સાવિત્રી

Sri Aurobindo symbol
Sri Aurobindo

Sri Aurobindo's major poetic work, an epic in blank verse. In Savitri, a legend from the Mahabharata becomes the symbol of the human soul's spiritual destiny. In poetic language, Sri Aurobindo describes his vision of existence and explores the reason for ignorance, darkness, suffering and pain, the purpose of life on earth and the prospect of a glorious future for humanity. The writing of the epic extended over much of the later part of his life.

Sri Aurobindo Birth Centenary Library (SABCL) Savitri Vols. 28,29 816 pages 1970 Edition
English
 PDF     Poems
Sri Aurobindo symbol
Sri Aurobindo

Sri Aurobindo's major poetic work, an epic in blank verse. In Savitri, a legend from the Mahabharata becomes the symbol of the human soul's spiritual destiny. In poetic language, Sri Aurobindo describes his vision of existence and explores the reason for ignorance, darkness, suffering and pain, the purpose of life on earth and the prospect of a glorious future for humanity. The writing of the epic extended over much of the later part of his life.

Gujarati Translations of books by Sri Aurobindo સાવિત્રી 1973 Edition
Gujarati Translation
Translator:   Pujalal

સર્ગ  ત્રીજો

વનમાં  મૃત્યુ 

 

વસ્તુનિર્દેશ

 

           સૂતેલા સત્યવાનની સમીપમાં સાવિત્રી હતી. સુંદર સોનેરી સવારનો સમય હતો. સાવિત્રીની દૃષ્ટિ પોતાના ભૂતકાળ ઉપર ફરવા લાગી. પોતે જે હતી ને પોતે જે કંઈ કર્યું હતું તે સર્વ ફરીથી જીવંત બન્યું. એક આખું વર્ષ સ્મૃતિઓના સવેગ ને સવમળ વહેતા પ્રવાહમાં એના અંતરમાં થઈને પુનઃપ્રાપ્ત ન થઇ શકે એવા ભૂતકાળમાં ભાગી ગયું.

            પછી એ ઊઠી સેવાકાર્ય સમાપ્ત કરી વનમાં સત્યવાને એક શીલા પર સાદી આલેખેલી દુર્ગા દેવીને પગે પડી અને ત્યાં એના આત્માએ પ્રાર્થના કરી,  શી પ્રાર્થના ને તો માત્ર એનો જીવ ને દુર્ગા જ જાણતા હતાં.સંભવ છે કે અનંતિની જગદંબા શિશુની સંભાળ લેતી એણે અનુભવી ને એક અવગુંઠિત મૌન શબ્દને સુણ્યો.

             આખરે એ રાજમાતા પાસે ગઈ, ઓઠ ને અંત:કરણ ઉપર પૂરેપૂરો સંયમ રાખ્યો ને મનની વાત જરા જેટલીય બહાર ન પડી જાય ને માના સુખસર્વસ્વનો અંત ન આણી દે, એમ બહારથી કશુંય બતાવ્યા વગર વિનીત ભાવે વદી :

              " મા ! એક આખા વરસથી હું સત્યવાન સાથે લીલમ જેવા વનની કિનારીએ રહું છે, પણ હજુ સુધી મારી કલ્પનાઓને રહસ્યમયતાથી ઘેરી લેતા વનહૃદયનાં મૌનમાં ગઈ નથી, એની હરિયાળી ચમત્કારકતામાં વિચરી નથી. આજે સત્યવાન સાથે જવાની મારામાં પ્રબળ ઈચ્છા જાગી છે. એનો જેની ઉપર પ્રેમ છે તે ત્યાંના જીવન મધ્યે હાથમાં એનો હાથ લઇ હું વિહરવા ચાહું છું, એ જે ઘાસ ઉપર ચાલ્યો છે ત્યાં ચાલવા માગું છું. વનનાં ફૂલોનો પરિચય કરવાની, આરામ-પૂર્વક વનનાં વિહંગોનાં ગાન સાંભળવાની, ચમકતાં પ્રાણીઓની દોડધામ જોવાની ને અરણ્યના ગૂઢ મર્મર ધ્વનિઓ સુણવાની મારા હૃદયમાં સ્પૃહા જાગી છે. પ્રાર્થના છે કે આપ મને અનુજ્ઞા આપો અને મારા હૃદયને આરામ અનુભવવા દો."

