રહર્ષણે પૂર્ણ, બેશુમાર સલામતી.

૧૮૧


   

પછી એનો થતાં  સ્પર્શ ફૂલ શાં સત્યવાનનાં

પોપચાં પરથી ઊઠી નિદ્રા નિઃશ્વાસ નાખતી,

મૃદુ પાંખો પ્રસારીને માથે ચક્કર મારતી

થઇ વિદાય ઊડીને રવ મર્મરતો કરી.

જાગ્યો એ, જોયું કે આંખો સાવિત્રીની

એની આંખોતણી રાહ હતી જોઈ રહી તહીં,

સાવિત્રીના હસ્ત કેરી એને સંવેદના થઇ,

જોઈ એણે ધરા, ધામ નિજ એને ફરી પાછું અપાયલું.

બનાવાયેલ સાવિત્રી પાછી પોતાતણી ફરી,

સાવિત્રી જે હતી સૌ કૈં એના ગાઢાનુરાગનું.

બાહુને વલયે એણે લીધો એને દૃઢબંધમહીં ગ્રહી,

જીવંત હતી ગ્રંથિ એ સ્વસ્વામિત્વ ગાઢ ગાઢ બનાવતી,

અટકી પડતે ઓઠે એ એનું નામ મર્મર્યો,

ને અસ્પષ્ટપણે યાદ કરી આશ્ચર્ય ઊચર્યો,

" સ્નેહશૃંખલથી બદ્ધ મને-આ બંદિને, કહે

ક્યાંથી આણેલ છે પાછો તેં હ્યાં તારી સમીપમાં,

સૂર્યનાં કિરણો કેરી દીવાલોમાં, સાવિત્રી ! સ્વર્ણકાંતિ હે !

મંજૂાષા સર્વ માધુર્યે ભરી, ઓ હે ! કહે મને,

દેવતામૂર્ત્તિ ને નારી ચંદ્રિકા મુજ આત્મની ?

કેમ કે સાથમાં તારા, ખાતરી છે, અજાણ્યાં જગતોમહીં

મુસાફરી કરી છે મેં મારી પાછળ આવતા

તારા આત્માનુસારમાં,

કરી છે આપણે બેએ રાત્રિ કેરાં દ્વારોની અવહેલના;

પાછો વળી ગયો છું હું સ્વર્ગના સુખ પાસથી,

તારા વિના અધૂરું હું માનું છું સુખધામ એ.

રે ! હવે ક્યાં ગયો ચાલી પેલો ઘોર સ્વરૂપનો

ઉભો જે આપણી સામે થયો 'તો તે આત્મા કેવળ રિક્તનો,

મૃત્યુ ને શૂન્યને માટે કરતો 'તો દવે જે દુનિયા પરે,

આત્મા ને પરમાત્માનો કરતો ઇનકાર જે ?

કે પછી એ બધું એક હતું સ્વપ્ન કે કો આભાસ-દર્શન

આત્માની એક નીંદરે,

કે કાળના વિરોધોનું પ્રતીકાત્મક રૂપ કો,

કે માર્ગ અજવાળંતી અંધકાર કેરા કોક દબાણથી

અર્થસૂચક ઉલ્કા એ ચેતાવાયેલ ચેતને,

૧૮૨


   

કે સમુદ્રની મધ્યે મૃત્યુ કેરી તારાર્થે માર્ગદર્શિકા,

કે જે સ્વજ્યોતિની સાહ્યે યાદૃચ્છાના માર્ગોએ જામતી ઠઠે

નાળીમાં કાઢતી શોધી જીવને જે આવ્યો છે સૃષ્ટિ-સાહસે,

ચાર રૂપ બનીને હ્યાં યાત્રાએ શાશ્વતીથકી ? "

પરંતુ ત્યાં સાવિત્રી ઉત્તરે વદી,

" પડયાં જે આપણે છૂટાં તે તો કેવળ સ્વપ્ન છે;

આપણે સાથમાં છીએ, જીવતાં, સત્યવાન હે !

