સાવિત્રી

Sri Aurobindo symbol
Sri Aurobindo

Sri Aurobindo's major poetic work, an epic in blank verse. In Savitri, a legend from the Mahabharata becomes the symbol of the human soul's spiritual destiny. In poetic language, Sri Aurobindo describes his vision of existence and explores the reason for ignorance, darkness, suffering and pain, the purpose of life on earth and the prospect of a glorious future for humanity. The writing of the epic extended over much of the later part of his life.

Sri Aurobindo Birth Centenary Library (SABCL) Savitri Vols. 28,29 816 pages 1970 Edition
English
 PDF     Poems
Sri Aurobindo symbol
Sri Aurobindo

Sri Aurobindo's major poetic work, an epic in blank verse. In Savitri, a legend from the Mahabharata becomes the symbol of the human soul's spiritual destiny. In poetic language, Sri Aurobindo describes his vision of existence and explores the reason for ignorance, darkness, suffering and pain, the purpose of life on earth and the prospect of a glorious future for humanity. The writing of the epic extended over much of the later part of his life.

Gujarati Translations of books by Sri Aurobindo સાવિત્રી 1973 Edition
Gujarati Translation
Translator:   Pujalal

સર્ગ  ત્રીજો

સત્યવાન  અને સાવિત્રી

 

વસ્તુનિર્દેશ

        

           ભૂતકાળની રવરહિત રહસ્યમયતામાંથી, ભુલાઈ ગયેલા સંબંધોની બાબતમાં અણજાણ વર્તમાનમાં એ બે આત્માઓ કાળના માર્ગોએ મળ્યા.

            આહલાદક સ્વરના પ્રથમ સાદે, વિધિનિર્મિત મુખના પ્રથમ દર્શને ઉભયને અન્યોન્યનું ભાન થયગયું. અંદરથી પૂરેપૂરું ઓળખાણ હોય તો પણ બાહ્ય ઇન્દ્રિયોના અને મનના અજ્ઞાનના પડદા પાછળથી અલ્પમાત્રા બહાર પ્રકટ થય છે. આત્મા હૈયાને ખુલ્લું કરી દેનારા શબ્દને માટે, અંતરાત્માની આવશ્યકતાને પ્રકટ કરતી વાણી માટે પ્રયત્ન કરે છે. સ્મૃતિ જ્યાં વિલુપ્ત હતી, એકતા સંવેદાતી હોવા છતાં જ્યાં ચૂકી જવાતી હતી ત્યાં સત્યવાને સાવિત્રીને પ્રથમ સંબોધી :

            " ઓ હે ! કાળની નીરવતામાંથી આવેલી તું કોણ છે ?  તારા સ્વરે મારા હૃદયને અવિજ્ઞાત મહામુદા પ્રત્યે પ્રબુદ્ધ બનાવ્યું છે. શું તું કોઈ અમરી છે કે માત્ર માનવ શરીરે જ મર્ત્ય છે ?  મનુષ્યોમાં તું કયે નામે ઓળખાય છે ? વસંત ને વસંતનાં પુષ્પોથી પણ તું વધારે પ્રફુલ્લ છે. શું સૂર્યપ્રકાશે તારું સોનેરી શરીર ધારણ કર્યું છે ?  તને જોઈને લાગે છે કે મોટા મોટા દેવો પૃથ્વીના મિત્રો બની ગયા છે.

               મારા યાત્રી આત્માએ ઘણું ઘણું જોયું છે ને જાણ્યું છે. પૃથ્વી પોતાની શક્તિઓને મારાથી છૂપી રાખી શકતી  નથી. પરિચિત દૃશ્યોમાં પ્રભુ મારી સામે મીટ માંડે છે. ઉષાનો વિવાહોત્સવ મેં નિહાળ્યો છે; દિવસે અને રાત્રીએ પોતાનાં ગુપ્ત સ્વરૂપો મારી આગળ પ્રકટ કર્યાં છે; અલૌકિક આકાશવાણીઓ મેં સાંભળી છે; અપ્સરાઓની જલક્રીડાઓ મેં જોઈ છે; વનદેવતાઓનાં દર્શન કર્યાં છે અને સૂર્યનાં રાજ્સ્વરૂપોનો  સાક્ષાત્કાર કર્યો છે. અને આજે આ તને જોઉં છું. તારું માનવી માધુર્ય, તારું સોનેરી હૃદય એક પૃથ્વીજાયાને પ્રત્યુત્તર આપી શકે, પૃથ્વીની સાદી વસ્તુઓ તારે માટે સુખદાયક બની શકે, અમારાં અન્નજળનો તું આસ્વાદ માણી શકે તો તારા રથમાંથી અહીં ઊતરી આવ અને અમારી અતિથિ બની જા. પાસે જ

૮૦


મારા પિતાજીનો આશ્રમ છે-લતાવિતાનોથી આચ્છાદિત અને રંગબેરંગી મધુર વિહંગમોના ગાનથી ધ્વની ઊઠતો.  ત્યાં મારી સાથે આવ અને પ્રકૃતિ રાણીના રાજ-પ્રસાદમાં પ્રવેશ. "

                સાવિત્રી જરા વાર થંભી, જાણે કે હજીય એનાં વચનોને સાંભળતી ન હોય. પછીથી ધીર ભાવે ધીરેથી બોલી :

               " હું છું મદ્રદેશની રાજકુમારી સાવિત્રી, પણ તું કોણ છે ? ક્યા સંગીતાત્મક નામથી જગતમાં તું જાણીતો થયેલ છે  ?  ક્યા રાજવંશના મહાવૃક્ષની તું સુખી શાખા છે ? અને તારા તેજસ્વી યૌવનને શોભે એવાં વીર કર્મો તજી અહીં તપોવનમાં તું કેમ વસે છે ? "

                ને સત્યવાને સાવિત્રીને ઉત્તરમાં કહ્યું :

                " હું છું મહરાજા ધુમત્સેનનો પુત્ર સત્યવાન. એક સમયે એમની આંખોનું તેજ જગતને આંજી નાખતું હતું ત્યારે આ મહાવૃક્ષોની પાછળ લીલમવર્ણા વનથી માંડીને પેલા પહાડોને પડખે આવેલા અને છેક દક્ષિણાકાશ સુધી પહોંચતા પ્રદેશ પર એમની આણ વર્તતી હતી, પરંતુ ભાગ્યદેવીની અવકૃપા થતાં હવે તે અંદરના તેમ જ બહારના એકાંતમાં અહીં વસો કરીને રહેલા છે. એમનો પુત્ર હું એમની સેવામાં અહીં રહું છું -- પ્રકૃતિના મહારાજ્યનો માલિક બનીને. અહીંનાં સર્વેય સત્ત્વો અને તત્વો મને અદભુત અનુભવો કરાવે છે. ભીતરમાં સંતુષ્ટ રહેતો મારો આત્મા જાણે છે કે દેવત્વ આપણો જન્મસિદ્ધ હક્ક છે. અહીં આવતાં પહેલાંય મારી અંદરના એક પૂર્વજ્ઞાને પૃથ્વી ઉપરની પ્રાણી-ચેતના પ્રતિ મને પ્રેર્યો હતો અને હાલ તો હું એની અંદર એનો અંતરંગ સંગી બનીને રહેલો છું. અરણ્યના અશ્વો, ફાળો ભરતાં હરણાંઓ, અક્લની આંખોથી જોતો કલકલિયો, સરોવરમાં સરતા હંસો, તરુપર્ણોના રહસ્યમય મર્મરાટો, ચમક-ચાંચિયાંઓ, મયૂરો અને અન્ય સુરંગી વિહંગો મારી સ્મૃતિમાં રંગની પીંછીથી ચીતરાઈ ગયેલાં છે. અહીંના આ પર્વતો અને પર્વતકાય મહાવૃક્ષો પ્રભુના વિચારનાં મૂર્ત્તિમંત સ્વરૂપો જેવાં મને જણાય છે, શાશ્વતીના સ્વરના લયો મને શ્રવણગોચર થાય છે, સનાતનનું સૂરીલું સંગીત હું સાંભળું છું.