               રાજમાતાએ એને રજા આપી અને કહ્યું, " વત્સે ! જા, તારા સમજુ મનની

૧૪૬


ઈચ્છાને અનુસાર. તું તો અમારા ઘરની રાણી છે, અમારા ઉજજડ દિવસો ઉપર દયા કરીને સેવા માટે સ્વયં આવેલી એક દેવી છે. દાસી બનીને તું અમારી સેવાશુશ્રુષા કરે છે, છતાં ઉપર રહીને પૃથ્વીની સેવા કરતા સૂર્યદેવની માફક તું જે કંઈ કરે છે તેનાથી પર રહે છે. "

           પછી સાવિત્રી દુર્દૈવવશ પતિ સાથે વનમાં સંચરી. પ્રકૃતિ જ્યાં પ્રભુની રહસ્યમયતા સાથે વ્યવહારસંબંધ રાખે છે, સૌન્દર્ય અને સુભવ્યતા અને અનુચ્ચારિત સ્વપ્ન જ્યાં અનુભવાય છે ત્યાં એ સત્યવાનની સાથે ગઈ. સાવિત્રીનો સંગાથ હોવાથી સત્યવાન મોટા ઉલ્લાસમાં હતો. વનની સંપત્તિ, ભાતભાતના રંગ ને તરેહ-તરેહની ફોરમવાળાં ફૂલ, વૃક્ષોને વળગેલી વેલો, વિવિધ વર્ણનાં પીંછાથી રૂપાળાં લાગતાં પંખીઓ વાટમાં સત્યવાન સાવિત્રીને સોત્સાહ બતાવતો. પંખીઓના પરસ્પર પાઠવેલા પ્રેમના પોકારો તરફ સાવિત્રીનું ધ્યાન ખેંચતો, વન ને વનનું બધું જ એને કેવો સાથ આપતું હતું ને પોતાના અંતરંગ વયસ્યો જેવું બની ગયું હતું તે સત્યવાને સાવિત્રીની આગળ સવિસ્તાર વર્ણવ્યું,

            સાવિત્રી ઊંડાણમાં રહીને બધું સાંભળતી, તે વર્ણવાતી વસ્તુઓને ખાતર નહીં, પણ સત્યવાનના મધુર લાયવાહી શબ્દોને અંતરમાં અનામત સંઘરી રાખવાની સ્પૃહાથી, કેમ કે સ્વલ્પ સમયમાં જ એ સ્વરો બંધ પડી જવાના હતા તેનું એને જ્ઞાન હતું. હવણાં, હવણાં જ જાણે એ સ્વરો સદંતર બંધ પડી જશે એવી આશંકા એને થયા કરતી. આસપાસમાં જરા જેટલોય સળવળાટ થતાં એ ચોંકી ઊઠતી અને જમરાજાને જોવા આંખો ફેરવતી. એવામાં સત્યવાન અટકયો. લાકડાં કાપવાનું કામ ત્યાં જ પૂરું કરી નાખી પછીથી સાવિત્રીની સાથે નિરાંતે વનવિહાર કરવાનો એનો વિચાર હતો. 