જો સત્યવાન ! તું તારી આસપાસ આપણું ગૃહ આ અને

આ અરણ્ય સુખે પૂર્ણ, કશોયે જ્યાં ફેફર થયો નથી;

સહસ્રો સ્વર એવા ને એવા ત્યાં સંભળાય છે,

પાંદડાંમાં થઈને જો વાયુ મર્મર વાય છે,

લીલમી દૃશ્યમાંયે જો જ્યાં બાકોરાં બનેલ છે

ત્યાં તેમાં થઈને વ્યોમ સાંજનું નજરે પડે,

પ્રભુનું નીલ વર્ણનું

જો વિતાને આશરો જે આપણી જિંદગીતણો,         

હૈયાના હર્ષ ખાલી કરે કૂજી વુહંગમો ,

પાંખાળા કવિ એકાંન્ત આપણા અહીં રાજ્યના અહીં

ભૂ પરે આપણા મિત્ર, રાજા-રાણી આપણે જ્યાં વિરાજતાં.

માત્ર છે પૂઠળે છોડી મૃત્યુ-રાત્રિ આત્માઓએ જ આપણા

સ્વરૂપાંતર પામીને ઓજસ્વી એક સ્વપ્નની

સત્યતાના પ્રભાવથી,

પ્રતીકાત્મક લોકોની પ્રભા ઝીલી પ્રકાશતા,

આશ્ચર્યે કરતા સ્તબ્ધ શિખરે વસ્તુજાતના

જ્યોતિ:સ્નાત બની જતા,

સીમાતીત અને મુક્ત

આત્માઓ આપણા ઊભા હતા દ્વારે પરમાત્મસ્વરૂપના."

 

પછી ઉભાં થયાં બન્ને મહિમાએ સ્વ સૌભાગ્યતણા ભર્યાં,

અંગુલીઓ મધ્ય ઘાલી અંગુલીઓ સુરક્ષિતા,

આલંબ્યાં એકબીજાને અવરે અવલોકતાં.

પણ એ નિજ હૈયામાં નવા આશ્ચર્યથી ભર્યો

ને આંખોમાં અર્ચનાની અર્ચિ એક નવી ધરી

વધો, " તારી મહીં આ શું દિવ્ય દિવ્ય રૂપાંતર થયેલ છે ?

ઓ સાવિત્રી ! સદાયે તું સુપ્રસન્ન શુભા હતી

૧૮૩


   

દેવી પ્રશાંતિએ પૂર્ણ અને પાવનરૂપિણી,

પરંતુ માનુષી તારા અંશોએ તું હતી વધુ પ્રિયા મને,

પૃથ્વી કેરું પ્રદાન એ

દિવ્ય જે તું હતી તેને વધુ દિવ્ય બનાવતું.

મૂર્ત્તિ મૌનમયી મારા આત્માના દેવમંદિરે,

ઝંખના કરતી દેવી, વધુ સુવર્ણશોભિની,

મારા આરાધના કેરા ભાવને આણતી વશે,

ઈચ્છાને મુજ એ એના લક્ષ્ય પાસે ઝુકાવતી,

લેતી આશ્લેષમાં મારા સાહસી ઘૃષ્ટ ભાવને,

દેહ-દેહી ઉભે આપી

દાવો મારી જિંદગીની જાગીરી પર રાખતી,

મારા પ્રહર્ષની દાવે સ્વામિની, ને

મારા પ્રેમતણી મીઠી માલમત્તા ઉપરે હક રાખતી.