           આ બધું હોવા છતાંય હું પ્રભુના દેહને આલિંગન આપી શક્યો નથી, જગન્માતાના ચરણોએ આત્માની અંજલિ સમર્પી શક્યો નથી, મહાવનના મુનીઓ સાથે હું ધ્યાનમાં બેસતો ને સર્વમાં રહેલા એકાત્માના સાંનિધ્યની ઝાંખી કરી શકતો, પરંતુ પરમાત્માની સર્વોચ્ચ શક્તિ મને હજી સુધી મળી નથી, જડતત્વ એના પ્રભુ વગર હજુ પોઢેલું જ રહેલું છે. આત્માનો ઉદ્ધાર તો  થયો છે પરંતુ શરીર હજી સુધી અવિદ્યાની અંદર મૃત્યુના સાથમાં રહેલું છે. પણ હવે તો તું આવી છે ને બધું બદલાઈ જવાનું :  તારી કાંત કાંચનમયી કાયામાં મને જગદંબાનો અનુભવ થશે, તારા શબ્દો મને એના પરમ જ્ઞાનની પ્રભા સમર્પશે, આત્માની માફક શરીર પણ વિનિર્મુક્ત

૮૧


 બની જશે, મૃત્યુ ને અજ્ઞાનમાંથી એનો છુટકારો થશે."

           તલ્લીન બની ગયેલી સાવિત્રી બોલી :

           " હજુ આગળ બોલ, સત્યવાન ! તારી જાત વિષે બોલ, અંદરખાને તું કોણ છે તે સર્વ મને સંભળાવ. આપણા આત્માના ધામમાં આપણે સદૈવ સાથે જ રહેતાં હતું એવું મને લાગે છે. મારો અમર આત્મા કહે છે કે પૃથ્વી ઉપરનાં સંખ્યાબંધ રૂપોમાં જેને હું શોધી રહી હતી તે તું જ છે."

             ને બીન આગ્રહભરી બંસરીને જેમ જવાબ વાળે તેમ સત્યવાન બોલ્યો, વાણીના વિવિધરંગી તરંગોમાં એનું હૃદય સાવિત્રી તરફ વહેવા લાગ્યું :

             " ઓ અનવધ સૌન્દર્યની શ્રી, સુવર્ણા રાજકુમારી !  મારા શબ્દોથી કહી શકાય એનાથી ઘણું વધારે હું તને કહેવા માગું છું. દેવોએ પ્રકટાવેલી એક ઘડીના અલ્પાલ્પ સમીપ્યેય મારા જીવનને નવું બનાવી દીધું છે. અત્યાર સુધીમાં મેં જે  જોયું, જાણ્યું અને અનુભવ્યું છે તેણે તો રહસ્યમયતાને વધારે રહસ્યમય બનાવી દીધી છે. હું સૂર્યમાં નહિ પણ માત્ર એના કિરણમાં રહેતો હતો. હું જગતને જોતો ત્યારે આત્માને ને આત્માને જોતો ત્યારે જગતને ગુમાવી બેસતો. મારાં પોતાનાં જ અન્ય સ્વરૂપોને ને પ્રભુના કલેવરને હું ખોતો. પણ હવે તારા ચરણોની સાથે કાંચનની કડી મારી પાસે આવી છે. તારા મુખમાં પ્રકાશતો પ્રભુનો સૂર્ય મને મળ્યો છે. તારા આગમને મારે માટે સર્વ કાંઈ સંસિદ્ધ થઇ ગયું છે. લગાર વધારે પાસે આવ, તારા જ્યોતિર્મય રથમાંથી નીચે ઊતર, અમારા આ તૃણાસ્તીર્ણ ભૂમિતલની અવહેલના કરતી નહિ. ઓ સંમુદાસ્વરૂપિણી સાવિત્રી !  મારા ને તારા ઉભયના આનંદ માટે મારા જીવનમાં પ્રવેશ કર. અમારા આ કાનનકુંજમાં મારી દોરી આવ. ફૂલોની ફોરમમાં પંખીઓના કલરવોને હમેશાં યાદ રહી જાય એવી પળને પ્રકટ થવા દે."

                 સત્યવાનના શબ્દોએ સાવિત્રીના આત્માને લલચાવી હોઠ ઉપર હાજર કર્યો ને એ માત્ર આટલું જ બોલી: "સત્યવાન ! તારાં વચન મેં સાભળ્યાં ને મને જ્ઞાન થયું છે. હું હવે જાણું છું કે તું, એકમાત્ર તું જ તે છે."

                  પછી એ રથમાંથી ઊતરી અને લીલા ઘાસ ઉપર થઈ એણે કાનન-કિનાર પરનાં થોડાં રંગબેરંગી ફૂલ ચૂંટયા ને પ્રેમને તાંતણે ત્વરિત અંગુલિથી તેમની એકવરમાળા ગૂંથી કાઢી અને તે સત્યવાનને કંઠે અર્પણ કરી. સત્યવાને સાવિત્રીને હૃદયે લીધી ને સરિતા સમુદ્રમાં સમાઈ જાય તેમ સાવિત્રીનો આત્મા સત્યવાનના આત્મા સાથે એકાકાર બની ગયો.

                   આ મંગળ પળે પ્રભુનો પોતાની પ્રેયસી સાથે પૃથ્વી ઉપર વિવાહોત્સવ ઊજવાયો. આદર્શના જગતમાં એક માનવ ક્ષણ સનાતન બની ગઈ.

                    પછી સત્યવાન એને પોતાના આશ્રમની દિશામાં દોરી ગયો અને નૈસર્ગિક સૌન્દર્યે સજાયેલી સાવિત્રીની ભાવી પર્ણકુટિ એને બતાવી. કુંજોના વિહંગોનાં મંગળ ગીતડાં સુણતી સુણતી સાવિત્રી આનંદાતિરેકમાં આવી ગઈ ને ધ્રૂજતે સ્વરે

૮૨


 સત્યવાનની વિદાય લેતાં બોલી : " અત્યારે તો મારે મારાં માતાપિતા પાસે દૂર જવું પડશે, પણ મારું હૃદય તો અહીં આ વનની કિનાર પાસેથી પેલી પર્ણકુટીમાં જ રહી ગયું છે. અલ્પ સમયમાં જ મારું પિયર એક પ્રિયજનના વિરહથી વ્યાકુળ થશે. આપણી આ એકતા પોતાના પુનઃપ્રાપ્ત મહાસુખથી કદી પણ વિખૂટી નહિ પડે, ને આપણામાં પ્રાણોચ્છવાસ ચાલતા હશે ત્યાં સુધી વિધિ પણ આપણાં જીવનોને અળગાં પાડી શકશે નહિ."

              સાવિત્રી રથે બેઠી ને દોડતે ઘોડે રાજધાનીની દિશા લઈ ઊપડી. પરંતુ છેક સુધી પેલી વનની કિનાર, પેલી પર્ણકુટી અને તેમના અધિષ્ઠાતા દેવ જેવા સત્યવાનનું સચેતન ચિત્ર એના ચિત્તમાં ચિરંતન ચકાસતું રહ્યું.

 

ભૂતકાળતણા શબ્દહીન રહસ્યમાંહ્યથી

વિસરાયેલ સંબંધો વિષે અજ્ઞાન એવા વર્તમાનમાં

આ આત્માઓતણું કાળ કેરા માર્ગો ઉપરે મળવું થયું.

તે છતાં યે

મંજુ સ્વરતણા પ્હેલા સાદથી ને

પહેલે દર્શને દૈવે નક્કી કીધું હતું તે મુખડાતણા,

સાવધાન બનાવેલા આત્મા ગૂઢસ્થ એમના

તત્કાલ એકબીજાના ભાનવાળા બની ગયા.