              સાવિત્રીના પ્રાણ હવે તો ઘડીઓમાં નહીં પણ પળોમાં આવી રહ્યા હતા. લાકડાં કાપતો કાપતો સત્યવાન તો મૃત્યુ ઉપરના જયના ને સંહારાયેલા અસુરોના વિષયના વેદમંત્રો મોટેથી લલકારતો હતો અને વચમાં સાવિત્રીને પ્રેમનાં ને પ્રેમથીય મીઠડાં મજાકનાં કોમળ વચનો સંભળાવતો. ને સાવિત્રી ચિત્તો જેમ શિકાર પર છાપો મારી એને  બોડમાં ઘસડી જાય તેમ સત્યવાનના શબ્દો પર તરાપ મારી એમને ઝડપી લેતી ને ઊંડે હૃદયગુહામાં લઇ જતી.

              દુર્દૈવ આવી પહોચ્યું. સત્યવાનના શરીરમાં તીવ્ર પીડાનો સંચાર થવા લાગ્યો. એનો ઘેરાયેલો પ્રાણ હૃદયના દોર તોડી છુટો થઈ જવા મથવા  લાગ્યો. પણ ક્ષણેક આ પીડામાંથી મુક્તિ મળતાં સત્યવાન પાછો કુહાડી ચલાવવા લાગ્યો, પરંતુ આ વખતે એના ઘા આંધળા બની ગયા હતા.

              હવે જગતનો મોટો કઠિયારો આવી પહોંચ્યો અને એણે સત્યવાનની ઉપર કુહાડી ચલાવી. સત્યવાનનું હૃદય ને મસ્તિષ્ક ફરીથી દીર્ણવિદીણ થવા માંડયું અને એણે પોતાની કુહાડી દૂર ફગાવી દીધી ને સાવિત્રીને  સંબોધી : " સાવિત્રી !

૧૪૭


સાવિત્રી ! સાવિત્રી !  મને કોઈ ચીરી નાખતું હોય એવું મને દુઃખ થાય છે. જરાવાર તારા ખોળામાં માથું મૂકી મને સૂઈ જવા દે. તારો હાથ દુર્દૈવને દૂર રાખશે, તારો સ્પર્શ થતાં મૃત્યુ પસાર થઈ જશે."

            પછી સાવિત્રી પાસેના એક બીજા લીલાછમ વૃક્ષને અઢેલીને બેઠી અને સત્યવાનને સાંત્વન આપવા એનાં અંગોને પ્રેમથી પંપાળવા લાગી. એના પોતાના અંતરમાંથી શોક ને ભય મરી પરવાર્યા હતા. એક જબરજસ્ત શાંતિ એની ઉપર છવાઈ ગઈ હતી. સત્યવાનની યાતનાને મટાડવાની એક વૃત્તિ જ માત્ર એનામાં રહી હતી. પછી તો એ પણ સરી ગઈ ને દેવોની માફક અશોક અને ઓજસ્વી ભાવે એ વાટ જોવા લાગી.

              સત્યવાનનો વર્ણ વિવર્ણ બનતો જતો હતો. એની આંખોમાં નિસ્તેજતા આવવા માંડી હતી, પણ એ પૂરેપૂરી બની જાય તે પહેલાં એણે એક નિરાશાનો પોકાર કરી સાવિત્રીને કહ્યું : " સાવિત્રી ! સાવિત્રી ! ઓ સાવિત્રી ! ઉપર મા જરા ઝુક ને હું મરી જઉં તે પહેલાં એકવાર મને ચૂમ. "

               સાવિત્રી ઝૂકીને એને ચુંબન અર્પતી હતી ત્યાં જ એના પ્રાણ શમી ગયા.