હવે કિન્તુ જણાતું કે તું છે એવી મહોચ્ચ ને

માહાત્મ્યથી ભરેલી કે પૂજાઓ પ્રાય મર્ત્યની

તારી આગળ વામણી;

તારા પદતળે કાળ ચતોપાટ પડેલ છે,

આખું ભુવન ભાસે છે માત્ર તારા એકાદા અંશના સમું,

તારું સાન્નિધ્ધ છે મૌનીભૂત સ્વર્ગ જેમાં મારો નિવાસ છે,

તારાઓની મીટમાં તું મને જોઈ રહેલ છે

તે છતાં મુજ આત્માની રખેવાળી કરે તું પૃથિવી પરે,

મારું જીવન છે તારા

સ્વપ્નસેવી વિચારોના એક મર્મરના સમું,

મારાં પ્રભાત છે તારા આત્મા કેરી પાંખોની પુલકપ્રભા,

ને ભાગ તુજ સૌન્દર્ય કેરો દિવસરાત છે.

લીધું શું તેં નથી મારું હૈયું તારા હૈયાના પરિવેશની

સૂરક્ષામાં રાખવાને સંઘરી નિધિ શું ગણી ?

મૌનમાંથી અને નિદ્રામાંથી પામી પ્રબોધતા

તારે લીધે કબૂલી છે મેં અસ્તિત્વતણી સ્થિતિ.

મારા જીવનની મર્ત્ય વૃત્તરેખા

લંબાવી છે મેં તારા જ પ્રભાવથી,

ને હવે નકશાઓમાં ન અંકાયેલ દૂરનાં

આનંત્યો મુજ કાજે તેં આણ્યાં છે ઉપહારમાં

ને સીમા એમને નથી.

૧૮૪


   

તેમને પૂરાવા માટે જો તું તારાં ઊડણો પુણ્ય સેવશે

તોયે આ માનુષી મારી માટી તારી માગશે મહતી મુદા :

હજીએ જિંદગી મારી તારા દ્વારા હર્ષગાન બનાવ તું,

ને મારા સર્વ મૌનને

તારે સંગે બનાવી દે વિશાળું ને ગભીર તું."

બહાલી આપતી રાણી સ્વર્ગ કેરી ઈચ્છાને સત્યવાનની,

સાવિત્રીએ ગ્રહ્યા  એના પાપ આશ્લેષની મહીં;

રેશમી મૃદુતાયુક્ત પ્રેમ કેરા દુકૂલ શા

અલકો મંદિરાકારે ચરણો ફરતા ધરી,

મંજુ મર્મરતી વીણા સમ એ મંદ ત્યાં વદી :

:" હવે સૌ બદલાયું છે છતાંયે છે એનું એ જ હજીય સૌ.

દૃષ્ટિપાત કર્યો છે, જો, આપણે પ્રભુને મુખે,

આરંભ દિવ્યતાથી છે આપણા જીવને કર્યો.

છે આપણે અનુભવી પરમાત્મા સાથે એકસ્વરૂપતા ,

એનો આશય જાણ્યો છે આપણાં આ માનવી જીવનોમહીં.

મહત્તર બનેલો છે એ ઓજસ્વી સ્પર્શથી પ્રેમ આપણો

ને એને છે થયું જ્ઞાન પોતાના દિવ્ય અર્થનું,

ને છતાં ન કશું નાશ પામ્યું  મર્ત્ય પ્રેમ કેરા પ્રમોદનું.

સ્વર્ગના સ્પર્શથી સિદ્ધ થાય છે સુકૃતાર્થતા

પરંતુ આપણી પ્રુથ્વી એથી રદ થતી નથી :

ધરા પર શરીરોને આપણાં આ છે જરૂર પરસ્પર;

છતાંયે માનુષી હૈયા કેરાં સ્પંદન આપણાં

તીવ્રાનુરાગથી પૂર્ણ ગાઢ ગાઢ, આપણાં હૃદયો મહીં

આવૃત્તિ કરતાં રે' છે છૂપા સ્વર્ગીય  છંદની.

તેની તે જ છતાં છું હું

આ અરણ્યણે પ્રાંતે સૂર્યે ઉજજવલ પર્ણના

મર્મરાટતણી્  મધ્યે આવેલી તુજ પાસ જે

તે જ હું મદ્રની બાલા, સાવિત્રી તે જ તે જ છું.