બાહ્ય સંવેદના કેરા પડદા પૂઠળે રહી

જયારે ઊંડાણમાંહેથી આત્મા સાદ આત્માને હોય આપતો,

અને હૃદયને ખોલી નાખનારો

શબ્દ મેળવવા માટે કરતો યત્ન હોય છે,

અપેક્ષા ચૈત્યની ખુલ્લી કરનારી

ભાવાવેશ ભરી વાણી માટે સયત્ન હોય છે,

અજ્ઞાન મનનું કિંતુ છાઈ દેતું હોય છે દૃષ્ટિ આંતરા,

સીમાઓમાં થઈ પૃથ્વી-રચી માત્ર

થોડું બ્હાર થતું પ્રકટ હોય છે,

તથા મહત્ત્વથી પૂર્ણ ઘડીએ એ મળતાં ઉભયે હવે,

ઉંડાણોમાં પૂર્ણ રૂપે ઓળખાણ રહેલ છે

કિંતુ સ્મૃતિ વિલુપ્તા છે,

અને ચૂકી જવાયે છે સંવેદાયેલ એકતા.

સાવિત્રી શું સત્યવાન બોલ્યો પ્રથમ આમ ત્યાં :

"મૌનમાંથી કાળ કેરાં આવેલી મુજ પાસ હે !

૮૩


ને છતાં એક અજ્ઞાત સંમુદાની

પ્રત્યે તારા સ્વરે મારું હૈયું પ્રબુદ્ધ છે કર્યું,

છે તું અમર, યા મર્ત્ય માત્ર કેવળ માળખે,

કેમ કે તુજ આત્માની મહીંથી આ પૃથ્વીના કરતાં વધુ

કૈંક વાતો મારી સાથે કરી રહ્યું,

ને તારી દૃષ્ટિએ ઘેરી મને લેતું પૃથ્વીથી અદકું કંઈ,

મનુષ્યોની સંતતિમાં કયા નામ વડે તું ઓળખાય છે ?

દિવસો મુજ આત્માના ભરતી તું ક્યાંથી પ્રકટ છે થઇ,

વસંત કરતાં જ્યાદા ઉલ્લસંતી,

મારાં પુષ્પોથકી જ્યાદા પ્રફુલ્લ હે !

મારા જીવનની સૂની સીમાઓ મધ્ય આગતા,

પ્રભા સૂર્યતણી રૂપે ઢળાયેલી કાંચની કન્યકાતણા ?

મહાન દેવતાઓ, હું જાણું છું કે છે મિત્રો પૃથિવીતણા.

આડંબરોમહીં સંધ્યાકાળના ને પ્રભાતના

યાત્રી આત્મા લઈ મારો દીર્ધ કાળ કરી છે મેં મુસાફરી

ભાવે ભરાઈ જાણીતી વસ્તુઓની ચમત્કારકતા

પોતે ઢાંકપિછોડીમાં શક્તિઓ જેહ રાખતી

તે મારાથી છુપાયેલી પૃથ્વી રાખી શકી નહીં :

ફરતો હું હતો જોકે પૃથ્વીનાં દૃશ્યની મહીં

ને સામાન્ય સપાટીઓ પર પાર્થિવ વસ્તુની

છતાં યે દૃષ્ટિ જોતી 'તી મારી એનાં રૂપે અંધ થયા વિના;

જાણીતાં દૃશ્ય મધ્યેથી મારી પ્રત્યે દેવતા દેખતો હતો.

સાક્ષી બની વિલોક્યાં છે મેં ઉષાના વિવાહોત્સવ મંગલો

દીપ્તિમંતા પડદા પૂઠે વ્યોમનાં,

સ્પર્ધા વા મેં કરી હર્ષે પગલાંની સાથે શુભ્ર પ્રભાતનાં

ઘેને ભર્યા કિનારાઓતણે માર્ગે પ્રભાતના

પગલાંઓ ભરેલ છે,

યા તો છે મેં કરી પાર તડકાની સોનેરી મરુભોમને

દીપ્તિ ને વહનિનાં મોટાં મેદાનો મધ્યમાં થઈ,

કે મળ્યો છે મને ચંદ્ર સરકંતો બની ચકિત વ્યોમમાં

રાત્રીની સંશયગ્રસ્ત વિશાળમયતામહીં,

અથવા છે મળ્યા તારા ચોકી કેરા લાંબા મારગની પરે,

ભાલા અનંતતાઓમાં ઊંચક્યા છે

એમ આગે ચલાવાતા કવાયતે,

૮૪


મારી સામે કર્યાં ખુલ્લાં ગુપ્ત રૂપો દિને તેમ જ રાત્રીએ;

મૂર્ત્તિઓ મુજ પાસે છે આવી છૂપા તટોથકી,

ને સુખી વદનોએ છે કરી દૃષ્ટિ જ્યોતિ ને જવાલમાંહ્યથી.

આકાશના તરંગોને કરી પાર

જનારા સાંભળ્યા છે મેં સ્વરો ચિત્રવિચિત્ર કૈં,

કિન્નરીના ચમત્કારી ગાને મારા કર્ણ છે પુલકે ભર્યા;

સરોમાં કરતી સ્નાન અપ્સરાઓ પડી છે મુજ દૃષ્ટિએ,

પડી છે વનદેવીઓ દૃષ્ટે મારી

પાંદડાંમાં થઈ બ્હાર વિલોક્તી;

વાયુઓએ બતાવ્યા છે મને ઈશો તેમના ખૂંદતા જતા,

સહસ્ર સ્તંભની શોભા ધારનારાં ધામોમાંહે ભભૂકતા

આદિત્ય રવિરાજોનાં મને દર્શન છે થયાં.

મન મારું હવે તેથી સેવી સ્વપ્ન શકે અને

હૈયું મારું આશંકામાં પડી શકે

કે આપણી હવા પાર આવેલી કો ચમત્કારક સેજથી

ઊઠીને દેવતાઓના પ્રૌઢ એક પરોઢીયે

વજ્રીના ભુવનોમાંથી આવી છે તું અશ્વો તારા ચલાવતી.

જોકે સુન્દરતા તારી સ્વર્ગ કેરી

સાથે સખ્ય રાખનારી જણાય છે

છતાં મારી ભાવનાઓ જાણી વધુ ખુશી થશે

કે તારા અધરોષ્ઠોએ સ્મયમાન મર્ત્ય માધુર્ય થાય છે,

ને હૈયું ધબકી તારું શકે એક માનવી મીટની તળે

ને છાતી તુજ સોનેરી સ્પંદમાન દૃષ્ટે એક બની શકે,

ને શકે ઉત્તરો આપી ક્ષોભ એના જગ-જાયા અવાજને.

અમારા કાળથી કિલષ્ટ સ્નેહોને જો લહેવાને સમર્થ તું,

પૃથ્વીનાં સુખ જો સાદી વસ્તુઓનાં સંતોષી તુજને શકે,

માટી પર ધરા કેરી દૃષ્ટિ તારી સંતોષે જો રહી શકે,

કાયા કાંચન શી તારી સંમુદાના સ્વર્ગીય સાર રૂપ આ

કરવાને થાક સાથે ગેલ હોય સમર્થ જો,

-જે થાકની કૃપા દ્વારા દબાયેલી રહે છે અમ ભૂમિકા-

ક્ષણિક સ્વાદ કૈં સ્વાદુ

મૃદુતાએ ભરેલાં ભૂ-દીધેલાં ભોજનોતણો

ને છલંગી જતા વેગી પ્રવાહનું

મધુપાન

૮૫


તને રોકી શકે જો રથથી અવતીર્ણ થા.

થવા સમાપ્ત દે યાત્રા તારી આ ને અમારી પાસ આવ તું.