                હવે સાવિત્રીએ જોયું તો જણાયું કે તેઓ ત્યાં એકલાં ન 'તા એક સચેત, બૃહદાકાર ઘોર સત્ત્વ ત્યાં હતું. સાવિત્રીએ પોતાની છેક પાસે જ એક મૌનમયી નિઃસીમ છાયા નીરખી. એક ભયંકર ચુપકી સ્થાન ઉપર છવાઈ ગઈ હતી. પક્ષીઓ બોલતાં બંધ પડી ગયાં હતાં, જનાવરો અવરજવર કે અવાજ કરતાં ન 'તાં. સર્વનું નિકંદન કરનારી એક ભીષણતાથી અને મહાત્રાસથી  જગત ભરાઈ ગયું હતું. કોઈનીયે પરવા ન કરનાર એક દેવની  છાયાએ બધું ગ્રસી લીધું હતું. સાવિત્રી સમજી ગઈ કે દૃશ્યમાન મૃત્યુદેવ ત્યાં ઊભો હતો ને સત્યવાન પોતાના આશ્લેષ-માંથી નીકળી ગયો હતો.

              ( આ પર્વ પૂરું કરાયું ન હતું. કર્ત્તાએ સર્ગ ૩ નું જેને નામ આપ્યું છે તે આ સર્ગ એમણે મૂળના લખાણમાંથી સંકલિત કર્યો છે ને કોઈ કોઈ જગાએ નવેસર લખ્યો છે. )

 

 

હવે અહીં સુનેરી આ મહતી ઉષસી સમે

નિદ્રાધીન પતિ પાસે પોઢેલી એ કરી નજર ન્યાળતી

પોતાના ભૂતકાળમાં,

મરવાની પળે જેમ જન કોઈ દૃષ્ટિ પાછળ ફેંકતો

સૂર્યથી અજવાળાયાં ક્ષેત્રો પે જિંદગીતણાં,

જ્યાં પોતેય અન્ય સાથે દોડતો ખેલતો હતો

ઊચકી શિર પોતાનું ભીમકાય કાળા ઘોર પ્રવાહથી

 

૧૪૮


 

જેનાં ઊંડાણમાં એને સદા માટે થવાનું મગ્ન છે રહ્યું.

પોતે જે સૌ હતી પૂર્વે ને જે સર્વ કર્યું હતું

તે ફરીથી બન્યું જીવંત જીવને.

આખું વરસ વેગીલી અને વમળથી ભરી

સ્મૃતિઓની શર્ત-દોડે એના અંતરમાં થઈ

ગયું ભાગી ફરી પ્રાપ્ત ન થતા ભૂતકાળમાં.

પછી નીરવ એ ઊઠી અને પુજાર્ચના કરી,

એક વનશિલાએ જે સત્યવાને સાદી કોરી રચી હતી

તે મહામાતૃદેવીને પગે એ જઈને પડી.

શી કરી પ્રાર્થના એણે તે તદાત્મા અને દુર્ગા જ જાણતાં.

કદાચ અંધકારાયા ભીમકાય અરણ્યમાં

એ સંવેદી રહી હતી

અનંતા મા રેખેવાળી કરતી નિજ બાળની,

કદાચ સ્વર આચ્છાન્ન કો નિઃસ્પંદ શબ્દને બોલતો હતો.

આવી એ આખરે પાંડુ રાજમાતા સમીપમાં.

સાવિત્રી જઈને બોલી, કિંતુ ઓઠે ચોકી-પ્હેરો હતો અને

મુખ શાંતિ ભર્યું હતું,

કે ભૂલોભટક્યો કોક શબ્દ ને કો આકાર દે દગો રખે

કે નથી જાણતું એવે માને હૈયે જઈ હણે

સમસ્ત સુખની સાથે જીવવાની જરૂરતે,

જે દુઃખ આવવાનું છે તેના ઘોર ઘોર પૂર્વ-પ્રબોધથી.