પૂર્વે જે હું હતી તારે માટે તે હું પૂર્ણ રૂપે હજીય છું,

તારા સર્વે વિચારોની, આશાઓ ને શ્રમોતણી

છું અંતરંગ સંગાથી સુખિયાં પ્રતિકૂલ સૌ

જોડીશ તુજ કાજ હું.

મીઠા સંબંધ સંલગ્ન થયેલા છે આપણા જીવને બધા,

તું મારું રાજ્ય છે તેમ તારું હું પણ રાજ્ય છું,

૧૮૫


   

છું શાસિકા તથા દાસી હું તારી કામનાણી,

સ્વામિની પ્રણતા છું હું, ભગિની તુજ આત્મની,

મા છું તારી જરૂરોની; તું છે મારું ચરાચર,

છે આવશ્યકતા જેની મને તે તું વસુન્ધરા,

મારા વિચાર વાંછે જે તે મારું સ્વર્ગધામ તું,

તું વિશ્વ જ્યાં વસું છું હું, મારો આરાધ્ય દેવ તું.

તારું શરીર છે પૂર્ત્તિરૂપ મારા શરીરની,

તારા પ્રત્યંગને પ્રાર્થે અંગ મારું પ્રતિ-ઉત્તર આપતું,

તારું હૃદય છે ચાવી મારી સર્વે હૈયાની ધબકોતણી,

હે સત્યવાન ! આ છું હું તારે માટે

અને મારે માટેયે તું સમસ્ત આ.

નવેસર શરૂ થતું

જિંદગીમાં થઇ યુક્ત સહચારિત્વ આપણું,

હર્ષ કો ન થતો લુપ્ત, લુપ્ત ના કો ઊંડાણે મર્ત્ય મોદનું;

નવું જગત જે એનું એ જ છે  તેમહીં થઇ

જઈએ આપણે, ચલો.

કેમ કે આપવામાં એ પાછું આવેલ છે છતાં

જ્ઞાત આપણ બેઉને,

છે એ પ્રભુતણું ક્રીડાક્ષેત્ર, સ્થાન નિવાસનું

જ્યાં જાતને છુપાવે એ પશુ-પક્ષી-મનુષ્યમાં,

પ્રેમ ને એકતા દ્વારા પાછી એને સહમાધુર્ય પામવા.

એનું સાન્નિધ્ય દોરે છે જિંદગીના લયો બધા,

દુ:ખ હોવા છતાંએ જે રહ્યા શોધી એકબીજાતણી મુદા.

આપણે એકબીજાને શોધી કાઢેલ આત્મની

મહાજ્યોતિમહીં પ્રાપ્ત કર્યાં છે, સત્યવાન હે !

ચાલો પાછાં જઈએ છે સંધ્યાકાળ નભોમહીં.

મરી શોક ગયો છે ને આયખાના દિનોતણું

બની હાર્દ હમેશનું

હવે પ્રસન્ન આનંદ રહ્યો છે અવશેષમાં.

જો, આ જીવો બધા કેવા છે આ અદભુત લોકમાં !

ચાલો, સૌનેય આનંદ આપીએ જે આપણો છે બની ગયો.

કેમ કે નિજ માટે જ નથી આવ્યા આત્માઓ આપણા અહીં,

પટ અવ્યક્તનો ભેદી

રહસ્યમય ને સીમાતીત અજ્ઞેયમાંહ્યથી,

૧૮૬


   

સંદિગ્ધ પૃથિવી કેરા અજ્ઞાન હૃદયે અહીં

પરિશ્રમે મચેલા ને ઢૂંઢતા માનવોતણી

રીતિઓ અપનાવવા:

છે બે અગ્નિઓ સૂર્ય પિતા પ્રત્યે પ્રજવલંત બની જતા,

રશ્મિ એ બે આદી જ્યોતિ પ્રત્યે યાત્રી બની જતાં.