પાસે આશ્રમ છે મારા પિતા કેરો લતાકુંજે છવાયેલો,

આ મૂક વૃક્ષરાજોની ઉચ્ચ શ્રેણીતણી પૂઠે છુપાયલો;

એને ગાનો સુણાવે છે રંગપિચ્છે રમ્ય ગાયકમંડળી,

શાખાઓ પર જે ભાવે ભર્યા છે રંગ-અક્ષરો

તેમને સૂરસંગીતે પુનરુક્ત બનાવતી,

ભરતી ઘટિકાઓને સ્વરમાધુર્યથી રાગલયોતણા.

અસંખ્ય મધમાખોના તને સત્કારતા ગુંજનમાં થઈ

આક્રાન્ત કર તું રાજ્ય અમારું આ વનનું મધમીઠડું;

દોરી મને જવા દે ત્યાં તને એક અતિસંપન્ન જીવને.

અકિંચન અને સાદી છે આરણ્યક જિંદગી;

છતાં યે છે સજાઈ એ ઝવેરાતે જમીનના.

વાયુ ત્યાં વન્ય વાયે છે દોડનારા ઝૂલતાં તરુ-મસ્તકો

વચ્ચે આગંતુકો બની,

પ્રશાંત દિવસો વેળા સ્વર્ગ કેરી શાંતિના જેહ સંતરી

તે ઊંચે વ્યોમના જામા જામેલી પર પોઢતા

ને નીચે કરતા દૃષ્ટિ ઋદ્ધિમંતી રહસ્યમયતા તથા

નિઃસ્તબ્ધ ચૂપકી પરે,

ને વૈવાહિક પાણીડાં ક્ક્ષાલીન કરતાં ગાન ભીતરે.

બૃહદાકાર ને કાને જપતા બહુરૂપિયા

આસપાસ રહેલા છે મોટા દેવો અરણ્યના,

તેમણે શતકો કેરાં નિજ વૈભવધામના

મ્હેમાન માનવીઓનાં જીવનોને લીધાં છે નિજ બાહુમાં.

વસ્ત્રાભૂષણ સોનેરી અને લીલાં પ્રભાતો અંગ ધારતાં,

સૂર્યપ્રકાશ ને છાયા દીવાલોએ સચિત્ર જવની તહીં

તારા આરામને યોગ્ય ગૃહખંડો બનાવવા."

જાણે કે સુણતી હોય હજી તેનો સ્વર તેમ ક્ષણેક તો

અટકી એ તોડવાને જાદૂ ઈચ્છા ન રાખતી,

તે પછી ધ્યાનમુદ્રામાં વદી ધીરે જવાબમાં,

" સાવિત્રી નામ છે મારું, છું હું મદ્રદેશની રાજ્યકન્યકા.

પરંતુ કોણ છે તું ? ને ક્યાં સંગીતમીઠડા

નામે પૃથ્વી પરે લોકો પિછાને છે તને ? કહે,

રાજાઓનું કયું વંશવૃક્ષ પાણી પીને સૌભાગ્ય-સ્રોત્રનું

૮૬


આખરે સુખિયા એક શાખાએ છે સુપુષ્પે શોભતું બન્યું ?

તારું યૌવન તેજસ્વી જે કાર્યોની કરતું અભિયાચના

તે તજી દૂર હ્યાં માર્ગ વિનાના આ અરણ્યમાં

ઘર તેં કેમ છે કર્યું ?

ધામો છે તાપસોનાં હ્યાં ને પૃથ્વીનાં જંગલી છે જનાવરો,

જહીં તું એકલા તારા સાક્ષી આત્મા સાથે પર્યટનો કરે

મનુષ્ય વણના લીલા એકાંતે હ્યાં નિસર્ગના,

છે આસપાસ હ્યાં મૌનોતણું નિઃસીમ રાજ્ય ને

શાંતિઓનો આધ અંધ મર્મરાટ જ વ્યાપ્ત છે ?"

સાવિત્રીને સત્યવાને કહ્યું ઉત્તરમાં પછી :

"નિજ દૃષ્ટિ હતી જોતી જે દિનોમાં સ્પષ્ટ જીવનને તદા

શાલ્વરાજ ધુમત્સેન રાજ્યસત્તા ચલાવતા

હતા પેલા સઘળા દેશની પરે,

જે આ વૃક્ષાગ્રની પૂઠે થઈને દૂર જાય છે

લીલમોએ ભર્યા હર્ષે દિવસો નિજ ગાળતો,

વિશ્રબ્ધ કરતો વાતો સફરી સમિરો સહ,

દક્ષિણાકાશની પ્રત્યે પાછી દૃષ્ટિ કરી વળે

ને પાસથી અઢેલે છે ચિંતનોમાં નિમગ્ન ગિરિમાળને.

પરંતુ સમ પ્રારબ્ધે રક્ષા દેતો નિજ હસ્ત હઠાવિયો,

જીવતી રાત્રિએ ઘેરી લીધા માર્ગો એ વીર્યવાન વીરના,

દેદીપ્યમાન દેવોએ સ્વર્ગ કેરા

બેધ્યાન બક્ષિસો દીધી હતી તે લીધ સંહરી,

શૂન્ય આંખોથકી સાહ્યકારી રશ્મિ સુખિયું તેમનું હર્યું,

ને એ ચંચલ દેવીને ગયા દોરી એની નિકટતા થકી.

બાહ્ય પ્રકાશના મોટા રજ્યમાંથી બહિષ્કૃત,

દેખતા માણસો કેરો ગુમાવી સહવાસ, એ

બે એકાંતોમહીં વાસ કરીને નિજ છે રહ્યા-

એક અંતરના, બીજા સુગભીર મર્મરંતા અરણ્યના.

તે મહારાજનો પુત્ર, સત્યવાન, હું સંતોષે રહેલ છું,

કેમ કે મેં તને જાણી હતી નહિ હજી સુધી,

નિવાસ મુજ છે ઉચ્ચ સત્ત્વનો વસતીતણા

એકાંતમાંહ્ય આત્મના

ને મારી સાથ સંબંધ રાખનારા

પ્રાણપૂર્ણ આ જંગી મર્મરાટમાં

 ૮૭


નિઃસીમતા મને પોષી રહી છે, હું શિષ્ય છું નિર્જનત્વનો.

મહાપ્રકૃતિ મા આવી પુનઃપ્રાપ્ત પોતાના શિશુની કને;

જડ માટી પરે બાંધી શકે માનવ, તે થકી

ઉદારતર રાજ્યે હું બની રાજા રહેલ છું;

ભેટો મને થયેલો છે સાદી-સીધી આદિમા ધરણીતણો,

બાલ પ્રભુતણી સાથે માણું છું હું ઘનિષ્ટતા.

વાસખંડોમહીં ભવ્ય શોભમાન સચિત્ર જવની વડે

મહાવિશાળ મ્હેલોમાં એના હું મુક્ત છું વસ્યો,

સ્નેહાળ આપણી સૌની માતાનાં લાડ માણતો,

એના ઘરમહીં મોટો થયો છું હું નિસર્ગના

ભાંડુઓ સાથ માહરા,

આશ્લેષે સ્વર્ગના ખાલી ને વિશાળા સૂતો 'તો હું નિરાંતનો,

સૂર્યપ્રકાશની શુભ્ર આશિષે છે આલિંગ્યું ભાલ માહરું,

ચંદ્રપ્રભાતણી રૌપ્ય સંમુદાએ સ્વચુંબને

પોઢાડયાં પોપચાં મારાં રાત્રિવેળા ભારે બનેલ છાયથી.

પ્રભાતો પૃથિવી કેરાં મારાં બની ગયાં હતાં

આછેરા મર્મરાટોએ પ્રલોભાઈ લીલે વાઘે સજાયલી

હોરાઓ સાથ ઘૂમ્યો છું પડી ભૂલો વનોમહીં,

વાને ને વારિઓ કેરા અવાજો પ્રતિ છું વળ્યો,

ભાગીદાર બન્યો છું હું સૂર્યના હર્ષની મહીં,

સાંભળી છે દઈ કાન સૃષ્ટિ કેરી સરસ્વતી :

મારી અંદરનો આત્મા સંતુષ્ટ જાણતો હતો

કે છે દેવોતણા જેવો જ્ન્માધિકાર આપણો,

ને વિશાળા વૈભવ છે ભર્યું જીવન આપણું,

અને પૃથ્વી તથા વ્યોમો સમીપસ્થ સંપદો એહની જ છે.