માત્ર જરૂરના શબ્દો પામ્યા ઉચ્ચાર-માર્ગને : 

બાકીનું સૌ દબાવેલું રાખ્યું એણે યંત્રણા વેઠતા ઉરે

અને બહારની શાંતિ બળાત્કારે લાડી સ્વવચનો પરે :

" એક વરસથી છું હું વસેલી હ્યાં સાથમાં સત્યવાનના

વિશાળા વનની લીલી લીલમી ધારની પરે,

તોતિંગ તુંગ શૃંગોના લોહમંડળની વચે,

વનમાં વ્યોમનાં નીલવર્ણ રંધ્રો તળે, છતાં

નથી નીરવતાઓમાં આ મહાવનની ગઈ,

જેણે મારા વિચારોને ઘેર્યો છે ગૂઢતા વડે,

કે નથી ભમી એનાં લીલાં આશ્ચર્યની મહીં,

ખુલ્લું પરંતુ આ નાનું સ્થાન માત્ર મારું જગત છે બન્યું.

હવે પ્રબલ ઇચ્છાએ આખું મારું હૈયું છે કબજે કર્યું

કે સત્યવાનની સાથે સંચરું હું સાહીને કર એહનો

૧૪૯


 

એણે જીવન ચાહ્યું છે તેહ જીવનની મહીં

ને એ જે પર ચાલ્યો છે તે સ્પર્શું  હું તૃણાદિને

અને અરણ્યપુષ્પોને ઓળખું ને દુખારામ ભરી સુણું

પક્ષીઓને અને દોડાદોડી કરંત જિંદગી

ચમકીને સ્થિર પાછી થઈ જતી,

સુણું હું દૂરની શાખાઓના સંપન્ન મર્મરો

ને સુણું કાનની વાતો રહસ્યોએ ભરેલી જંગલોતણી.

છૂટી આપો મને આજે, આપો મારા હૈયાને આજ વિશ્રમ."

આપ્યો ઉત્તર માતાએ,

" શાંતસ્વભાવ ઓ બાલરાણી ! રાજ્ય ચક્ષુઓએ ચલાવતી,

તારા સુજ્ઞ મને છે જે ઈચ્છા તે અનુવર્ત, જા.

દેવી તને ગણું છું હું શકિતશાળી સમાગતા

કરી અમારા આ વેરાન દિવસો પરે;

દાસી માફક સેવે છે તેથી તું ને તે છતાં પર તું રહે

તારાં સકલ કાર્યોથી ને અમારાં મન જે સર્વ કલ્પતાં

તેનાથીય રહે પરા,

રહી ઉપર જે રીતે પૃથવીને સૂર્ય સમર્થ સેવતો."

પછી દુર્દેવનો ભોગ પતિ ને જાણકાર સ્ત્રી

હાથે હાથ મિલાવીને ચાલ્યાં ગહન એ જગે,

સૌન્દર્ય, ભવ્યતા, સ્વપ્ન અણવર્ણ્ય લહેવાતાં હતાં જહીં,

હતું અનુભવાતું જ્યાં પ્રકૃતિનું મૌન રહસ્યથી ભર્યું,

પ્રભુની ગુહ્યતા સાથે અનુસંધાન સાધતું.

હર્ષે પૂર્ણ સત્યવાન સાવિત્રીને પડખે ચાલતો હતો,

કેમ કે નિજ લીલેરા ધામાઓમાં સાથે એ સરતી હતી :

બતાવતો હતો એને વનના વૈભવો બધા,

તરેહવાર સૌગંધે અને રંગે ભર્યાં નિઃસંખ્ય ફૂલડાં,

લાલ લીલી વેલડીઓ વળગેલી મૃદુ ને પીવરાંગિની,

વિચિત્ર-રિદ્ધરંગીન પાંખોવાળાં વિહંગમો,

મીઠાશભર સેવતી દૂરની ડાળીઓથકી

આવનારા એકેએક અવાજને

તાર સૂરે લઈ નામ ગાન આરંભનારનું

મળતા મિષ્ટ ઉત્તરો.

બોલ્યો એ પ્રિય પોતાને સઘળી વસ્તુઓ વિષે :

એના કૌમારના સાથી ને સાથે ખેલનાર એ,

૧૫૦


 

હતા એ સમકાલીન સખાઓ જિંદગીતણા

અહીં આ જગમાં ભાવ પોતે જેનો પ્રત્યેક જાણતો હતો :

સામાન્ય માણસો માટે કોરા એવા વિચારોમાંહ્ય એમના

પોતે ભાગ પડાવતો,

પ્રત્યેક જંગલી ભાવે ભરેલી લાગણીતણો

લહેતો 'તો જવાબ એ.