થયો છે આપણો જન્મ સત્ય ને પ્રભુની પ્રતિ

દોરી લઇ જવા માટે જીવને માનવીતણા,

ચિત્ર-વિચિત્ર છે જે આ મર્ત્ય-જીવન-યોજના

તેને અમર-આત્માના માનચિત્ર કેરું સ્વરૂપ આપવા,

પ્રભુના પ્રતિબિંબને

વધારે મળતા રૂપે ઘડવા રૂપ એહનું,

સમીપતરતા એને આપવાને ભાવની દિવ્યતાતણા."

સંવત્સરોતણી યાત્રા ચાલે છે તે મહીં થઇ,

હંમેશા નિજ હૈયાએ સજાયેલો રાખવા સત્યવાનને

સાવિત્રીએ ભુજા મધ્યે જાણે એના વક્ષ ને શિરને ધર્યું.

આમ ક્ષણેક એ ઊભાં ગૂંથાયેલાં ઉભયે એકમેક શું,

ચુંબન એમનું અને

ભાવના લયથી યુક્ત આશ્લેષ એમનો બન્યો

કેન્દ્ર મિલનનું ઓતપ્રોત ઉભય આત્મમાં 

એકરૂપ હમેશના,

આત્મદ્ધય  અને દેહદ્વય રૂપે કાલે આનંદ માણવા.

પછી બન્ને મિલાવીને હાથ શું હાથ, છોડતાં

ધીરગંભીર એ સ્થાન, હતું જેહ હવે ભર્યું

મૂક્ભાવી અસામાન્ય સ્મૃતિઓએ, વનને હૃદયે થઇ

વળ્યાં પાછાં ઉભે ધીરે દૂર લીલું હતું સ્વગૃહ વન્ય જ્યાં :

સંધ્યામાં પલટો પામ્યો અપરાહણ એમની આસપાસમાં,

પ્રભા સરકતી નીચે કિનારીએ સૂતી પ્રસન્નતા ભરી,

ને પાંખો પર પક્ષીઓ આવ્યાં પાછાં પોતાના નીડની ભણી,

આલંબ્યાં દિન ને રાત એકબીજાતણા ભુજો.

 

આસપાસ હવે સાંધ્ય છાયે છાયેલ પાદપો

ઊભાં ધારી સપીપતા

સત્ત્વો સ્વપ્નસ્થ ના હોય તેવાં, રાત્રીને વિલંબ કરાવતાં,

ધૂરનયના સંધ્યા મગ્ન ચિન્તનની મહીં

૧૮૭


   

તેમનાં પગલાં કેરા ધ્વનિને સુણતી હતી,

ને સર્વે દિગ્-વિભાગોથી ચતુષ્પાદ નિશાચરો

કેરા અવાજની સાથે હિલચાલોય એમની

સમીપે આવતી હતી.

પછી તો ઊઠતો જાગી કો કોલાહલ માનુષી,

દીર્ધકાલીન એકાંતે એમના જે વિદેશીય સમો હતો,

પર્ણો કેરી મનોહારી અટવીની ઉપરે આવતો ચડી,

હતું એકલ એકાન્ત સુપવિત્ર,

તેની અક્ષત નિદ્રાને બલાત્કારે પ્રભંજતો.

અવગુંઠિત સંધ્યાને વીંધીને એ હજી ઘેરો થતો હતો,

અનેક તરતા સ્વરો

ને ધ્વનિ પગલાંઓના આવતા 'તા સમીપમાં

ને જાણે રંગનું મોજું આવ્યું ના હોય ઊમટી

તેમ ભભક ને ભીડ ભર્યું ઉઘત ઉઘમે

જીવન માનવીઓનું થયું પ્રત્યક્ષ આંખને.

ભભૂકંત મશાલો ત્યાં આવી પ્રથમ દોરતી,

ભવ્ય ઝળહળાટોએ ભર્યું આવી પહોંચ્યું જુાથ તે પછી.