દોરી લાવ્યું મને દૈવ આ લીલી દુનિયામહીં

તે પ્હેલાં ભીતરે પૂર્વ-ઝાંખી દેતો થયો સ્પર્શ જગાડતો

ને મારા મનમાં પુર્વજ્ઞાન પ્રથમનું થયું

જે આવ્યું પૃથિવી કેરી મોટી મૂગી પ્રાણીની ચેતના કને;

જે જૂના ભભકા છોડી મહાભવ્ય ઝાંખા વિરાટ મર્મરે

આવ્યું હું કરવા વાસ તેની સાથે

હવે આવો ગાઢ સંબંધ રાખતી..

દૃષ્ટિ અંતરની એક ને સંવેદન ભીતરી

લાવ્યું એક પ્રબોધન,

૮૮


પૃથ્વીની જીવતી ચિત્રમાળા એણે

જાણે સ્થાપી ઉઠાવીને આત્માની ગહરાઈમાં.

દૃષ્ટિવંતો મંત્ર એક પડયો પૂઠે મારા બાલ્ય-દિનોતણી,

રંગીન રેખામાં આંખે વસ્તુઓ જે ગ્રહી હતી

તે નવેસર દેખાઈ અર્થધોતી મન કેરી સહાયથી

ને આકારમહીં એણે ચાહ્યું લેવા પકડી અંતરાત્મને.

એક આરંભના બાલ-દેવે લીધો કબજો મુજ હસ્તનો,

એને પ્રેર્યો અને દોર્યો શોધતા નિજ સ્પર્શથી

લઈ પકડમાં લેવા

રૂપે ઉજ્જવળ ને રંગે એની આંખો સમીપે સંચરંત જે;

પાને ને પથરાએ એ આલેખાઈ માણસો સાથ બોલતાં.

સહવાસી હતા મારા મુલાકાતી ઉચ્ચ સુંદરતાતણા.

હેષાઓ કરતું ગર્વે વાયુ-યાળી

અમારાં ગોચરોમાં જે જવી જીવન ઘૂમતું

તેણે જોતા મનોભાવ પર મારા નાખ્યાં છે રૂપ વેગનાં;

સાંજના નભની સામે બિંદીવાળાં ટોળાંઓ હરણાંતણાં

આત્માના મૌનને માટે ગીતરૂપ બની જતાં.

ઓચિંતો વીજને વેગે અંધારાયેલ પલ્વલે

પડતો કલકોડિયો

મેં સનાતન કો આંખ સ્થાને છે અવલોકિયો;

સુનીલ સરને રૂપા-રંગધારી બનાવતો

તરતો મંદ હંસલો

છે જોયો મેં ચમત્કારી શ્વેતવર્ણ સરતો સ્વપ્નની મહીં;

આવેગે વાયુના કંપમાન પર્ણ બની જતાં,

અનંતતાથકી પાસે આવનારી પાંખો ભ્રમણશીલ, તે

અંતર્દ્દ્રુષ્ટિતણી મારી તકતીઓ પરે વસ્યાં;

ખડા ગિરિ અને વૃક્ષો વિચારો શાં આવતા પ્રભુ પાસથી.

સચેત કુસુમો જેવાં હવા કેરાં પ્રમુદંત પતંગિયાં,

તેજીલા પિચ્છકે છાયા લંબચંચૂ ઝબૂકતા,

વાયરે ચંદ્રકો આમતેમ મોર વિખેરતા

ભિત્તિ ચિત્રમયી હોય તેમ મારી સ્મૃતિને રંગતા હતાં.

કાષ્ઠ-પાષાણમાંથી હું દૃષ્ટિ મારી કંડારી કાઢતો હતો;

પડઘા ઝીલતો 'તો હું પરમોદાત્ત શબ્દના

ને છંદોમયતા દેતો લયવાહી તાલોને અણસીમના

૮૯


અને સંગીતના દ્વારા સુણવા ધ્યાન આપતો

હું સનાતન સૂરને.

છુપો સ્પર્શ લહેતો હું, સુણતો એક સાદને,

લઈ ન શકતો બાથે કિંતુ મારા પ્રભુ કેરા શરીરને

કે વિશ્વમાતના પાય બે હાથે હું ઝાલી ન શકતો હતો.

મળતા 'તા મનુષ્યોમાં મને અંશો વિચિત્ર એક આત્મના

જે ખંડો શોધતો 'તો ને ખંડોમાં વસતો હતો :

પોતાની જાતમાં રે'તો હતો પ્રત્યેક જીવ ને

પોતાની જાત માટે જ માત્ર એ જીવતો હતો,

અને અન્યોતણી સાથે બાંધતો 'તો સંબંધો અલ્પ કાળના;

સપાટી પરના હર્ષ-શોક માટે નિજ ઉત્સાહ દાખતો,

ન સનાતનને જોતો એના ગુપ્ત નિવાસમાં.

વાતો પ્રકૃતિની સાથે કરી છે મેં,અને અજ્ઞાન રાત્રિમાં

પ્રભુના પ્રહરી અગ્નિ જવલતા નિર્વિકાર જે

તારાઓ તેમની સાથે થયો છું લીન ચિંતને,

ને સનાતન સૂર્ય કેરું રશ્મિ દિવ્ય સંદેશ લાવતું

જોયું છે પડતું ઘોર એવા વદનની પરે.

અરણ્યે ધ્યાનમાં લીન મુનિઓની સાથે હું બેસતો હતો :

હીરક-જ્યોતિના સ્રોતો રેલાતા ત્યાં જગાડતા,

સર્વમાં એક છે તેની હાજરીની ઝાંખીઓ મુજને થતી.

છતાં ઊણપ રે'તી 'તી આખરી છે તે પરાત્પર શક્તિની

ને જડ દ્રવ્ય નિદ્રામાં હજુ રે'તું પોતાના પ્રભુના વિના.

પામતો 'તો પરિત્રાણ આત્મા માત્ર, દેહ નષ્ટ અને આવક્

જીવતો મૃત્યુની સાથે ને પુરાણી અવિદ્યા સાથમાં લઈ;

અચિત્ એનો હતો પાયો ને એનું ભાવી શૂન્યતા.

પરંતુ આવવું તારું થયું છે ને બદલાઈ બધું જશે :

તારાં સુવર્ણ અંગોમાં જગદંબા લહીશ હું

ને પવિત્ર સ્વરે તારા એનાં જ્ઞાનવચનો સાંભળીશ હું.

શૂન્યના શિશુનો થાશે પુનર્જન્મ પ્રભુ કેરા સ્વરૂપમાં.

મારામાં દ્રવ્ય છે જેહ તે અચિત્ ની સમાધિ જડ ટાળશે,

આત્માની મુજ છે તેવી મુક્તિ મારો દેહ સુદ્ધાંય પામશે,

મૃત્યુના ને અવિદ્યાના પાશોમાંથી એ નિર્મુક્ત બની જશે."

હજી વિચારમાં મગ્ન સાવિત્રીએ એને ઉત્તરમાં કહ્યું :

" કહે મને વધારે તું, સત્યવાન !  વધારે તું કહે મને,

૯૦


કહે તારે વિષે ને જે છે તું અંતરની મહીં

તે બધું મુજને કહે;

આપણા આત્મને ધામે જાણે સાથે રહેલાં આપણે હતાં

હરહંમેશથી તેમ માગું હું જાણવા તને.

જ્યાં સુધી હૃદયે મારે આવે જ્યોતિ

ને મારો અમરાત્મા જે સૌનાં સંવેદનો કરે

તે સંપ્રેરણ પામેલું મર્ત્ય મારું મન સૌ સમજી શકે

ત્યાં સુધી બોલતો રહે.