એ ઊંડા ભાવથી સત્યવાનને સુણતી હતી,

જાણતી એ હતી કે આ અવાજ અલ્પ કાળમાં

પડી બંધ જશે, સ્નિગ્ધ શબ્દો સુણાવશે નહીં,

તેથી તેના સ્વરારોહો મીઠા ને પ્રિય લાગતા

એકાકી સ્મૃતિને માટે સંઘરી એ રાખવા માગતી હતી

જે સમે સાથમાં એના નહીં એ હોય ચાલતો

ને સદંતર ના શકત પ્યારા શબ્દ સુણાવવા.

પણ શબ્દોતણા અર્થ પર એનું મન અલ્પ જતું હતું;

વિચાર આવતો એને મૃત્યુ કેરો ને નહીં જિંદગીતણો

કે એકાકી અંતનો જિંદગીતણા.

એના હૃદયમાં પ્રેમ યાતનાના કંટકોથી ઘવાયલો

પ્રત્યેક પગલે દુઃખ સાથે પોકારતો હતો 

વિલાપ કરતો રહી,

" હવણાં, હવણાં , દૈવાત્

સ્વર એનો સદાકાળ માટે બંધ પડી જશે."

કો સંદિગ્ધ સ્પર્શથીયે દુઃખ નીચે દબાયલી

આંખો કો કો વાર એની જોતી 'તી આસપાસમાં,

જાણે કે એમને જોવા મળે નિકટ આવતો

કાળો ભીષણ દેવતા.

કિંતુ થંભ્યો સત્યવાન.

ચાહ્યું એણે અહીં કામ પોતા કેરું પતાવવા,

જેથી સુખભર્યાં બન્ને સંકળાઈ ને નિશ્ચિંત બની જઈ

ભમે મુક્ત મને લીલા અને આદિકાળની ગૂઢતા ભર્યા

ગહને ત્યાં હાર્દ મધ્યે અરણ્યના.

નિઃશબ્દ એ રહી પાસે સાવધાન નિરીક્ષતિ,

પોતે જેને હતી ચ્હાતી ને પ્રસન્ન એના વદનનો અને

વપુ કેરો વળાકો ના એકેયે એ ચૂકવા માગતી હતી.

અત્યારે જિંદગી એની સેકંડોમાં, ન કલાકો મહીં હતી,

૧૫૧


 

પ્રત્યેક પળ કેરો એ પૂરેપૂરો કસી લાભ ઉઠાવતી

વેપારી જેમ કો પાજી રહે ઝૂકી પોતાના માલની પરે,

બાકી રહેલ પોતાના સ્વલ્પ સોના પ્રત્યે કાર્પણ્ય દાખતો.

હેર્ષે ભર્યો સત્યવાન કોઢી ચલાવતો,

મોટેથી એ હતો ગાતો અંશો એક ઋષિના મંત્રસૂક્તના,

ગાજતા જે હતા મૃત્યુંજયત્વે ને સંહારે અસુરોતણા,

ને કો કો વાર થોભી એ સાવિત્રીને મીઠાં વચન પ્રેમનાં

ને પ્રેમથીય મીઠેરી મજાકોનાં વચનો સંભળાવતો :

ને ચિત્તી સમ એ એના શબ્દો પર છલંગતી

ને લઈ એમને જાતી સ્વ હૈયાની ગુહામહીં.

કરતો એ હતો કામ તેવે એની પર દુર્ભાગ્ય ઊતર્યું.