આવ્યું જીવન લ્હેરાતું વ્યવસ્થિત ધમાલથી,

અજાણ્યાં વદનો કેરો પ્રવાહ નિજ લાવતું;

પધોની મસ્તકે સોના-કિનારો સંકુલા હતી,

સોનેરી કસબે જામા ભભકાદાર લાગતા,

ચમકારા મારતાં 'તાં ઘરેણાં ને ઝૂલો ઝબૂકતી હતી,

સેંકડો હાથ લાગ્યા 'તા કામે ડાળો વેગળી કરવા વને,

શોધતી સેંકડો આંખો ગુંચવાયેલ વીથિઓ

શ્વેત વસ્ત્રે સુહાતા તે શાન્તભાવી પુરોહિતો

માધુરી લાવતા'તા ત્યાં નિજ ગંભીર દૃષ્ટિની,

ઝબકારા મારનારાં પોતાનાં કવચે સજ્યા

વીર્યવંતા મહાવીરો પ્રકાશંતા પ્રભાવથી,

પડઘી પાડતા ઘોડા વનવાટે દર્પ દાખવતા હતા.

મોખરે ચાલતા રાજા ધુમત્સેન સમસ્તની,

ન હવે અંધ આંખોએ, ન અંગો સ્ખલતાં હવે,

પરંતુ ખોજતાં દૂર એમનાં નયનો હવે,

પૂરો પ્રકાશનો પત્તો સવિશ્વાસ મેળવી શકતાં હતાં,

જોતાં બની ગયાં 'તાં એ બ્હારના દૃશ્ય વિશ્વને;

૧૮૮


   

એમના રાજવી પાય મંડાતા 'તા ધરાએ દૃઢતા ભર્યા.

એમને પડખે રાણી; માનું ચિંતાભર્યું મુખ

છે હવે બદલાયલું,

રોજના ભારથી લાધું નથી વદન એ હવે,

શ્રમે શ્રાંન્ત બનેલા ને ઢળેલા બળથી ભર્યું

ટકાવી રાખતું 'તું જે વ્હાલાંનાં વિપપ્પતિત   જીવનો.

હતી ચિંતનની આભા રાણી કેરી ધીર પાંડુરતા ભરી,

જેવી ગમનને સમે

એકત્ર જ્યોતિની દાન્ત દૃષ્ટિ સંધ્યાસમાતણી

પૂર્વ દૃષ્ટે નિહાળે છે શિશુ સ્વીય સૂર્યોદય થનાર જે.

ઝગારો હઠતી પીછે એની સંપન્ન જ્યોતિનો,

વિચારપૂર્ણ આગાહી ઉષાના ઊર્મિગીતની,

એવી ક્ષણેક એ જીવી આશાના વિચિન્તને તે

નિજાકાશતણી શાન્ત દીપ્તિમાં ઊતરી જતી.

પોતાનાં બાળકો કેરાં રૂપો એની આંખે પ્રથમ પારખ્યાં.

પરંતુ રમ્ય એ જોડું આવ્યું જ્યાં દૃષ્ટિને પથે

ત્યાં પોકારો થવા માંડયા ક્રમશઃ બઢતા જતા,

તેમનાથી હવા જાગી ઉઠી ક્ષુબ્ધ બની જઈ,

ઉતાવળાં થયાં માતાપિતા, વેગે વધ્યાં સ્વશિશુની કને,

જે નિમિત્ત હતો હાવે પોતાની જિંદગીતણું

અને પોતે જ દીધો 'તો જેને પ્રાણ બની કારણ જન્મનું,

તેમને બાહુઓ એને લઇ આશ્લેષની મહીં

પોતા કેરો બનાવતા.

ધુમત્સેન પછી દેતો ઠપકો સત્યવાનને

વધો કોમલ સૂરથી :

" આજે શુભદ દેવોએ કુપાદૃષ્ટિ મારી પર કરેલ છે,

આવ્યું છે શોધતું રાજ્ય, આવ્યાં છે રશ્મિ સ્વર્ગનાં.