મારા જીવનના સ્વર્ણ વિસ્તારોની મહીં થઈ

પૃથ્વીની મુખમુદ્રાઓ અને રૂપોતણા મોટા સમૂહમાં

જેની શોધમહીં આત્મા હતો મારો તે છે તું, એક તું જ છે

એવું મારા મનને સમજાય છે."

અને અત્યાગ્રહી એક

સાદ દેતી બંસરીને જાણે એક હોય જવાબ આપતી

વીણા, તેમ સત્યવાન એના પ્રશ્નતણા ઉત્તરમાં વધો,

અને વીણાતણા રંગરંગવાળા તરંગમાં

એણે એની ભણી હૈયું પોતાનું રેલવ્યું પછી :

" સાવિત્રી અનવધાંગી ! શુભ્ર સ્વર્ણવર્ણ રાજકુમારીકા,

મારે માટે અજાણી તું છે જે સર્વ

ને અધૂરા શબ્દ મારા કહેવા જે સમર્થ ના,

તે બધાથી વધારે હું માગું છું ક્થવા તને,

પ્રેમનો ઝબકારો જે પ્રકટાવે તે બધું બોલવા ચહું.

પડદાને હઠાવંતા એક મોટા મુહૂર્તમાં

પામ્યો છું સ્વલ્પ સામીપ્ય

તેણે યે છે નવે ઘાટે ઘડી આ મુજ જિંદગી.

કેમ કે અવ જાણું છું કે જે સર્વ જીવ્યો હું મુજ જીવને

અને જે સર્વ હું હતો

તે ગતિ કરતું 'તું આ પળ પ્રત્યે

મારા હૈયાતણા નવલ જન્મની;

પાછી દૃષ્ટિ કરી જોઉં છું ઉદ્દેશ પ્રત્યે મારા સ્વરૂપના

તો મને થાય છે સ્પષ્ટ કે માટી પર ભૂમિની

તારે માટે જ તૈયાર આત્મા મારો થતો હતો.

છે બીજા માણસો કેરા તેવા એકવાર મારા દિનો હતા :

વિચારવું અને કર્મ કરવું જ બધું હતું,

૯૧


ભોગ ભોગવવામાં ને શ્વસવામાં સમાઈ સઘળું જતું;

મર્ત્ય આશાતણી એ જ હતી વિસ્તીર્ણતા અને

હતી ઉત્તુંગતાય એ :

છતાંય ગહનાત્માની ઝાંખી આવતી હતી,

છે જે જીવની પૂઠે

ને જે એને પ્રવર્તાવી એની પાસે સ્વ-દૃશ્યો ભજવાવતો.

લહેવાતું હતું એક સત્ય જે સ્વ સ્વરૂપને

મનનો પડદા પૂઠે છુપાવી રાખતું હતું,

લહેવાતી મહત્તા જે પ્રવર્તંતી ઉદ્દેશ સાધવા,

ને અસ્પષ્ટપણે પૃથ્વીતણાં રૂપોમહીં થઈ

ડોકિયું કરતું કૈંક જે-રૂપ જિંદગી નથી

ને છતાં યે હોવી તો તેહ જોઈએ.

માર્યાં મેં આંધળાં ફાંફાં

રહસ્યમયતા માટે લઈ દીપ વિચારનો.

તાર્કિક શબ્દથી એની ઝલકોએ

અજવાળી અર્ધ-દૃશ્ય જમીનને

ને એક વારથી બીજે વારે આગળ ચાલતાં

આત્મા ને પ્રભુનાં શાસ્ત્રો કેરું એણે માનચિત્ર બનાવિયું.

એણે જે સત્ય ઉચ્ચાર્યું ને વિચાર્યું તે હું જીવી શક્યો નહીં.

દેખીતી વસ્તુઓમાં હું રૂપ એનું લેવાને પકડે વળ્યો,

મર્ત્ય માનસથી એનો ધર્મ નક્કી કરવાની ઉમેદથી

વિશ્વ-નિયમનું લાધું મેં બંધારણ સાંકડું

મુક્તિ માથે અનંતની,

બાહ્ય સત્યતણું લાધું કઠોર દૃઢ માળખું,

મનની યોજના લાદી એક યાંત્રિક શક્તિની.

ન શોધાયેલ અંધાર આં પ્રકાશે આણ્યો વધુ પ્રકાશમાં;

મૂળ ગુહ્યને એણે વધુ ગુહ્ય બનાવિયું.

વૈશ્વાવરણ પોતાનું એ વિશ્લેષી શક્યો નહીં,

અદભુતો કરનારનો છૂપો હાથ ન એહ નીરખી શક્યો,

ન રેખાકૃતિ એ આંકી શક્યો એનાં જાદૂ-આયોજનોતણી.

મારી મેં ડૂબકી એક દૃષ્ટિવંતા મને આંતર દેશના

ગુલામ ગભરાયેલો મનનો જે બનાવે છે પદાર્થને

તે છૂપા નિયમોનું ને જાદુઓનું મને જ્ઞાન થઈ ગયું.

નિકાલ ગુહ્યનો આવ્યો નહીં, એ તો ગાઢું ગુહ્ય બની ગયું.

૯૨


સૌન્દર્ય ને કલા દ્વારા એનાં સૂચન પામવા

મેં પરિશ્રમ આદર્યો,

પરંતુ ભીતરે વાસ કરી જે શક્તિ છે રહી

તેના ઘૂંઘટને રૂપ હઠાવી શકતું નથી;

આપણા હૃદયો પ્રત્યે ફેંકે છે એ ખાલી નિજ પ્રતીકને.

એણે એક આત્મભાવ જગાડયો ને ગોચર જ્ઞાનની મહીં

છૂપો છે ધ્યાનમાં લીન મહિમા સૌ

તેની સંજ્ઞાતણી આવાહના કરી :

રશ્મિમાં હું રહેતો 'તો કિંતુ સૂર્ય-સંમુખે હતો નહીં.

જોતો 'તો જગને કિંતુ આત્માને ચૂકતો હતો,

ને જયારે પામતો આત્મા ત્યારે ખોતો હતો જગત્ ,

મારાં અન્ય સ્વરૂપો ને પ્રભુ કેરા દેહને હું ગુમાવતો,

કડી ગુમાવતો 'તો હું સાન્તની ને અનન્તની,

સેતુ આભાસ ને સત્ય વચ્ચેનો હું ગુમાવતો,

જે માટે જગ સર્જાયું તે ઉદ્દેશ ગૂઢ લુપ્ત થઈ જતો,

અમૃતત્વતણી લુપ્ત થતી માનવ ભાવના.

પરંતુ પગલે તારે મારી પાસે આવી હેમ-કડી હવે,

પ્રભુનો સ્વર્ણનો સૂર્ય તારા વદનથી હવે

મારી પર પ્રકાશતો.

કેમ કે અવ આવે છે તારી સાથે નવું રાજ્ય સમીપમાં,

ને ભરે શ્રવણો મારા દિવ્યતર સ્વરો હવે,

તારી દૃષ્ટિમહીં એક નવી સૃષ્ટિ

મારી પ્રત્યે તરી અદભુત છે રહી

અજાણ્યાં ગગનોમાંથી પાસે આવી રહેલી તારકા સમી;

પોકાર ભુવનોનો ને દીપ્યમાન દેવોની એક ગીતિકા

આવે છે તુજ સાથમાં.

સમૃદ્ધતર ઉચ્છવાસ ખેંચું છું ને

ચાલું છું ક્ષણો કેરા જોશે પૂર્ણ પ્રયાણમાં.