પીડાના ઉગ્ર ને ભૂખ્યા

શિકારી કૂતરા એના શરીરે સોંસર્યા સર્યા,

બચકાં ભરતા ચૂપાચૂપ સંચરતા જતા,

અને પીડાપૂર્ણ એનો પ્રાણ ઘેરાયલો બધો

તોડી જીવનની હૈયા-દોરી છૂટો થઇ જવા

પ્રયાસ કરતો હતો.

પછી જાણે હોય છોડયો સ્વ-શિકાર જનાવરે

તેમ સાહાય્ય પામેલો, ક્ષણ એક રૂડી રાહત-લ્હેરમાં

ફરી જોરમાં આવ્યો અને ઊભો સુખારામભર્યો થયો.

ને સમોદ સવિશ્વાસ શ્રમકાર્ય એણે નિજ શરૂ કર્યું,

પણ પ્રહાર જોતા 'તા ઓછું એના કુઠારના.

હવે પરંતુ મોટેરા કઠિયારે

કોઢીનો ઘા સત્યવાન પરે કર્યો,

અને એનું કાપવાનું કામ બંધ પડી ગયું :

પછી હાથ કરી ઊંચો સત્યવાને પીડાના શસ્રના સમી

કુહાડી તીક્ષ્ણ પોતાથી ફગાવી દીધી દૂરમાં.

સમીપે ગઈ સાવિત્રી નીરવ વેદના ભરી

અને એને લઈ લીધો સ્વબહુમાં,

ને પોકારીઊઠયો એ એહની પ્રતિ,

" સાવિત્રી ! મુજ મસ્તિષ્ક અને હૃદયમાં થઈ

મહાપીડા ચીરતી એક જાય છે,

જાણે કે જીવતી ડાળી છોડી એને કુહાડી હોય કાપતી.

કપાતું હોય છે પોતે અને નિશ્ચે મરવાનું જ હોય છે

૧૫૨


 

ત્યારે વૃક્ષ ભોગવે જે મહાવ્યથા

તેવી મહાવ્યથાથી હું છું વિદીર્ણ થઈ રહ્યો.

જરા વાર મને તારે ખોળે દે શિર મૂકવા,

અને દુદૈવથી તારે હાથે મારી રક્ષા તું કરતી રહે :

કદાચ સ્પર્શશે તું તો મૃત્યુ દૂર સરી જશે."

સાવિત્રી ત્યાં પછી બેઠી વિશાળા વિટપો તળે

સૂર્યને વારતા જેઓ હતા શીતળ ને હરા,

ટાળ્યું એણે વૃક્ષ જેને સત્યવાને હતું કાપ્યું કુઠારથી;

એક સૌભાગ્યવંતા કો વૃક્ષરાજતણે થડે

અઢેલી, હૃદયે રાખી રક્ષતી એ હતી ત્યાં સત્યવાનને,

ને વેદના ભર્યા એના શિરની ને શરીરની

ઉપરે હસ્ત પોતાના ફેરવી એ  હતી સાંત્વન આપતી.

હતા મૃત હવે એને ઉરે સર્વ ભય ને શોક સર્વથા

અને શાંતિ મહતી ઊતરી હતી.

એની વ્યથા ઘટે એવી ઈચ્છા, વૃત્તિ વ્યથાના પ્રતિકારની,

એકમાત્ર મર્ત્ય બાકી રહેલી લાગણી હતી.

તે પસાર થઈ ગઈ :

દેવો સમાન એ વાટ રહી જોઈ અશોકા ઓજસે ભરી.

બદલાયો હવે કિંતુ વર્ણ એનો રોજનો માધુરી ભર્યો,

એણે ધૂસરતા ધારી અને એની આંખો ઝાંખી થઈ ગઈ,

પોતે જેને હતી ચ્હાતી તે પ્રકાશ સ્વચ્છ ત્યાં ન રહ્યો હતો.

માત્ર બાકી હતું મંદ મન સ્થૂલ શરીરનું,

ઉજજવલાત્માતણી દીપ્ત દૃષ્ટિ જેમાં હતી નહીં.