તું પરંતુ કહીં હતો ?

ઓ મારા પૂત !  ઓ મારા પ્રાણ ! તેં અમ હર્ષને

ભયની મંદ છાયાથી ત્રસ્ત ને ગ્રસ્ત છે કર્યો.

અંધારતાં અરણ્યોમાં તને રોક્યો, કહે, કવણ જોખમે ?

કે આના સુખ-સંસર્ગે શું તું ભૂલી ગયો હતો

કે તારા વણ આ મારી આંખો માત્ર બાકોરાં જ, ન અન્યકૈં,

ને તારે કારણે માત્ર એ પ્રસન્ન પ્રકાશથી ?

૧૮૯


   

ને સાવિત્રી ! તનેયે આ કરવું શોભતું ન 'તું,

કે તારા પતિને પાછો તું ન લાવી અમારા ભુજપાશમાં,

જાણ્યા છતાંય કે જો એ અમારી પાસ હોય છે

તો જ ભોજન ભાવે છે, અને સાંજ-સવાર હું

એના પરસને લીધી સંતોષે  રહું જીવતો

મારા બાકી રહેલા દિવસોમહીં."

પરંતુ અધરે ધારી સ્મિત દેતો ઉત્તર સત્યવાન ત્યાં :

" બધોયે દોષ આને દો, આ છે કારણ સર્વનું.

એણે ઝાલી મને લીધો છે એની જાદુ-જાળમાં.

જુઓ, બપોર વેળાએ છોડીને આ માટીકેરા નિવાસને

રઝળ્યો હું દૂર દૂર કેરી શાશ્વતીઓમહીં,

ને છતાં હું બની બંદી આના કનકના કરે

લીલી પૃથ્વીતણે નામે ઓળખાતા તમારા ક્ષુદ્ર ટેકરે

પગલાં છું ભરી રહ્યો,

ને અનિત્ય તમારા આ સૂર્ય કેરી ક્ષણોમહીં

ઉધોગી માનવીઓનાં કર્મ મધ્યે આ જીવું સુખથી ભર્યો."

પછી તો સઘળી આંખો આશ્ચર્યે ભર દૃષ્ટિએ

વળી ઉદાત્ત જ્યાં ઊભી હતી બાળા મનોજ્ઞ ત્યાં:

ગાલે એને હતું સોનું થતું સાન્દ્ર વધારે રકિતમાં ધરી,

ઢળેલાં પોપચાં હતાં,

અને સંમતિ દેનારો જાગ્યો એક વિચાર સર્વને ઉરે :

" સંધ્યાની શ્યામિકામહીં 

દીપ્તિની આંકતી રેખા, માનુષી સત્યવાનને

પડખે કોણ ઊભી છે પેલી નીરવતા ધરી

ધરા કે સ્વર્ગધામોની જ્યોતિ આશ્ચર્યથી ભરી ?

લોકોએ સાંભળ્યું છે  જેને અંગે તે જ તે યદિ હોય તો

શુભ કો પલટે કોઈ જરાયે ના તાજુબી બતલાવતા.

મહાસુખભર્યે જે જે સ્હેલાઈથી ચમત્કાર થયેલ છે

તે રૂપાંતરતા દેતા એના હૈયાતણી જ રસસિદ્ધિ છે."

પછી કોક પુરોધા કે મુની જેવો જાણતો એક ઊચર્યો :

" આત્મા ઓ સ્ત્રીસ્વરૂપમાં !

કઈ જ્યોતિ, કઈ શકિત, આજે જે શીઘ્ર છે થયાં

તે  આશ્ચર્યોતણું કાર્ય તારા દ્વારા કરવા પ્રક્ટેલ છે,

અમારે કાજ આરંભ કરે છે જે યુગનો સુખશર્મના ? "

૧૯૦


   

ઊચે ફરકતી એની પાંપણો એક દર્શને

સમાહિત થઇ જેમાં હતી એણે જોઈ અમર વસ્તુઓ,

હરખાઈ નિજાનંદ માટે મનુષ્યલોકનાં

રૂપો એણે સમાવ્યાં નિજ દર્શને.