સ્વરૂપાન્તર પામીને મન મારું પ્રહર્ષણે

પૂર્ણ દ્રષ્ટા બનેલ છે

મહાસુખોર્મિઓમાંથી આવતું ફેન ઊછળી,

ને એણે પલટી નાખ્યું હૈયું મારું,

નાખી છે પલટી એણે ધરિત્રી આસપાસની :

તારા આગમને સર્વ ભરપૂર બની જતું.

૯૩


તારી દૃષ્ટિ વડે મારી મહીં છે પલટો થયો,

તેથી હવા અને માટી અને સ્રોત તારે યોગ્ય બની જવા

વસ્ત્ર ભૂષા વિવાહોચિત ધારતાં,

ને તારા વર્ણની છાયા બની સૂર્યપ્રભા જતી.

તિરસ્કારી કાઢતી ના અમારી આ જમીનને,

જ્યોતિના રથથી તારા ઊતરી મુજ પાસમાં

આ શાદ્વલ પરે લીલા સમીપતર આવ તું,

તારે માટે રચાયેલાં છે અહીં ગુપ્ત સ્થાનકો,

ગુહાઓ લીલમી એની ઝંખે તારા રૂપને અવગુંઠવા.

આ મર્ત્ય સંમુદાને તું ક્ષેત્ર તારું, કહે, નહિ બનાવશે ?

ઓ મહાસુખ  ! નીચે તું  આવ તારા હેમચંન્દ્રી પદો લઈ,

પૃથ્વી કેરાં તલોને તું શ્રી સમર્પ

જે તલોની નિદ્રાએ પોઢતા અમે.

સાવિત્રી ઓ ! શુભ્ર  સૌન્દર્યની રાજકુમારિકા,

મારે મોદે અને તારે હર્ષે પ્રેરાયલી બળે

તારે ધામે અને તારે મંદિરે તું પ્રવેશ મુજ જીવને.

આત્માઓ જ્યાં મળે છે તે મહાશાંતિતણી મહીં

મારી નીરવ ઇચ્છાથી દોરાયેલી આવ તું મુજ કાનને

મર્મરંતાં અને ઝાંખાં તોરણોને દે તારા પર ઝૂકવા;

નિત્યની વસ્તુઓ કેરા પ્રાણ સાથે બનીને એક તું રહે,

ધમકો તુજ હૈયાની મારા હૈયા કેરી નિકટની બનો,

આમ અંતે મંત્રમુગ્ધ ક્ષણ એક ફોરતાં ફૂલમાંહ્યથી

ઊછાળી બ્હાર આવશે,

ને એને કરશે યાદ સઘળા મર્મરધ્વનિ,

અને પ્રયેક પંખીડું સ્મરશે નિજ કૂજને.

 

અનુરાગ ભર્યાં એનાં વેણોથી લલચાઈને

આત્મા અગાધ સાવિત્રી કેરો એની પાંપણોની પરે ઠર્યો

ને એનાં લોચનોમાંથી અવલોકી રહ્યો એ સત્યવાનને;

ને રસાળા સ્વરે એના અધરોષ્ઠે સરી વધો.

આ વાક્યમાત્ર બોલ્યો એ ને તે સાથે બોલી નાંખ્યું બધાયને :

"ઓ સત્યવાન ! મેં સર્વ સુણ્યું તારું ને મને જ્ઞાત છે થયું;

જાણું છું કે તું જ એક, તું જ તે એકમાત્ર છે."

નકશીદાર પોતાના રથમાંથી પછી એ ભોંય ઊતરી,

૯૪


મંજુલ સ્ખલતી એની હતી ત્વરા;  

બહુરંગી વસ્ત્ર એનાં જોતે ઝબકતાં હતાં,

વાયુવિક્ષુબ્ધ ઘાસે એ આમતેમ ક્ષણેક ઘૂમતાં ગયાં,

એના અંગતણી આભા સાથે મિશ્ર થઈ ઝલક એમની,

ઊતરી બેસતા કોઈ કેરા રમ્ય પિચ્છક્લાપની

શોભાઓ સરજાઈ ત્યાં.

લસતા ચરણો એના લીલમી સ્વર્ણ શાદ્વલે

ભમતાં કિરણો કેરી સ્મૃતિને વેરતા હતા,

સ્થળ આગળથી અલ્પ કાળ માટે એ પસાર થઈ, તદા

અનુકતેચ્છા દુલારી શી ધરા કેરી હળવે દાબતા હતા.

પછી તો લસતાં તેજી ફૂદાં જેમ ત્વરા કરી

વન કેરી કિનારીના સૂર્યોજજવલ કરો થકી

સાવિત્રીના કરે લીધો

પુષ્પોના ગુચ્છનો ભાર રંગરંગીન રત્ન શો

સહચારી બન્યો 'તો જે લહરંતી વસંતનો.

માળા સરળ ને સાદા રૂપવાળી રચાઈ ત્યાં

ઝડપી આંગળીઓને પુષ્પગીત પઢાવતી

વિવાહ સ્તવની તૂકબંધીની જ્યાં હતી ગતિ.

ઘેરી સુગંધવાળાં ને રંગમાં તરબોળ એ

પુષ્પોએ રંગ-સંજ્ઞાઓ ઝંખાની નિજ મેળવી,

અને પવિત્રતા કેરું પ્રાફૂલ્લ્ય અનુરાગની

સાન્દ્રતાની સાથે એક બનાવિયું.

સંસ્કાર સંમુદાનો આ

પુષ્પપ્રતીક પોતાની અર્પેલી જિંદગીતણું,

લીધું એને મહામૂલું માનનારા કરોમહીં,

અને જે ગાઢ સામીપ્ય માટે આત્મા એનો ઉત્ક બન્યો હતો

તે સામીપ્યે જરા હાવે કંપમાન કરે ઊંચું કર્યું અને

આ માધુર્યતણો માલારૂપ બંધ,

એકતાની નિશાની સુખશોભાના,

પોતાનો પ્રેમ જે વક્ષ:સ્થલનો લોભ રાખતો

હતો તેને સમર્પિયું.

તુષાર-ધુમ્મસે છાયા પોતાના મહિમાથકી

પ્રકાશ્યો હોય ના જાણે કો કૃપાવંત દેવતા,

તેમ પાયે સત્યવાનતણા પડી

૯૫


સાવિત્રીએ પદસ્પર્શ કર્યો એનો આરાધનાર હસ્તથી;

એના સંચારને માટે જગ એણે બનાવી નિજ જિંદગી,

એના આનંદનું ધામ બનાવ્યો નિજ દેહને,

સ્પંદતા નિજ હૈયાને સંમુદાનું સ્વરનારૂ બનાવિયું.

સાવિત્રી પ્રતિ એ ઝૂકીયો, સંપુટાયેલ આશ શો

લગ્નાભિલાષ બન્નેનો ભર્યો એણે પોતાના અભિલાષમાં;

ને જાણે એક સંપન્ન સૃષ્ટિ સારી

ઓચિંતાંની પોતાની હોય ના બની,

પોતે જે સૌ હતો તેની સાથ સંલગ્નતા ધરી

તદાકાર ન હો બની,

અખૂટ એક આનંદ જાણે એનો એકનો જ ન હો બન્યો,

તેમ સમસ્ત સાવિત્રી એણે આલિંગને ભરી.

ગાઢ ભાવભર્યાં ધીરાં વરસોમાં બંધાયેલ ઘનિષ્ઠતા

કેરી બન્યો નિશાની એ આશ્લેષ સત્યવાનનો

આગામી સંમુદા કેરો પ્હેલો મીઠો ઉપસંહાર એ હતો,

સારી લાંબી જિંદગીનો હતો સાર સંક્ષિપ્ત સાન્દ્રતાભર્યો.

બે આત્માઓ મળે જેમાં તે એક મહતી પળે

જેમ સરિત્ તરંગાતી મહાસિંધુમહીં રેલાઈ જાય છે,

સાવિત્રીએ લહ્યો તેમ નિજાત્માને

સત્યવાનમહીં પ્રવહતો જતો.