પરંતુ પૂર્ણ એ જાય વિલાઈ તે પહેલાં એકવાર એ

બોલી ઉઠયો સ્વરે ઉચ્ચ

નિરાશામાં અંતકાળ કેરી સંસકિત રાખતી,

" સાવિત્રી ! ઓહ સાવિત્રી ! સાવિત્રી ! મુજ આત્મ ઓ !

ઝુક મારી પરે, ચૂમ મરવાને સમે મને."

ને જેવા પાંડુરા એના ઓઠ તેના ઓઠને દાબતા હતા

તેવા ગયા વિલાઈ તે

જવાબ વાળવા કેરું ખોયું માધુર્ય એમણે;

સત્યવાનતણો ગાલ ઢળી પડયો

સાવિત્રીના સોનેરી કરની પરે.

સાવિત્રીએ વળી ઢૂંઢયું મુખ એનું પોતાના જીવતે મુખે,

૧૫૩


 

જાણે કે ચુંબને એના સમજાવી કરી ફરી

પાછો આણી એ એના જીવને શકે;

પછી એને થયું ભાન કે તેઓ એકલાં ન 'તા.

આવ્યું તહીં હતું કૈંક સચૈતન્ય વિરાટ વિકરાલ કૈં.

પોતાની નિકટે એણે લહી એક છાયા ઘોર પ્રમાણની

મધ્યાહ્નને થિજાવંતી, અંધકાર એની પીઠે બન્યું હતો.

સ્થાન ઉપર વ્યાપી 'તી ભયપ્રેરક ચૂપકી :

વિહંગોનો ન 'તો નાદ ને અવાજ ન 'તો જાનવરોતણો.

મહાત્રાસ-વ્યથા તીવ્ર વિશ્વને ભરતાં હતાં,

સંવેધ રૂપ જાણે કે હતું લીધું રહસ્યે સર્વનાશના.

બે મહાઘોર આંખોથી મન વૈશ્વ હતું વિશ્વ વિલોકતું,

અસહ્ય દૃષ્ટિથી એની સર્વને તુચ્છકારતું,

અમર્ત્ય અધરોષ્ઠો ને ભાલ વિશાલ ધારતું,

નિજ નિઃસીમ ને નાશકારી ચિંતનમાં રહી

જોતું 'તું વસ્તુઓ સૌ ને જીવો સર્વ દયાજનક સ્વપ્ન શાં,

અક્ષુબ્ધ અવહેલાથી નકારંતું એ આનંદ નિસર્ગનો,

ભાવ નિઃશબ્દતાયુક્ત એની ગહન દૃષ્ટિનો

વસ્તુઓ ને જિંદગીનું નિઃસારત્વ પ્રકટાવી રહ્યો હતો,

હોવું હમેશને માટે જોઈએ જીવને છતાં

જે એવું ન હતું કદી,

અલ્પકાલીન ને વ્યર્થ આવતું ને જતું સંતત એ ફરી,

જાણે કે નામ કે રૂપ નથી જેનું એવી નીરવતાથકી

છાયાએ દૂરના એક પરવા ના કરતા દેવતાતણી

માયાવી વિશ્વને દંડ હતો દીધો પોતાની શૂન્યતાતણો,

આભાસ કાળ મધ્યેનો એના વિચાર-કર્મનો

અને એની શાશ્વતીની વિડંબના

કરીને રદબાતલ.

સાવિત્રીને થયું જ્ઞાન કે સાક્ષાત્ ત્યાં યમ ઊભો હતો

ને પોતાની બાથમાંથી સત્યવાન સર્યો હતો.

૧૫૪


ત્રીજો  સર્ગ  સમાપ્ત

 

આઠમું  પર્વ  સમાપ્ત









Let us co-create the website.

Share your feedback. Help us improve. Or ask a question.

Image Description
Connect for updates