અગાધ શિશુભાવથી

ભર્યા માતૃત્વને માટે દાવો એ કરતી હતી

જિંદગી સર્વ જીવોની આ બનાવી દેવાનો નિજ જિંદગી.

પડી પાંપણ તે સથે પ્રકાશે પડદો પડયો :

" મારા હૈયાતણા હાર્દ પ્રતિ જાગૃતિ પામતાં

જાણ્યું કે પ્રેમની ને એકતાની અનુભૂતિ જ જિંદગી,

ને આપણા સુનેરી આ પરિવર્તનની મહીં

છે આ જાદૂ પ્રવર્તતો,

સત્ય સમસ્ત છે આ જ, મુનિદેવ !

જાણું જે હું અને જેને પામવાને માટે પ્રયાસ હું કરું."

અત્યંત જ્યોતિએ પૂર્ણ આ શબ્દોએ આશ્ચર્યે મગ્ન સૌ થઇ

શીઘ્ર ઘેરી થતી રાતે પગલાંઓ વાળતા પશ્ચિમ પ્રતિ.

 

જાળાં-ઝાંખરથી ગૂંથ્યો વનપ્રાન્ત વટાવતાં

આવ્યાં એ ઝાંખપે પોઢી રહી 'તી ભૂમિ તે મહીં,

ને એની મૂર્છનાલીન ઘોરતી સમભોમમાં

થઇ આગળ ઊપડયાં.

એકાન્ત રાત્રિનું તૂટ્યું મર્મરાટે, ગતિએ ને મનુષ્યનાં

પડતાં પગલાં વડે.

અસ્પષ્ટ ધ્વનિએ પૂર્ણ જીવનોદધિમાંહ્યથી

હણહણાટ અશ્વોના ઊઠતા 'તા ને પ્રયાણોતણે પથે

પડઘીઓતણા નાદો સંવાદી બઢતા હતા,

ઘરની ગમ જાનારા રથના એ હતા સ્વરો,

જોતર્યો શ્વેત અશ્વોએ ઊંચા છત્રયુક્ત એક મહારથે,

અસ્થિર ભડકાઓમાં  ભભકંત  મશાલના,

હાથ શું મેળવી હાથ સાવિત્રી ને સત્યવાન જતાં હતાં,

સુણતાં  વરઘોડાનાં ને વૈવાહિક ગાન ત્યાં

અનેકકંઠ લોકોનું વિશ્વ જ્યાં વાટ એમની

રહ્યું 'તું જોઈ તે દિશે.

છાયાળા એમના ક્ષેત્રે અસંખ્યાત તારકો તરતા હતા,

૧૯૧


   અંધકારમહીં માર્ગો આંકનારા પ્રકાશના.

પછી જેવાં જતાં 'તાં એ દખણાતી કિનારને

ધારે ધારે વટાવતાં,

તેવે ત્યાં ચિંતને મગ્ન લીન સ્વપરિવેષમાં

રાત્રિએ ઊજળું રાજ્ય પોતાનું કબજે કર્યું,

રૂપેરી શાન્તિમાં સ્વર્ગે સ્વપ્ન સેવંત ચંદ્રથી

દીપતી એ બની ગઈ.

રહસ્યે પૂર્ણ પોતાના સંપુટોમાં  પ્રકાશના

સાચવી ગૂઢ રાખેલા એક વિચારની પરે

નિજ નિઃસ્તબ્ધતામાંથી એણે ચિંતન આદર્યું

અને સ્વહૃદયે પાળ્યું-પોષ્યું એક મહત્તર પ્રભાતને

૧૯૨


બારમું પર્વ સમાપ્ત

 

સાવિત્રી  મહાકાવ્ય સમાપ્ત









Let us co-create the website.

Share your feedback. Help us improve. Or ask a question.

Image Description
Connect for updates