પ્રભુમાં જે સમે એક આત્મા જાય હળીમળી

એનામાં વસવા નિત્ય, એનો આનંદ માણવા

તેમ ચૈતન્ય સાવિત્રી કેરું મોજું સત્યવાનતણું બન્યું

ને તેનામાં વિલોપાયું પૃથગ્-ભાગી સર્વ સ્વરૂપ એહનું.

નભ તારા-ખચ્યું જેમ સુખી પૃથ્વી લે ઘેરી આસપાસથી

આનંદ-વર્તુલે તેમ સત્યવાને પોતાની જાતની મહીં

સાવિત્રીને ભરી તથા

કર્યું જગતને બંધ પોતાનામાં તેમ તેણી તણી મહીં.

બેશુમાર પૃથક્ તાએ એ બન્નેને એકરૂપ બનાવિયાં;

સાવિત્રીએ હતો એને ઘેરી લીધો એવું એ જાણતો હતો,

એને નિજાત્મામાં દીધી એણે પ્રવેશવા,

જેમ વિશ્વાત્મથી વિશ્વ ભરપૂર બની જતું,

જેમ મર્ત્યાત્મ ઊઠે જાગી શાશ્વતતામહીં,

જેમ અનંતની પ્રત્યે અંતવંત ઉઘાડું થઈ જાય છે.

૯૬


આમ ક્ષણેક તો બન્ને રહ્યાં લીન બની અન્યોન્યની મહીં,

પછી મહામુદા કેરી તેમની એ લાંબી સમાધિમાંહ્યથી

થઈ નિવૃત્ત બેઉ એ

આવ્યાં નવે સ્વરૂપે ને નવા એક જગત્ મહીં,

પ્રત્યેક એકબીજાની એકતાનો એક અંશ હતાં હવે.

હતું જગત, તે કિંતુ સ્થાન માત્ર બેઉની આત્મપ્રાપ્તિનું,

યા તો સંલગ્ન તેઓના આત્મા કેરો દેહબંધ બૃહત્તર.

દીના ઉચ્ચ અને ઉજ્જવલ ગુંબજે

છેડા બાંધ્યા વિધાતાએ ઉષાના પરિવેશની

પ્રભાના રશ્મિ-સૂત્રથી,

સમર્પી તે સમે સેવા મુહૂર્ત્તે શુભ એક ત્યાં,

સૂર્યના સાક્ષ્યમાં હૈયાં જોડાઈ એક ત્યાં થયાં,

વિવાહ-વેદીનો વહનિ પ્રકટયો ને

શાશ્વત પ્રભુ કેરાં ને પ્રભુની પ્રેયસીતણાં

મનુષ્યરૂપમાં પાછાં વસુધાએ વિવાહમંગલો થયાં :

વિશ્વનાટકાના એક નવે અંકે

વિવાહયોગ પામેલાં બેએ કીધો શરૂ યુગ મહત્તર.

મૌને ને મર્મરે એહ લીલમી દુનિયાતણા

પવિત્ર મંત્રના જાપે પુરોહિત સમીરના

અને કર્ણો જપો મધ્યે પર્ણનાં મંડળોતણા

પ્રેમનું યુગ્મ યોજાયું ને એ એક બની ગયું.

સ્વાભાવિક ચમત્કાર થયો સિદ્ધ ફરીથી એકવાર ત્યાં :

નિર્વિકાર આદર્શ વિશ્વની મહીં

માનવીય પળે એક પ્રાપ્ત શાશ્વતતા કરી.

 

તેમનાં જીવનો કેરો જ્યાં મેળાપ થયો હતો

તે કેડીના માર્ગે માર્ગે થઈ પછી

સત્યવાન ગયો દોરી સાવિત્રીને

અને એને બતાવ્યું ત્યાં એનું ભાવિતણું જગત્ ,

પ્રેમનું આશ્રયસ્થાન અને ખૂણો સુખી એકાંતતાતણો.

અંત જ્યાં માર્ગનો આવ્યો ત્યાં વૃક્ષોની લીલેરી એક ફાટથી

જોયો એણે તાપસોના માર્ગો કેરા એક રેખાસમૂહને,

ને પ્હેલી વાર પોતાના હૈયા કેરા ભાવિના ગૃહની પરે

કરી દૃષ્ટિ કુટી જોઈ

૯૭


છાવરી જે રાખતી 'તી જિંદગી સત્યવાનની.

વલ્લરીઓ અને લાલ પુષ્પવંતી લતાઓએ સુહામણી,

લીલમી શાંતિના શુદ્ધ રક્ષાયેલા સ્વસદ્મમાં

અલોકો વિખરાયેલા અને પિંગળ છે વધુ,

એવી સ્વપ્નામહીં સૂતી વન કેરી સુંદરી સમ શોભતી.

વનનો તાપસી ભાવ આસપાસ એની વિસ્તરતો હતો,

ને સ્વ એકાંતતા કેરાં ઊંડાણોમાં શમી જતો.

પછી અવર્ણ્ય ને ઊંડા આનંદે ઉચ્છલા થઈ,

અલ્પ ઊંડાણ શબ્દોમાં એના સ્ફુરણ પામતાં,

સુખિયા સ્વરથી બોલી ઊઠી એ ને સંબોધ્યો સત્યવાનને.

" હોઈશ દૂર હું ત્યારે

મારું હૃદય હ્યાં રે'શે પ્રાંતરે આ અરણ્યના,

અને આ પર્ણથી છાઈ કુટી કેરી સમીપમાં :

હવે જરૂર ના એને વધારે અટવાતણી.

પણ પાછા વળી મારે

મારા પિતાતણે ઘેર જોઈએ ઝડપે જવું,

જે પ્યારાં પગલાંઓના જાણીતા રવને હવે

અવિલંબ ગુમાવશે,

ને નહીં સુણવા પામે સ્નેહસેવ્યો સૂર યત્ન કર્યા છતાં,

કેમ કે જલદી પાછી અહીં આવીશ હું ફરી

ને પુનઃપ્રાપ્ત આનંદ એકતાનો વિયોજાશે નહીં કદી,

અને છે પ્રાણ ત્યાં સુધી

આપણાં જીવનોને ના વિખૂટાં પાડશે વિધિ."

એકવાર ફરી એણે

આરોહ્યો રથ પોતાનો કલાકોતરણી ભર્યો;

ને મધ્યાહનતણી આગ હતી જે ઉગ્ર તે તળે

લગામ ઝડપે ખેંચી અશ્વો કેરી ઊપડી એ ઉતાવળી,

દીપ્તિ મધ્યાહનની એના વિચારોની

અને સ્વપ્નોતણી દીપ્તિથકી અધિક ના હતી;

ઝડપી હૃદયે તો ય દેખતી 'તી સાવિત્રી સત્યવાનને,

શાંત નિર્મળતાઓમાં દૃષ્ટિ કેરા અંતરસ્થ જગત્ તણી,

શીળી સુવાસથી વ્યાપ્ત ઋદ્ધિમંતી વનની છાયની મહીં,

રૂક્ષ મોટાં થડો વચ્ચે છાયાલીન પથો પરે

વનના એક ખુલ્લા કો સ્થાન પ્રત્યે પગલાં માંડતો જતો

૯૮


સત્યવાન સાવિત્રી દેખતી હતી

વૃક્ષો મધ્યભાગે એ કુટી માટે હતું મંદિરિયું રચ્ચું,

હતું એ આશ્રયસ્થાન નવી ઊંડી પોતાની સુખશાંતિનું,

એના આત્માતણું દેવસ્થાન, સદ્મ સ્વર્ગોથી સરસું વધુ.

અત્યારે આ એના સાથમહીં હતું.

એના હૈયાતણી સામે દૃશ્ય અખંડ આ હતું.

૯૯


ત્રીજો  સર્ગ  સમાપ્ત

 

પાંચમું  પર્વ  સમાપ્ત

 









Let us co-create the website.

Share your feedback. Help us improve. Or ask a question.

Image Description
Connect for updates